હાથસણી ગામે સી.સી.રોડનું કરાયું ખાતમૂહૂર્ત
વિંછીયા તાલુકાના હાથસણી ગામે પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સુવિધા પથ સી. સી. રોડનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, 675 મી. લંબાઈ અને 5.50 મીટર પહોળાઇનો ફુલઝર-હાથસણી અને સીમ શાળા -2 સુધી અંદાજીત 60 લાખના ખર્ચે સી. સી. રોડ નિર્માણ કરવામાં આવશે. વિસ્તારની સ્થિતિ મુજબ રોડ ગુણવત્તાયુક્ત બને તે માટે તેની જાડાઇ પણ વધુ રાખવામાં આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આંતર માળખાકીય સુવિધા દેશના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રાથમિક સુવિધાઓનું નિર્માણકાર્ય દેશના ગામે ગામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
વિછીયા તાલુકામાં તમામ માળખાકીય સુવિધા જેવી કે, શિક્ષણ, પાણી, રસ્તાની સુવિધા ઉભી કરીને રાજય સરકાર આ પંથકને વિકાસની મુખ્ય ધારા સાથે જોડી રહી છે ત્યારે આગામી સમયમાં પણ અનેક વિકાસકાર્યો થકી આ પંથકને આંતરમાળખાકીય સુવિધાઓ વધુને વધુ પ્રાપ્ત કરાવવામાં આવશે તેમ મંત્રીએ ખાતરી આપી હતી. આ તકે વિંછીયા તાલુકાના અગ્રણી અશ્વિનભાઈ સાકરીયા, વલ્લભભાઈ, દેવરાજભાઈ, ખોડાભાઈ તથા બહોળી સંખ્યામાં હાથસણીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.