જામનગર સમાચાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મહારાષ્ટ્રના વતની મરાઠી પરિવારના ૧૫ વર્ષ અને ૧૩ વર્ષના બે ભાઈઓ એકા એક લાપત્તા બની જતાં જામજોધપુર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે, અને પોલીસ દ્વારા કોઈ અજાણ્યા શખ્સો સામે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે.
પ્રાથમિક પૂછપરજ દરમિયાન બંને બાળકો પબજી ગેમ રમતા હોવાથી પિતાએ ઠપકો આપીને મોબાઇલ ફોન છીનવી લેતાં બંને ભાઈઓ ઘર છોડીને ભાગી છૂટ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, અને ચોતરફ તપાસ શરૂ કરાવી છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રના ધૂળે જિલ્લાના રોહિણી ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં ઈશ્વરભાઈ ભાણજીભાઈ નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મોતીરામ સીલદાર પાવરા નામના ૩૫ વર્ષના મહારાષ્ટ્રના વતની શ્રમિક યુવાને પોતાના બે પુત્રો મનોજ ઉંમર ૧૩ અને ગણેશ ઉ.વ.૧૫ કે જેઓ ગત તા ૧૨.૯.૨૦૨૩ ના દિવસે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગયા હોવાની જાણ જામજોધપુર પોલીસ મથકમાં કરી હતી. જેના અનુસંધાને જામજોધપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણ અંગે નો ગુનો નોંધ્યો છે, અને બંને બાળકોની શોધખોળ હાથ ઘરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન બંને બાળકો ખેતી કામ કરતા હોવાનું અને પોતાના મોબાઈલ ફોનમાં પબજી ગેમ રમતા હોવાથી તેના પિતાએ બંનેના મોબાઇલ છીનવી લઈ ગેમ રમવા અંગે ઠપકો આપ્યો હતો. જેથી બંનેને મનમાં લાગી આવ્યું હતું અને ઘર છોડીને ચાલ્યા ગયા હતા.પરિવારજનોએ તેમના વતનમાં પુછપરછ અને શોધખોળ કરી લીધી હતી, ઉપરાંત મહારાષ્ટ્રિયન પરિવારો જુનાગઢ- પોરબંદર સહિતના આસપાસના જિલ્લામાં ખેત મજૂરી કામ કરે છે, જે તમામ સ્થળોએ પણ તપાસ કર્યા પછી કોઈ પત્તો નહીં મળતાં આખરે જામજોધપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસ બંને ભાઈઓને શોધી રહી છે.