રાજ્યમાં ભૂમાફિયાઓને બાનમાં લેવા એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020ની અમલવારી કરવામાં આવી હતી. જેની અમલવારી બાદ ભૂ-માફિયાઓમાં અમુક અંશે ચોક્કસ ફફડાટ ફેલાયો હતો પણ આ કાયદાનો ક્યાંક દૂરઉપયોગ થતો હોય તેવી ફરિયાદો ઉઠતા સમગ્ર મમલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. જેમાં ખાસ મકાન-મલિક અને ભાડુઆતી વચ્ચેના પ્રશ્નોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકાય કે કેમ? તે મોટો સવાલ છે.
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે અમદાવાદ જિલ્લા કલેક્ટરને સોગંદનામું દાખલ કરવા માટે નિર્દેશ આપ્યો હતો અને લેન્ડ ગ્રેબિંગ કમિટીને ખુલાસો આપવા કહ્યું હતું કે, જે ભાડુઆતીઓ પાસે મિલ્કતનો કબ્જો વર્ષ 1975થી છે તેમની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કેવી રીતે કાર્યવહી કરી શકાય?
વર્ષ 1975થી ભાડુતી પાસે રહેલા કબ્જાના કિસ્સામાં મિલ્કત હડપ કરવાની કલમો હેઠળ કાર્યવાહી કરવા અંગે હાઇકોર્ટે ખુલાસો માંગ્યો
ભાડૂતો સામે જમીન પચાવી પાડવાના કાયદાની જોગવાઈઓની અમલવારી કાયદાના “દુરુપયોગ” સમાન હોવાનું જણાય છે તેવી ટિપ્પણી કરીને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ, જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે નારોલ પોલીસ દ્વારા ભાડૂતો સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર સામે સ્ટે આપ્યો છે.
બેન્ચ 2020 એન્ટિ-લેન્ડ ગ્રેબિંગ કાયદાની જોગવાઈઓને પડકારતી અરજીઓના સમૂહની સુનાવણી કરી રહી છે. જો કે, હાઇકોર્ટે મકાન માલિક અને ભાડુતીના કેસને સમૂહમાં સામેલ ન કરવાનો નિર્ણય લીધો પરંતુ તેના બદલે જિલ્લા કલેક્ટર પાસેથી વ્યક્તિગત સોગંદનામું માંગ્યું હતું.
આ અરજી અશ્વિન ગજ્જર નામની વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમણે અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે જમીનના માલિક કલ્પેશ પટેલની ફરિયાદ પર જમીન હડપ કરવાનો ગુનો દાખલ કર્યો હતો.