3 વર્ષ સુધી સજા લાંબાવવા બદલ રૂ.1 લાખનું વળતર ચૂકવવા હાઇકોર્ટનો આદેશ
તાજેતરમાં એક આશ્ચર્યજનક બાબત સામે આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે આજીવન કેદની સજા ભોગવતાં કેદીને જામીન પર મુક્ત કરવાનો આદેશ ઇમેઇલ સ્વરૂપે મોકલ્યા બાદ 3 વર્ષ સુધી મહેસાણા સેશન્સ કોર્ટ અને જેલ તંત્રે ઇમેઇલ ધ્યાને નહીં લેતા કેદીએ 3 વર્ષ સુધી જેલમાં સબડવું પડ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં સાબરમતી જેલ સત્તાધીશોની ત્રણ વર્ષ પહેલા જામીનના આદેશ છતાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને મુક્ત ન કરવા બદલ આકરી ઝાટકણી કાઢી હતી. અદાલતે ગુજરાત સરકારને આ ભૂલ બદલ કેદીને રૂ. 1 લાખ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેણે પોતાની કોઈ ભૂલ ન હોવાને કારણે ત્રણ વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો હતો.
જસ્ટિસ એ.એસ.સુપેહિયાની ખંડપીઠ મહેસાણા સેશન્સ કોર્ટ અને સાબરમતી જેલના વહીવટીતંત્રથી નારાજ થઈ હતી કે જેમાં ઈમેલ પર ધ્યાન આપવામાં ન આવ્યું જેમાં હત્યાના કેસમાં 2020માં આજીવન કેદની સજા પામેલા કેદી ચંદનજી ઠાકોર માટે જામીનનો આદેશ મોકલવામાં આવ્યો હતો.
ખંડપીઠે નોંધ્યું હતું કે હાઇકોર્ટે સપ્ટેમ્બર 2020માં ઠાકોરની સજાને સસ્પેન્ડ કરી હતી અને સેશન્સ કોર્ટ અને જેલને આ સંદર્ભે એક ઇમેઇલ મોકલ્યો હતો. મહેસાણા કોર્ટે મેઇલની નોંધ લીધી ન હતી અને જેલ સત્તાવાળાઓએ તેની નોંધ લીધી હતી પણ તેમણે એવો દાવો કર્યો હતો કે, જામીનનો આદેશ ધરાવતા ઇમેલ સાથેનું જોડાણ ખોલી શકાયું ન હતું. ઠાકોરે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો કારણ કે કોર્ટે તેની સજાને સ્થગિત કરી હોવા છતાં સત્તાવાળાઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.