કેન્દ્ર સરકારે પીએલઆઈ યોજના હેઠળ ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 74 ઉદ્યોગોને 6000 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના નવા બનેલા કેમ્પસને સમર્પિત કર્યા પછી સભાના સંબોધનમાં જણાવ્યું હતું.ગૃહમંત્રી શાહે ગાંધીનગરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના નવા બંધાયેલા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યા બાદ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે અને 16 સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો) અને બે કેએસએમ એસ માટે વિકાસ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આર્થિક, ટકાઉ અને ખર્ચ અસરકારક પ્રક્રિયા વિકસાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આગામી દાયકામાં ભારત માત્ર આત્મનિર્ભર બનશે જ નહીં પરંતુ તેમની નિકાસ કરવાની સ્થિતિમાં પણ હશે.
તબીબી ઉપકરણોના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ: અમિત શાહ
તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે લગભગ 48 નાના અને મોટા ઉદ્યોગોને પીએલઆઈ સ્કીમ હેઠળ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 4,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી આપી છે. શાહે જણાવ્યું હતું કે, મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ માટે પીએલઆઈ સ્કીમ પણ શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત કેન્દ્રએ 26 રોકાણકારોને રૂ. 2,000 કરોડનું રોકાણ કરવાની મંજૂરી આપી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે કુલ 3,000 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ બલ્ક ડ્રગ પાર્ક બનાવ્યા છે. ભારતને તબીબી ઉપકરણોના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે, સરકાર રાષ્ટ્રીય તબીબી ઉપકરણો નીતિ 2023 લઈને આવી છે અને હવે તેની નિકાસ માટે પણ એક અલગ નીતિ બનાવવામાં આવી રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર હતા.