મુસાફરોની સમસ્યાનો ઉકેલ હાથવેંતમાં: દર માસના ત્રીજા બુધવારે ડેપો મેનેજર મુસાફરો ફરિયાદ-સુચનોનું નિવારણ કરશે
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોના હિત માટે અનેક નિર્ણયો લેવામાં આવતા હોય છે. મુસાફરોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે પણ વિવિધ યોજનાઓ અને સુચનો બહાર પાડવામાં આવતા હોય છે. ત્યારે મુસાફરોને ધ્યાનમાં લઈ ફરી એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર દ્વારા મુસાફરોની માંગણીને સંતોષતી ઓપન હાઉસ અંગેની યોજના બહાર પાડવામાં આવી છે.ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની મુસાફર જનતા તથા નિગમના કર્મચારીઓની કોઈપણ ફરિયાદ કે સુચનો નિગમ તરફથી રાજકોટ વિભાગની વિભાગીય કચેરી ગોંડલ રોડ ખાતે દર માસના ચોથા બુધવારે બપોરે ૨ થી ૬ દરમિયાન સાંભળવામાં આવશે તેમજ દર માસના ત્રીજા બુધવારે બપોરના ૪ થી ૬ કલાક દરમિયાન મુસાફરોની સમસ્યા સુચનો વિભાગના જુદા જુદા ડેપો મેનેજર પોતાની એસ.ટી.ડેપોએ સાંભળશે. ઓપન હાઉસ અંગેની માહિતી આપતા રાજકોટના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મુસાફરોની અને એસ.ટી.કર્મચારીઓની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મુસાફરો દ્વારા નવા રૂટની માંગણી, હાલના રૂટમાં સમયમાં ફેરફાર, હાલના સમય પત્રક કરતા ઉપડતી સર્વિસો અંગેની ફરિયાદ, મુસાફર પાસ, વિદ્યાર્થી પાસને લગતી સમસ્યાઓ, હાલના રૂટના લંબાણ, બસ સ્ટેશનમાં સ્વચ્છ પાણી તેમજ વોશરૂમ અંગે, બસ-બસ સ્ટેન્ડની સફાઈ બાબતે, નિગમના કર્મચારી, કંડકટરો અને ડ્રાઈવરને લગતી ફરિયાદો, ઓનલાઈન બુકિંગ અંગેની ફરિયાદો, પુછપરછ બારી અંગેની ફરિયાદો, એસ.ટી.કર્મચારીઓ માટે બદલી, બઢતી અંગેની ફરિયાદ, એસ.ટી.નિગમના કર્મચારીઓના સ્ટાફ રૂમ અંગેની ફરિયાદો સાંભળવામાં આવશે.