સુરત સમાચાર
યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે. તેની અસર સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર પણ પડી છે. ત્યારે આ યુદ્ધ વચ્ચે G-7ના દેશોએ રશિયાના હીરાનો વિરોધ પણ કર્યો છે. ત્યારે રશિયન હીરાની વપરાશની સમીક્ષા કરવા માટે G-7 દેશોનું પ્રતિનિધિ મંડળ ગુરૂવારના રોજ સુરતમાં આવશે. એટલે કહી શકાય કે રશિયાના હીરા ઈમ્પોર્ટ ન થાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવાનો આ એક પ્રયાસ પણ હોઈ શકે છે.
યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં અમેરિકા અને યુરોપ સહિતના કેટલાક દેશો દ્વારા રશિયાનો વિરોધ પણ કરવામાં આવ્યો છે અને તેના જ કારણે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર પણ તેની અસર જોવા મળી રહી છે. રશિયા પર દબાણ લાવવા માટે અમેરિકા અને યુરોપ સહિતના દેશો દ્વારા કેટલાક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઘણા દેશોએ તો રશિયાના હીરા ઈમ્પોર્ટ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. G-7 દેશોના સમૂહ દ્વારા રશિયાના હીરા નહીં લેવાની પણ એક જાહેરાત કરવામાં આવી છે. રશિયા સાથે હીરાની આયાત નહીં થાય તે માટે ટ્રેસિંગ સિસ્ટમ બનાવવા માટે પણ G-7 દેશોનો સમૂહ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે.
તો બીજી તરફ ગુજરાત અને સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો રશિયાની અલઝોરા નામની કંપની પાસેથી રફ ડાયમંડની ખરીદીએ કરી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને G-7 દેશોનો સમૂહ ગુરૂવારના રોજ સુરતના હીરા ઉદ્યોગની મુલાકાત લેવા માટે આવશે અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરશે.
આ G-7 દેશોના સમૂહમાં અમેરિકા, કેનેડા, જાપાન, ફ્રાન્સ, યુકે અને ઈટલીનો સમાવેશ થાય છે. આ તમામ દેશો દ્વારા થોડા દિવસો પહેલા જ રશિયાના હીરા મુદ્દે એક મીટીંગ થઈ હતી અને મિટિંગમાં રશિયાના હીરા ઈમ્પોર્ટ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જો કે તેનો અમલ સરખી રીતે થાય છે કે નહીં તેને લઈને એક મોનિટરિંગ સિસ્ટમ પણ ઊભી કરવાનો G-7ના દેશો દ્વારા વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તો બીજી તરફ સુરત અને મુંબઈ હીરા ઉદ્યોગનું કેન્દ્ર માનવામાં આવે છે અને સુરત અને મુંબઈના ઘણા ઉદ્યોગકારો રશિયા તેમજ ઝિમ્બાવે અને દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી રફ હીરાનું ઈમ્પોર્ટ કરે છે. G-7ના દેશો દ્વારા રશિયન હીરાના ઈમ્પોર્ટ કરવા પણ પ્રતિબંધ લગાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને સુરત અને મુંબઈ હીરા ઉદ્યોગનું મોટું કેન્દ્ર હોવાથી આ નિર્ણયની અસર અહીં પડશે તેવું પણ લાગી રહ્યું છે. તો બીજી તરફ નિર્ણયને લઈને ટ્રેસિંગ સિસ્ટમ ગોઠવવી પ્રેક્ટીકલ છે કે નહીં અને ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી તેનું ફોલો કરશે કે નહીં અથવા તો ટ્રેસિંગ સિસ્ટમ કઈ રીતે ઊભી કરી શકાય કે જેથી ઇન્ડસ્ટ્રીને અસર નહીં પહોંચે તેવી તમામ વિગતો સમજવા અને ટ્રેસિંગ સિસ્ટમ લાગુ પડતા ઉદ્યોગકારો પર શું અસર પડી શકશે તેની સમીક્ષા કરવા G-7નું પ્રતિનિધિ મંડળ ગુરૂવારના રોજ સુરત આવશે.
આ પ્રતિનિધિ મંડળ સુરતના વરાછામાં ચાલતા હીરા ઉદ્યોગની વિઝીટ કરશે. ત્યારબાદ હીરાબુર્સની વિઝીટ કરશે. ત્યારબાદ GJEPCની ઓફિસ પર ઉદ્યોગકારો સાથે એક બેઠક થશે. ઉલ્લેખનીય છે કે, રશિયન હીરાની કંપની અલઝોરામાંથી નીકળતી રફનો 80% વપરાશ ભારત અને તેમાં પણ ખાસ કરીને વધુ વપરાશ સુરતમાં થાય છે અને તેના જ કારણે G-7નું પ્રતિનિધિ મંડળ તેની તપાસ કરીને એક રિપોર્ટ પણ તૈયાર કરી શકે છે. આ રિપોર્ટના જ આધારે રશિયન હીરાના વપરાશનો નિર્ણય પણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.