ગુજરાતને ફરી ધબકતું કરવાના શક્તિસિંહ ગોહિલના યજ્ઞમાં વિદ્યાર્થી નેતાઓની આહુતિ : ઇન્દ્રનીલ રાજગુરુ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હાથથી હાથ જોડો અને સેવા યજ્ઞમાં જોડાઓનું જે અભિયાન શરુ કર્યું છે તેને ઘણો જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે અને વધુને વધુ લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે.શ્રી શક્તિસિંહ ગોહિલ ગુજરાતને ફરીથી ધબકતું કરવા માગે છે અને તેમની આ હાકલને ઉમળકાભેર આવકાર આપીને આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતાઓ અને અન્ય કાર્યકરો આજે કોંગ્રેસમાં જોડાયા છે તેમ કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પત્રકારોને જણાવ્યું હતું.
‘આપ’ ની વિદ્યાર્થીપાંખ CYSS ના અનેક હોદેદારો કોંગ્રેસમાં જોડાયા
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ એટલે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ( CYSS ) ના રાજકોટ શહેર- જિલ્લાની મોટાભાગના હોદેદારો જેમાં ઉપપ્રમુખ,મહામંત્રી,મંત્રી સહિત ૫ થી વધુ યુનિવર્સિટીઓના પ્રમુખ અને આખુ માળખું તેમજ અનેક કાર્યકરો આજે આપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમાં તમામ CYSS ના વિદ્યાર્થી પ્રતિનિધીઓ અને કાર્યકરોએ આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનિલભાઈ રાજગુરુ હસ્તે કોંગ્રેસનું સભ્યપદ ગ્રહણ કર્યું હતુ.
હાથથી હાથ જોડો, સેવા યજ્ઞમાં જોડાઓની પ્રદેશ પ્રમુખની અપિલને હકારાત્મક પ્રતિસાદ
આજે એરપોર્ટ રોડ પર આવેલી મિન્ટ હોટલ ખાતે કોંગ્રેસમાં જોડાનાર વિદ્યાર્થી પ્રતિનિધિઓનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં CYSS ના કેમ્પ્સ પ્રભારી યશ ભીંડોરા,રાજકોટના ઉપપ્રમુખ કરણ ખેરડિયા,મહામંત્રી આર્યન સાવલિયા, રાજકોટના મંત્રી પાર્થ આહીર, રોનક રાવિયા,અંકિત જાદવ, દિવ્યરાજ ભટ્ટી સહિત અનેક યુનિવર્સિટીઓના પ્રમુખો, કાર્યકર્તાઓને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ‘હાથ સે હાથ જોડો ‘કાર્યક્રમના ગુજરાત પ્રદેશ કન્વીનર શ્રી ઇન્દ્રનિલભાઈ રાજગુરૂ, સહકન્વીનર વશરામ સાગઠિયા, રાજકોટના અગ્રણી તુષાર નંદાણી, રાજકોટના પ્રમુખ મુકુંદ ટાંક, મયૂરસિંહ પરમાર સહિત અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેસ પેહરાવી આવકાર્યા હતા.
આજે પત્રકારો સાથે વાતચીત કરતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જે રીતે ગુજરાતને ફરીથી બેઠું કરવા માટે જે ઝુંબેશ હાથ ધરી છે તેનાથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતાઓ કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસના હાથને વધુને વધુ મજબુત કરવાનો સંકલ્પ કરે છે. કોંગ્રેસ પક્ષમાં તેમને હાર્દિક આવકાર આપવામાં આવ્યો છે.
