રાજકોટમાં રહેતા બિલ્ડરે દુબઈના વેપારીને ફ્લેટ અપાવવાનું કહી રૂ.72 લાખ લઈ છેતરપિંડી કરતા દુબઈના વેપારી દ્વારા તાલુકા પોલીસમા ફરિયાદ નોંધવામાં આવી છે.જેમાં બિલ્ડરે આવી જ રીતે અન્ય લોકોને પણ શીશામાં ઉતારી ઠગાઈ કર્યા હોવાના આક્ષેપો ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે અને બિલ્ડર એક વર્ષ પહેલાં ભારત છોડીને આફ્રિકા ભાગી ગયા હોવાનું પણ વેપારી દ્વારા જણાવવામાં આવ્યું છે. જેથી હાલ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ શહેર કાલાવડ રોડ પર ન્યુ કોલેજવાડી શેરી નં.5માં ઈન્ફીનીટી હાઉસ નામના બિલ્ડીંગમાં ફલેટ બુક કરાવનાર દુબઈના વેપારી અમિત હરીભાઈ ઘોરડા (ઉ.વ.49) સાથે તેના પિત્રાઈ એવા બિલ્ડર ધીરેન અમૃતલાલ ઘોરડાએ રૂા.72.55 લાખની છેતરપીડી કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને ફરિયાદમાં જણાવ્યું છે કે, અમિતભાઈ મુંબઈના કાંદીવલી વેસ્ટમાં અગ્રવાલ રેસીડેન્સીમાં રહે છે. હાલ દુબઈમાં રહી શારજહા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા મુવેલા વિસ્તારમાં સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે.
બિલ્ડરે અન્ય લોકોને પણ ફ્લેટ આપવાનું કહી શીશામાં ઉતાર્યા હોવાનો ફરિયાદ આક્ષેપ : બિલ્ડર એક વર્ષ પહેલાં જ ફુલેકુ ફેરવી ભારત છોડી ભાગી ગયો
2018ની સાલમાં તેના કાકાના પુત્ર ધીરેને નાનામવાના રેવન્યુ સર્વે નં. 68 પૈકીની જમીન ઉપર ઈન્ફીનીટી હાઉસ નામથી લો- રાઈઝ બિલ્ડીંગ બનાવવાનું શરૂ કર્યું હતું. જેમાં તેને ફલેટ બુક કરાવવાનું કહ્યું હતું. જેથી તેણે છઠ્ઠા માળે આવેલા ફલેટ નં.502નો રૂા.75 લાખમાં સોદો કરી રૂા.7.50 લાખ ચેક મારફત ચુકવી સાટાખત કરાવ્યું હતું.જેના આધારે આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી લોન પાસ કરાવી રૂા.65.05 લાખ ધીરેનના ખાતામાં જમા કરાવડાવ્યા હતા. બાકીના રૂા.2.44 લાખ ફલેટ તૈયાર થઈ ગયા બાદ દસ્તાવેજ કરી આપે ત્યારે આપવાનું નકકી થયું હતું.
છઠ્ઠા માળે આવેલા તેના ફલેટનું કામકાજ ચાલુ હતું તે વખતે તે મુંબઈ રહી સોના-ચાંદીનું કામ કરતા હતા. રાજકોટ આવતા ત્યારે ફલેટ જોવા જવા માટે જતા હતા. તે પોતાનો ફલેટ છઠ્ઠા માળે હોવાનું સમજી તે જોઈ જતા રહેતા હતા. બેન્કમાંથી જે લોન લીધી હતી તેનો રૂા.45 હજાર હપ્તો ભરતા હતા. ફલેટ તૈયાર થઈ જતાં જાણવા મળ્યું હતું કે ફલેટ નં.50ર ખરેખર પાંચમા માળે બોલે છે. જેથી આ બાબતે ધીરેન સાથે વાત કરી તેને સાટાખત કરી આપ્યો છે તે ફલેટનો જ દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું. આ વખતે ધીરેને દસ્તાવેજ કરી આપવા બાબતે ગલ્લા-તલ્લા શરૂ કરી દીધા હતા. સાથો-સાથ એમ પણ કહેવાનું શરૂ કર્યું હતું કે તેની બીજી સાઈટ પણ ચાલુ છે. જયાં આ ફલેટના બદલામાં બીજો સારો ફલેટ તેને આપી દેશે.
આ રીતે તેને વિશ્વાસમાં લઈ સમય પસાર કર્યા બાદ આખરે કોલ રીસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી રાજકોટ આવી તપાસ કરતા જાણવા મળ્યું કે પાંચમા માળે ફલેટ નં, 502 વિપ્રભુદાસ તન્ના નામની કોઈ વ્યક્તિએ ખરીદ કર્યો છે. જેની હોમ લોન પણ આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી જ કરાવી છે. આ રીતે ફલેટ નં. 502માં બે-બે હોમલોન કરી અપયાની તેને માહિતી મળી હતી. જેથી ધીરેને સામે તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આરોપી બિલ્ડર ધીરેને બીજા ફલેટધારકો સાથે પણ છેતરપીંડી કરી છે. જે અંગે અગાઉ પણ ગુનો દાખલ થયો છે. 2022માં જ તે ભારત છોડી ભાગી ગયો છે. તેવા આક્ષેપો ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા હતા.