આજ કાલ યુવતીઓ પણ ઝડપથી રીએકશન આપતી થઈ છે અને તેને લીધે તેઓની આવેગીક પરિપક્વતા ઘટતી જાય છે.યુવાનો અને યુવતીઓમાં આવેગિક પરિપક્વતા અને આત્મહત્યા વૃત્તિ વિશે મનોવિજ્ઞાન ભવનની ડિપ્લોમાની વિદ્યાર્થીની બારીયા પ્રજ્ઞાએ ડૉ. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં સંશોધન કર્યું
માનવીના રોજિંદા જીવન અથવા માનવીની રોજબરોજની પ્રવૃત્તિમાં મુખ્ય પ્રેરકો લાગણી અને આવેગો છે. આવેગો એટલે કે આનંદ, ગુસ્સો ,દુખ ,ભય વગેરે. જીવનમાં આપણે ડગલે અને પગલે આવેગોનો અનુભવ કરતા હોઈએ છીએ. આવેગો ખૂબજ જટિલ અને વ્યક્તિગત હોય છે. તેનું મૂલ્યાંકન સમય ,સ્થળ અને પરિસ્થિતિ અનુસાર કરવાનું હોય છે. આવેગિક પરિપક્વતા એટલે આવેગોનો આવિષ્કાર કરવાની રીત ની પરિપક્વતા.અત્યારના સમયમાં યુવાનો અને યુવતીઓની અંદર સહનશક્તિના અભાવના કારણે આત્મહત્યા કરતા જોવા મળે છે .
યુવાનો અને યુવતીઓમાં આવેગિક પરિપક્વતા અને આત્મહત્યા વૃત્તિ વિશે મનોવિજ્ઞાન ભવનની ડિપ્લોમાની વિદ્યાર્થીની બારીયા પ્રજ્ઞાએ ડૉ. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં સંશોધન કર્યું
આત્મહત્યા એટલે વ્યક્તિએ પોતાના દ્વારા પોતાનો પ્રાણ લેવો .આજે લોકોના જીવનમાં માનસિક રીતે સંઘર્ષનું પ્રમાણ વધ્યું છે. જેના ઘણા કારણો હોઈ શકે. જેમ કે સામાજિક સમસ્યા, આર્થિક સમસ્યા, કૌટુંબિક સમસ્યા વગેરે… આ બધા કારણો ને લીધે લોકો આત્મહત્યા તરફ પ્રેરાય છે.પ્રસ્તુત સંશોધનમાં આવેગીક પરિપક્વતા નું પ્રમાણ યુવતીઓ માં વધારે જોવા મળે છે. આપણા મગજના બે ભાગ છે જેમાં એક ભાગમાં તર્ક અને નિર્ણય પ્રક્રિયા તો બીજામાં લાગણીઓ અને આવેગ રહેલ છે. બહેનો મોટે ભાગે લાગણીઓથી વિચારતી હોય છે. તેમને નાનપણથી જ અલગ અલગ લોકો અને અલગ અલગ પરિસ્થિતિમાં સમાયોજન સાધવાનું શીખવવામાં આવે છે.
સંશોધનના તારણો
- યુવાનો અને યુવતીઓના આવેગિક પરિપક્વતાની બન્નેની ટકાવારીમાં 27.63% તફાવત જોવા મળ્યો
- 67% યુવતીઓએ જણાવ્યું કે તેઓ નવી પરિસ્થિતિમાં સમાયોજન સ્થાપી શકે છે
- 51% યુવતીઓએ જણાવ્યું કે તેઓ પોતાના આવેગોને સારી રીતે વ્યક્ત કરી શકે છે
- યુવાનો અને યુવતીઓના આત્મહત્યાની ટકાવારીમાં 71.34% તફાવત જોવા મળ્યો
- 61.87% યુવાનોએ જણાવ્યું કે તેમને ઘણી સમસ્યાઓમાં જીવન ટૂંકાવવાનો વિચાર આવે છે
- 54.34% યુવાનોએ જણાવ્યું કે તેમને કોઈ ન સમજી શકતું હોય એવી લાગણી થયા કરે છે
પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ
પ્રસ્તુત સંશોધનમાં આત્મહત્યા વૃત્તિનું પ્રમાણ યુવાનોમાં વધારે જોવા મળે છે.યુવાનો પોતાની લાગણી સહેલાઈથી બીજાને કહી શકતા નથી અને અંદર ને અંદર મૂંઝાય છે. તાજેતરમાં પણ પ્રસ્તુત થયેલ એક અહેવાલ માં પુરુષોમાં આત્મહત્યાનું વધુ પ્રમાણ જોવા મળ્યું છે. આર્થિક સમસ્યાઓ, પોતાના મનના ભાવ કોઈને ન કહી શકવાની ભીતિ વગેરે કારણો યુવાનોની આત્મહત્યા વૃત્તિ વધુ હોવાનું કારણ હોઈ શકે.યુવાનો અને યુવતીઓની સમસ્યા અંગે યોગ્ય જાણકારી મેળવવી જરૂરી છે અને તેનું નિવારણ લાવવું જરૂરી છે. યુવાનોમાં આત્મહત્યા વૃત્તિ વિશે માનસિક જાગૃતિ, આત્મવિશ્વાસ, જીવન અમૂલ્ય છે અંગેના કાર્ય કરી શકાય.