હાલની પરિસ્થિતિમાં વધતિ જતી બેરોજગારી, મોંઘુદાટ શિક્ષણ, સરકારી ભરતીઓમા કથળતી સ્થિતિ, ખાનગી યુનિવર્સિટીઓની દાદાગીરી, યુવાધન ડ્રગ્સ અને કેફી પદાર્થોના રવાડે ચડવા જેવી અનેક બાબતોમાં રાજ્યની ભાજપ સરકાર નિષ્ફળ રહી હોય ત્યારે આ તમામ મુદે સરકાર સામે લડવા કોંગ્રેસ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે તે બાબતોને ધ્યાનમાં રાખી યુવાનોના હિતમાં અમે કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય કરેલ છે તેવુ નવા જોડાનાર કાર્યકરોએ જણાવ્યું હતુ. આ તમામ યુવા કાર્યકર્તાઓએ આ સરકાર સામે સંઘર્ષીલ લડત કરવાનો સંકલ્પ લઇ પક્ષને વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે હાથ સે હાથ જોડો કાર્યક્રમ લોન્ચ કર્યા બાદ હવે તેમા જ સમગ્ર જિલ્લાઓમાં મેઈન માળખું, મહિલા પાંખ, યુવા પાંખ, વિદ્યાર્થીપાંખની રચના કરી એક પેરેરલ નવી ઉર્જાવાન ટીમ વોર્ડ સુધી બનાવવાની તૈયારી આ અભિયાનના પ્રદેશ કન્વીનર અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ કરી રહ્યા છે અને તે ટૂંક સમયમાં જાહેર થનાર છે. લોકસભાની ચૂંટણી પહેલા બૂથ સુધી વધુમાં વધુ કાર્યકરોને પક્ષમાં જોડીને તેઓને સભ્યપદ અપાવીને સક્રિય કરવા માટે આ અભિયાન ખુબ જ અગત્યની ભૂમિકા ભજવશે.
ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, શક્તિસિંહ ગોહિલે જ્યારથી પ્રદેશ પ્રમુખનો હવાલો સંભાળ્યો છે ત્યારથી તેઓએ કોંગ્રેસનો હાથ વધુ મજબુત કરવા માટે અનોખો સેવા યજ્ઞ શરુ કર્યો છે અને આ સેવા યજ્ઞને લીધે વધુને વધુ લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે.
કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી હતી અને કરોડો દેશવાસીઓએ તેને સમર્થન આપ્યું હતું. આ યાત્રાનો હેતુ હાથ થી હાથ જોડો, નફરત છોડો અને ભારત જોડો એવો હતો. આ જ તર્જ ઉપર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પક્ષના અન્ય સીનીયર નેતાઓએ ગુજરાતમાં હાથને મજબુત કરવા માટે સંકલ્પ કર્યો છે.
આજે વિદ્યાર્થીઓને સારા અને સસ્તા શિક્ષણની જરૂર છે ત્યારે કોંગ્રેસ પક્ષ આ દિશામાં ઘણું કામ કરવા માગે છે અને વિદ્યાર્થીને તેમનો હક્ક આપવા માગે છે. આ સિવાય મહિલાઓને સમાન અધિકાર, મહિલાઓને ઘરનું ઘર, વેપારીઓ સરકારી દબાવમા આવ્યા વગર વેપાર કરે તે માટે પણ કોંગ્રેસનો હાથ મજબુત કરવો જરૂરી છે.
ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, કોંગ્રેસે ગુજરાતને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે અને તેમાં પ્રજાજનોનો સહકાર માંગ્યો છે. કોંગ્રેસ ગુજરાતની પ્રજાને આર્થિક અને સામાજિક રીતે સુદ્રઢ કરવા માગે છે સાથોસાથ મોંઘવારીની પીડામાંથી પણ મુક્તિ અપાવવા માગે છે. જો કોંગ્રેસનો હાથ વધુ મજબુત થશે તો આ સંકલ્પ મૂર્તિમંત થશે અને ગુજરાત એક સમૃદ્ધ ગુજરાત બનશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ કોઈ ગરીબ ભૂખ્યો ન સુવે, સમાજમાં નાતજાતનો ભેદભાવ ન રહે, પોલીસ તંત્રમાંથી ભ્રષ્ટાચારનો સડો ખતમ થાય, પેપર ન ફૂટે, બ્રીજ ન તૂટે, સ્થાનિકોને રોજગારી મળે, ખેડૂતોના હિતોનું રક્ષણ થાય, ગૌચરની જમીન સુરક્ષિત બને, વિદ્યાસહાયકો કાયમી થાય, આશાવર્કરોનું શોષણ અટકે તે માટે કોંગ્રેસ કટિબદ્ધ છે અને કોંગ્રેસના હાથ મજબુત કરવામાં આવશે તો આ સુવર્ણ સમય જરૂર આવશે.