ભારતીય વાયુસેના અવકાશી સંરક્ષણ ક્ષેત્રને સતત સુદ્રઢ બનાવવા તરફ આગળ ધપી રહ્યું છે. પાકિસ્તાન અને ચાઈનાની મીલીભગતથી સરહદી વિસ્તારોમાં ઉભી થતી તંગદિલી વચ્ચે ભારતીય વાયુસેના પોતાની તાકાતમાં સતત વધારો તો કરી જ રહી છે સાથોસાથ એવા વિસ્તારોમાં કે જ્યાં પાકિસ્તાન કે ચાઈનાના સૈનિકોની સંખ્યા વધુ હોય અથવા તાકાત વધુ હોય ત્યાં ભારતીય સેનાઓ રણનીતિ અને તાલીમના આધારે દુશમનોને જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ છે તેવું એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, આગામી 7 થી 8 વર્ષમાં રૂ. અઢીથી ત્રણ લાખ કરોડના ખર્ચે અત્યાધુનિક શસ્ત્રો વિકસાવાશે.
ભારતીય વાયુસેના રૂ. 60,000 કરોડના ખર્ચે 84 સુખોઈ-30 એમકેઆઈ એરક્રાફ્ટને અપગ્રેડ કરવા અને 97 તેજસ માર્ક-1એ એરક્રાફ્ટ ખરીદવા માટે રૂ. 1.15 લાખ કરોડના સોદાને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. એરફોર્સ ચીફ વી.આર. ચૌધરીએ મંગળવારે આ માહિતી આપી હતી.
મોદી મંત્ર 2 : જમીનની સાથે આકાશી સુરક્ષા સુદ્રઢ બનાવવા મજબૂત પગલું
સુખોઈ એરક્રાફ્ટના અપગ્રેડેશન, તેજસ માર્ક એરક્રાફ્ટની ખરીદીના કરારો કરાયા
ફેબ્રુઆરી 2021માં સંરક્ષણ મંત્રાલયે વાયુસેના માટે 83 તેજસ એમકે-1એ એરક્રાફ્ટ ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) સાથે રૂ. 48,000 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. 97 વધારાના તેજસ માર્ક-1એ એરક્રાફ્ટની ખરીદી બાદ વાયુસેનાના કાફલામાં આ વિમાનોની કુલ સંખ્યા વધીને 180 થઈ જશે. પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ પર વાયુસેનાના વડા ચૌધરીએ કહ્યું કે આ વિસ્તારમાં સરહદ પર એરફોર્સની તૈનાતી ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી બાકીના સંઘર્ષ વિસ્તારોમાંથી (બંને દેશોના) સૈનિકો પાછા નહીં ખેંચાય.
એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ મંગળવારે જણાવ્યું હતું કે વાયુસેનાની ઓપરેશનલ યોજનાઓ ખૂબ જ મજબૂત છે અને જ્યાં પણ તે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર “દુશ્મનની સંખ્યા અથવા તાકાત” સામે નબળી હોય ત્યાં વધુ સારી રણનીતિ અને તાલીમ દ્વારા દુશ્મનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે. પર્વતીય રડાર, લાંબા અંતરની મિસાઇલો અને ’અપગ્રેડેડ’ ફાઇટર એરક્રાફ્ટ જેવા સ્વદેશી રીતે વિકસિત લશ્કરી સાધનો તૈનાત કરીને પડકારોનો સામનો કરવા પણ સેના સજ્જ છે. પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ પર, વાયુસેનાના વડાએ 8 ઓક્ટોબરે મનાવવામાં આવી રહેલા વાયુસેના દિવસ પહેલા કહ્યું હતું કે, આ વિસ્તારમાં સરહદ પર વાયુસેનાની તૈનાતી ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સૈનિકો (બંને દેશોના) પરત નહીં આવે.
8 ઓક્ટોબરે વાયુસેના દિવસ પહેલા વાયુસેનાના વડાએ એમ પણ કહ્યું હતું કે 84 સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર એરક્રાફ્ટને અપગ્રેડ કરવા માટે 60,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કામ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય કુલ 156 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (એલસીએચ) ખરીદવા માટે આવતા વર્ષે એચએએલ સાથે કરાર પર હસ્તાક્ષર કરવાનું પણ વિચારી રહ્યું છે.
વાયુસેના પાસે હાલમાં 10 હળવા કોમ્બેટ હેલિકોપ્ટર છે. અમે 83 એલસીએ-માર્ક 1એ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અમે હવે 97 વધારાના એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં છીએ, તેવું એરફોર્સના વડાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટની કિંમત 1.15 લાખ કરોડ રૂપિયાથી થોડી વધુ હશે.
રૂ. 60 હજાર કરોડના ખર્ચે અત્યાધુનિક એરક્રાફ્ટ વિકસાવાશે
એરક્રાફ્ટ માટે 60,000 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને 81 સુખોઈ-30 એમકેઆઈ એરક્રાફ્ટને અપગ્રેડ કરવાની યોજના છે. તેની કિંમત 60 હજાર કરોડ રૂપિયાથી થોડી વધુ હશે. આગામી વર્ષોમાં અમે આકાશ-એનજી, એમઆર-એસએએમ, એર ડિફેન્સ સિસ્ટમ પુસા, બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ પ્રલય અને અન્ય કરારો પર હસ્તાક્ષર કરીશું તેવું વાયુસેના વડાએ જણાવ્યું છે. આવનારા 7-8 વર્ષમાં આ કોન્ટ્રાક્ટ્સની કિંમત લગભગ 2.5-3 લાખ કરોડ રૂપિયા હશે, તેથી અમે તે મુજબ અમારા બજેટનું આયોજન કરીશું.
દુશ્મનની તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવા લોન્ગ રેન્જ રડારને શામેલ કરાશે
ચીને માનસરોવર પાસે રડાર તૈનાત કર્યા છે તેના જવાબમાં વાયુસેના પ્રમુખે કહ્યું કે અમે દુશ્મનના પ્રદેશમાં દૂર સુધી નજર રાખવા માટે લાંબી રેન્જના પર્વત રડારને સામેલ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. એક પ્રશ્નના જવાબમાં એરફોર્સ ચીફ ચૌધરીએ કહ્યું કે એરફોર્સને એસ-400 મિસાઈલ સિસ્ટમના ત્રણ યુનિટ મળ્યા છે. આગામી વર્ષ સુધીમાં વધુ બે યુનિટની ડિલિવરી થવાની ધારણા છે. તેમણે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને વિશ્વનું ’નવું આર્થિક અને વ્યૂહાત્મક કેન્દ્ર’ ગણાવ્યું જે પડકારો અને તકો બંને પ્રદાન કરે છે.