જામનગર સમાચાર
જામનગર શહેરના પાર્ક કોલોનીમાં આવેલા એક વડીલો પાર્જિત મકાનને પચાવી પાડવા અંગે અને ઠેબા ચોકડી વિસ્તારમાં વીજ કર્મચારીના મકાનનો ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દેનાર શખ્સ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંને પ્રકારણ માં પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હા દાખલ કરાયા છે.
નાઘેડી આર્શીવાદ કલબ વિસ્તારમાં રહેતા અને ગુજરાત એનર્જી ટ્રાન્સમીશજ્ઞ પ્રા. લી. કંપનીમાં ઈલેકટ્રીક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મયુરભાઈ મનસુખભાઈ વાઘેલા નામના યુવાને ઠેબા ચોકડી નજીક સરદાર પાર્ક-૪ માં બિલ્ડર ભાવેશ ડાયાભાઈ રાઠોડ દ્વારા બનાવવામાં આવી રહેલું મકાન ડાયાભાઈ રાઠોડ દ્વારા દેખાડવામાં આવેલું મકાન મયુરભાઈને ગમી જતાં ગત તા. ૨૯.૩.૨૦૨૨ના રોજ રૂા. ૩,૯૦,૦૦૦ની અવેજની કિંમત ચુકવી દસ્તાવેજ કરી બાંધકામના રૂા. ૪,૧૦,૦૦૦ બિલ્ડર ભાવેશભાઈ ડાયાલાલ રાઠોડને આપી દીધા હતા, ત્યાર બાદ મયુરભાઈ મકાને જતા તથા મકાનમાં માલ સામાન (ઘરવખરી) પડેલી હતી, જે બાબતે ડાયાભાઈ રાઠોડને પૂછતાં તેમણે જણાવ્યુ હતું કે, બાજુવાળાના મકાનનું કામકાજ ચાલુ હોવાથી તેનો માલ સામાન પડેલો છે તેના મકાનનું કામ પુરૂ થતાં માલ સામાન ખાલી કરી નાખશે.
ત્યારબાદ ગત તા. ૧-૪ ૨૦૨૩ના રોજ મયુરભાઈએ આ મકના અંગે તપાસ કરાવતા જીવણભાઈ સાજાભાઈ હાથિયા રહેતા હતા જેથી મકાન ખાલી કરાવવા કહેતા તેમણે મકાન ખાલી નહીં કરી અને અમે આ મકાનનમાં છેલ્લા ત્રણ વર્ષથી રહીએ છીએ અને આ મકાન અમે ખરીદ કરેલું હોય જેથી ખાલી કરશું નહીં તેવું જણાવ્યું હતું.
આખરે મયુરભાઈ એ જીવણભાઈ સાજાભાઈ હાથિયા વિરૂધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ અંતર્ગત કલેકટર કચેરીમાં અરજી કરતાં ડેન કેવિંગ કમિટી દ્વારા ચેકિંગ કરી તેનો રિપોર્ટ તૈયાર કરાયો હતો, અને ફરીથી કલેક્ટર સમક્ષ રજૂ કરાયા પછી આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આરોપી જીવણભાઈ સાજાભાઈ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ અંગે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ૨૦૨૦ ની કલમ ૪(૩),૫ ગ, તેમજ આઈ.પી.સી.કલમ ૫૦૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લેન્ડ ગ્રેબિંગ અંગેનો બીજો ગુનો જામનગર શહેરના પાર્ક કોલોની વિસ્તારમાં બન્યો છે. મૂળ જામનગરના વતની અને હાલ રાજકોટમાં રહેતા પ્રકાશભાઈ મણીલાલ ચતવાણી એ પોતાના જ પિતરાઈ ભાઈ રાજકોટમાં રહેતા હરેશ રસિકલાલ ચતવાણી સામે પાર્કકોલોની વિસ્તારમાં આવેલું પોતાનું મકાન પચાવી પાડવા અંગે ની ફરિયાદ નોંધાવી છે.સૌપ્રથમ પ્રકાશભાઈ દ્વારા જામનગરની કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એકટ અંગે ફરિયાદ અરજી કરવામાં આવી હતી.
જે અરજી ની તપાસની પછી આખરે મકાનનો ગેરકાયદે કબજો હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ કરાયો હતો.આથી સીટી બી. ડિવિઝન પોલીસમાં મથકમાં પ્રકાશભાઈ ચતવાણી ની ફરિયાદના આધારે તેના પિતરાઈ ભાઈ હરેશ રસિકલાલ ચતવાણી સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત વિધેયક ૨૦૨૦ ની કલમ ૪ (૩), ૫ (ગ),મુજબ અને આઇપીસી કલમ ૫૦૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરાઇ છે.