મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે કબીરધામ, નાની વાવડી ખાતે પૂ. મોરારીબાપુના કંઠે આયોજિત રામકથામાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે પધારી કથાનું શ્રવણ કર્યું હતું.
માનસ શ્રદ્ધાંજલિ કથાના પ્રસંગે મુખ્યમંત્રીએ ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવાંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, એ દુર્ઘટનાના દિવંગતોની મોક્ષ પ્રાપ્તિ માટે આ માનસ શ્રદ્ધાંજલિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમની મોક્ષ પ્રાપ્તિ માટે હું પણ પ્રાર્થના કરું છું. પૂ. મોરારીબાપુની 924 મી રામકથા શ્રવણ કરવાનો મને મોકો મળ્યો તે માટે હું ધન્યતા અનુભવ છું. સત્ય પ્રેમ કરુણા અને રામ નામ થકી સૌનું જીવન સાર્થક બને તેવી પણ પ્રાર્થના કરું છું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે જ્યારે રાજ સત્તા અને ધર્મ સત્તાનો સંગમ થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વ ગુરુ બનાવવાનું જે સ્વપ્ન સેવ્યું છે
મોરબીમાં પૂ. મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથાનું મુખ્યમંત્રીએ શ્રવણ કર્યું, ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
સ્વપ્ન સાર્થક બને અને ભારત વિશ્વ ગુરુ બને તેવી વ્યાસપીઠ પર હું પ્રાર્થના કરું છું.આ પ્રસંગે ભાણદેવજી રચિત ’અમૃત મહાભારત’ પુસ્તકનું પણ મુખ્યમંત્રી તેમજ પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે ‘અબતક’ના મેનેજીંગ ડીરેકટર સતીષકુમાર મહેતા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, અને જયંતીભાઈ કવાડિયા, કબીરધામના મહંત શિવરામદાસજી મહારાજ, અગ્રણી સર્વ જયંતીભાઈ ભાડેસીયા, રણછોડભાઈ દલવાડી, દીપિકાબેન સરડવા, યજમાન પરિવારો તેમજ બહોળી સંખ્યામાં કથાના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓ માટે મોરબીના કબીર આશ્રમના આંગણે શરૂ થયેલી માનસ શ્રદ્ધાંજલી રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા મોરારીબાપુએ આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરી કહ્યું હતું કે તલગાજરડી વ્યાસપીઠ હંમેશ પહેલ કરતી આવી છે.આજે બાપુએ કથાના સમયને મોડો કરી હાથમાં સાવરણો લઈ અને સંતો,મહંતો અને રાજનેતાઓને સાથે રાખીને દિલથી મનથી કબીર આશ્રમમાં પોણો કલાક સુધી સફાઈ અભિયાન અને શ્રમદાન કર્યું હતું.
કથા આરંભ કરતા બાપુએ જણાવ્યું કે અહીં બીજપંક્તિ રૂપે બે દોહા લીધેલા છે.એક દોહામાં ત્રણ વસ્તુ કહી છે, એક માનસ એટલે હિમાલયનું માનસરોવર, બીજું માનસ આપણા ઘરમાં,ઘટમાં રહેલી માનસપોથી અને ત્રીજું માનસ એટલે હૃદય આ ત્રણેયને સમજવામાં આપણને અગમતા પડે છે. તેને સમજવા માટે શ્રદ્ધા, સાધુનો સંગ અને પરમાત્મા તરફનો પ્રેમ જરૂરી છે. માનસ સમજવા શ્રદ્ધા,સાધુ સંગ,પરમાત્મામાં પ્રેમ જરૂરી છે.
રાજસિ શ્રદ્ધા એને કહેવાય જેમાં શ્રદ્ધા તો હોય,પણ ડોલી જતી હોય,ક્યારેક અહીં,ક્યારેક ત્યાં રજોગુણ સ્થિર ન થવા દે, સાત્વિક શ્રદ્ધાને તુલસીજીએ ગાયનું રૂપ આપ્યું છે.ગામડામાં ઘણી ગાય એવી હોય છે પ્લાસ્ટિક ખાય,ન ખાવા જેવી વસ્તુમાં પણ માથું મારે, માણસના જીવનમાં આટલી વસ્તુ એક હોવી જોઈએ:પંથ એક હોવો જોઈએ. ઘણા લોકો કબીર પંથે ચાલે છે.એ માર્ગ પકડ્યા પછી કોઈ બીજાના માર્ગની નિંદા નથી કરતા.ઘણી શ્રદ્ધા તમોગુણી હોય છે.આવી શ્રદ્ધાને કારણે લોકો લડતા હોય છે.અમુક ગાયો દીવાલમાં શિંગડુ ઠોક્યા જ કરે છે.દિવાલ એની સુરક્ષા માટે છે છતાં અકારણ શીંગડા મારે છે તેવું માર્મિક રીતે કહ્યું હતું.
મોરારીબાપુએ કથામાં કહ્યું કે, આજે આ સ્વચ્છતા કાર્યક્રમ કર્યો પણ મારો મૂળ કાર્યક્રમ તો માનસનું ગાન છે હું સમાજની આંતર બાહ્ય સ્વચ્છતા જન્મોથી કરતો આવ્યો છું. સાધુ ભજન કરે એ જ સમાજની મોટી સેવા છે. ઘણા સાધુ અત્યંત સાત્વિક, સૌમ્ય, શાંત હોય છે. જે માણસ શાંત હોય એના વર્ણમાં ફેર પડે છે એમ યોગશાસ્ત્ર કહે છે. ઘણા સાધુ તમોગુણી હોય છે,વાંધાઓમાં જ જિંદગી કાઢી નાખે છે.પણ ગુણાતિત સાધુ જરૂરી છે. ગુણનો એક અર્થ થાય છે દોરડું-રાશ, આપણને ગુણાતિત સાધુનો સંગ જરૂરી છે, તો માનસ સુગમ પડે છે.
