જસદણના હડમતીયા ખાંડા ગામે સસ્તા અનાજની દુકાનમાંથી જિલ્લા પૂરવઠા વિભાગે ગેરરીતિ ઝડપી પાડી છે. જેમાં 35 હજાર કિલોનો જથ્થો સિઝ કરવામાં આવ્યો છે. હાજર સ્ટોક સાથે ઓનલાઇન સ્ટોક મેચ ન થતા તેમજ ખાંડ અને ચણાનો જથ્થો વેપારીએ વિતરણ જ ન કર્યાનું ખુલતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
હાજર સ્ટોક સાથે ઓનલાઇન સ્ટોક મેચ ન થતા જિલ્લા પુરવઠા વિભાગની કાર્યવાહી : ખાંડ અને ચણાનો જથ્થો વેપારીએ વિતરણ જ ન કર્યાનું ખુલ્યું
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીની ટિમ દ્વારા જસદણના હડમતીયા ખાંડા ગામે આવેલ ગોવિંદભાઈ ગોપાલજી ચાઉ નામની સસ્તા અનાજની પેઢીને ત્યાં દરોડો પાડ્યો હતો. ત્યાં તપાસ કરતા ઘઉંમા દોઢ કિલો, ચોખામાં 111 કિલો, ખાંડમાં 390 કિલો, બાજરામાં 126 કિલો, ચણામાં 400 કિલો, મીઠામાં 150 કિલો અને તેલમાં પાંચ લીટર ઘટ જોવા મળી હતી જેને પગલે પુરવઠા વિભાગ દ્વારા આ દુકાનમાં 35,170 કિલોનો જથ્થો સિઝ કરવામાં આવ્યો છે. જેમાં 700 કિલો ઘઉં, 730 કિલો ચોખા, 490 કિલો ખાંડ, 520 કિલો બાજરો, 150 કિલો મીઠું અને 72 લીટર તેલનો સમાવેશ થાય છે.
વધુમાં મળતી માહિતી અનુસાર આ વેપારીએ ખાંડ અને ચણાનું તો સંપૂર્ણ રીતે વિતરણ જ ન કર્યું હોવાનું ખુલ્યું હતું. જો કે વેપારીએ ચણાને લઈને એવો બચાવ કર્યો હતો કે કોઈ રાશનકાર્ડ ધારકે ચણાની માંગ જ કરી નથી. આ કાર્યવાહીમાં પુરવઠા વિભાગના જી.જે. ઓઝા, એ.ડી. મોરી, ડી.આર. પુરોહિત, સત્યમ શેરસિયા સહિતના રોકાયેલ હતા.