શહેરમાં બેડીપરા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં પુત્રના મોત બાદ સસરાએ મારે વિધવા પુત્રવધુને ઘરમાં બેસાડવી છે તું અહીંથી ચાલી જા તેમ કહી પત્નીને માર માર્યો હોવાના આક્ષેપ સાથે પ્રોઢાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
’તને ઘરમાં નથી રાખવી’ કહી પતિ, પુત્રવધૂ અને નણંદે ધોકા વડે માર માર્યો
આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બેડીપરા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતા મીનાબેન પ્રેમજીભાઈ ડાભી નામના 50 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં તેના પતિ પ્રેમજી ટપુભાઈ ડાભી, પુત્રવધુ હિરલ ઉર્ફે મીનાક્ષી મયુરભાઈ ડાભી અને નણંદ સુનિતાબેન સહિતનાએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં ઘવાયેલા મીનાબેન ડાભીના પુત્ર મયુરનું અવસાન થયા બાદ પતિ પ્રેમજીભાઈ ડાભીને વિધવા પુત્રવધુ હિરલ ઉર્ફે મીનાક્ષીને ઘરમાં બેસાડવી છે તું અહીંથી ચાલી જા તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.