તુલસીજી કહે છે પ્રભુ તરફનો પ્રેમ પણ ગુણાતિત હોવો જોઈએ આથી સાધુ શ્રદ્ધા અને પ્રેમ ગુણાતીત હોવા જોઈએ.જેનું ચિત્ સમાન છે.ચિત્તના બે લક્ષણો કહ્ય છે. સરળ ચિત્ અને સમાન ચિત્ત, બધા જ એને છેતરી જાય પણ એમાં સાધુને કંઈ ગુમાવવાનું ન હોય એટલી નિર્દોષતા કે સ્વાભાવિક નિર્દોષ બ્રહ્મને પણ ઈર્ષા થાય.
મોરારીબાપુએ વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતું કે, લોક સાહિત્યકાર કહે છે કે, દિ’ વાળે કાં દીકરા,કાં ધોરી કાં ધરા; કાં તો વણનાં જીંડવાં,નકર ઝાકળિયાં ખરાં” એટલે તલ અથવા તો જે ઝાકળમાં જ પાકી જાય એ ચણા-એવું લોકસાહિત્યકાર દ્વારા કહેવામાં આવે છે. કથા દરમિયાન આજે રાષ્ટ્ર જેના જન્મ ઉત્સવ ઉજવે છે એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને આપણા પૂર્વ લોકપ્રિય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસની આગોતરી વધાઈ સૌને બાપુએ વ્યાસપીઠ પરથી આપી હતી.
પૂ. મોરારિબાપુએ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપતા હોય તેથી ‘માનસ શ્રદ્ધાંજલિ’ રામકથા નામ આપ્યું
પૂ.મોરારીબાપુના વ્યાસાસને રામકથાનો પ્રારંભ થયેલ છે. મોરબીની આ રામકથા ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે એક શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાઈ છે જેથી પૂજ્ય મોરારીબાપુએ આ કથાનું નામ ’માનસ શ્રદ્ધાંજલિ’ રામકથા નામ આપ્યું છે. આજના રામકથાના પ્રથમ દિવસે અલગ અલગ ધામના તથા મઠોના સંતો મહંતો તથા રાજકીય અને સામાજિક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રામકથાનો પ્રારંભ કર્યો હતો.
પ્રથમ દિવસની રામકથામાં પૂજ્ય મોરારીબાપુએ હવેની દરેક કથામાં પાંચ સંકલ્પ કરવાના કહ્યા જેમાં કીડીને કીડિયારું, શ્વાનને રોટલો, પક્ષીને ચણ અને કથા શ્રવણ કરવા આવેલને ભોજન પ્રસાદનું કહેવામાં આવ્યું હતું. ’માનસ શ્રદ્ધાંજલિ’ રામકથાની શરૂઆતમાં ત્રણ શબ્દોમાં શ્રધ્ધા સત્યનું પરસ્ટિક છે, શ્રધ્યેય પ્રેમનું અને શ્રાદ્ધ કરુણાનું પ્રતીક છે ત્યારે આ માનસ શ્રદ્ધાંજલિ રામકથામાં આ ત્રણેયનું ગાયન કરું છું. ત્યારબાદ પૂજ્ય મોરારીબાપુએ અગાઉની કથામાં કહ્યું હતું અને આ કથામાં કહ્યું છે કે હવે સનાતન ધર્મની સેવા માટે શાલ નહિ પરંતુ મશાલની જરૂર છે કેમ કે પાખંડ અને પ્રપંચ એટલે કે ગેર સમાજ અને ખોટા વિચારોને બાળવા માટે મશાલરૂપી પ્રકાશની જરૂરિયાત છે. રામકથામાં કથાનો દૌર આગળ વધારતા સૌ પ્રથળ મંગલાચરણ ત્યારબાદ બાલ્યકાંડ વિષે ચર્ચા કરી હતી અને પ્રથમ દિવસની રામકથાને વિરામ આપ્યો હતો.
પૂજ્ય મોરારીબાપુ દ્વારા કથાનો રસપાન કરી રહેલા ભાવિ ભક્તોને એક ફોર્મ્યુલા જણાવ્યું હતું કે ’શ્રદ્ધાથી’ કથામાં આવો, ’વિશ્વાસ’રાખી કથા સાંભળો અને કથા સાંભળીને ’ભરોસો’લઈને ઘરે જાઓ. પ્રથમ દિવસની રામકથામાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી કથાનો રસપાન કર્યો હતા
પૂ. મોરારીબાપુએ મહા શ્રમદાનમાં સહભાગી બની લોકોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો
સ્વચ્છતા હી સેવા માસની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં નાની વાવડી ગામે પૂ. મોરારી બાપૂએ મહાશ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર 2023ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં “એક તારીખ એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે મોરબીમાં નાની વાવડી ગામે પૂજ્ય મોરારીબાપુ પણ સરકારના મહાશ્રમ દાન કાર્યક્રમમાં જોડાયા હતા અને જાતે સાવરણી લઈ સાફ સફાઈ કરી અન્યને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. આ મહાશ્રમદાન કાર્યક્રમાં પૂજ્ય બાપુ સાથે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરીયા સહિતનાઓએ સહભાગી બની સાફ સફાઈ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત
મોરબીમાં કબીરધામ, નાની વાવડી ખાતે આયોજિત રામકથા અન્વયે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે પધાર્યા ત્યારે હેલિપેડ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જીલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને નરેન્દ્રસિંહ ઝાલા, સહિતનાએ મુખ્યમંત્રીને મોરબીની ભૂમિ પર મીઠેરો આવકાર આપ્યો હતો.