મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ છેલ્લાં 27 વર્ષોથી અટકેલું હતું.
મહિલા અનામત બિલ સોમવારે લોકસભામાં પણ ચર્ચામાં રહ્યું.
નેશનલ કેપિટલ ટેરટરી ઑફ દિલ્હીની વિધાનસભામાં મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે.
વિધાનસભામાં મહિલાઓ માટે કુલ બેઠકોના ત્રીજા ભાગની બેઠકો જેમાં અનુસુચિત જાતિઓની મહિલાઓ માટેની બેઠકો પણ સામેલ ગણાશે તેને અનામત રાખવામાં આવશે જે પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ભરવામાં આવશે.
બંધારણ 330માં નવી કલમ ઉમેરવામાં આવશે. તેમાં કલમ 330A. નવી જોગવાઈ પ્રમાણે સંસદમાં મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે.
કલમ 330Aની નવી પેટાકલમ (2) મુજબ અનુસુચિત જાતિની મહિલાઓ અથવા અનુસુચિત જનજાતિની મહિલાઓ માટે ત્રીજા ભાગની બેઠકો અનામત રાખવામાં આવશે.
આ જ કલમની પેટાકલમ (3) મુજબ પેટાકલમ (2)ની મહિલાઓની બેઠકો સહિત ગૃહની કુલ બેઠકના ત્રીજા ભાગના બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
જેનો અર્થ કે સંસદમાં મહિલાઓ માટે લગભગ 33 બેઠકો અનામત રહેશે. બંધારણની કલમ 332માં દાખલ કરવામાં આવનારી નવી કલમો મુજબ દરેક રાજ્યોમાં પણ મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે. અહીં પણ લગભગ 33 ટકા બેઠકો મહિલાઓ જેમાં અનુસુચિત જાતિ-જનજાતિની મહિલાઓનો પણ સામાવેશ થાય છે, અનામત રહેશે.
બંધારણની કલમ 334માં દાખલ કરવામાં આવનારી નવી કલમ 334A અને એની પેટાકલમો અનુસાર બંધારણનો આ 128મો સુધારો લાગુ થયા બાદ થનારી પ્રથમ વસ્તી ગણતરીના સંબંધિત આંકડાઓ પરથી નવું સીમાંકન નક્કી થયા બાદ આ મહિલા અનામત લાગુ થશે.
વર્ષ 2020માં વસ્તી ગણતરી થવાની હતી પરંતુ કોરોના વાઇરસના કારણે તે મોકુફ રહી જે વર્ષ 2021માં થવાની હતી જોકે, 2021માં પણ કોરોના વાઇરસના કારણે તે મોકૂફ રહી. જૂન-2023 સુધી વહીવટી સીમાંકન તૈયાર કરવાની ડેડલાઇન હતી પરંતુ એ મોકૂફ રખાઈ. હવે આગામી વર્ષ 2024માં ડિજિટલ વસ્તી ગણતરી કરવાનું સરકારનું આયોજન છે. એનો અર્થ કે લોકસભાની 2024ની ચૂંટણીઓ પછી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી શકે છે અને જોગવાઈઓ તેના લાગુ થયાના 15 વર્ષ પછી નિષ્ક્રિય થઈ જશે.
કેટલા વર્ષ જૂની અનામતની માંગ?
12મી સપ્ટેમ્બર આ બીલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે 12મી સપ્ટેમ્બર, 1996માં પહેલીવાર મહિલા અનામત બિલને સંસદમાં રજૂ કરવામાં આવ્યું તેને 27 વર્ષ થશે. તે સમયગાળામાં એચ.ડી. દેવગૌડાની સરકાર હતી અને મહિલા અનામત બિલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો, આથી બિલ માત્ર રજૂ કરવામાં આવ્યું હતું, પસાર થઈ શક્યું ન હતું.
એચ.ડી. દેવગૌડા સરકાર દ્વારા 81મા બંધારણીય સુધારા વિધેયક તરીકે પ્રથમ વખત મહિલા અનામત બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી જ દેવગૌડા સરકાર લઘુમતીમાં આવી અને 11મી લોકસભા ભંગ કરી દેવામાં આવી. આ બિલને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના સાંસદ ગીતા મુખર્જીની અધ્યક્ષતાવાળી સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. આ સમિતિએ તેનો અહેવાલ 9 ડિસેમ્બર, 1996ના રોજ લોકસભામાં રજૂ કર્યો હતો.
અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની NDA સરકારે 12મી લોકસભામાં મહિલા અનામત બિલને 84માં બંધારણીય સુધારા બિલ તરીકે રજૂ કર્યું હતું, પરંતુ તે પસાર થઈ શક્યું ન હતું. આ પછી, સરકાર પડી ગઈ અને 12મી લોકસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ 1999, 2002 અને 2003-04માં આ બિલ મંજુર કરાવવાની કોશિશ કરવામાં આવી હતી પણ નિષ્ફળતા મળી હતી.
6 મે 2008 રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું અને લો એન્ડ જસ્ટીસની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું હતું. જેમાં સ્થાયી સમિતિએ તેનો અહેવાલ રજૂ કર્યો અને સમાજવાદી પાર્ટી, JDU અને RJDના વિરોધ વચ્ચે સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું.
રાજ્યસભાએ 9 માર્ચ, 2010ના રોજ મહિલા અનામત બિલ પસાર કર્યું હતું, જો કે, લોકસભા ક્યારેય આ બિલ પસાર કરી શકી ન હતી, તેથી બિલને નાબૂદ કરવામાં આવ્યું હતું. જો તે હજુ પણ લોકસભામાં પેન્ડિંગ છે, તો હવે તેને ફરીથી પાસ કરાવવાની પ્રક્રિયા કરવી પડશે.
બિલમાં શું છે?
મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટ અનામત રાખવાનો પ્રસ્તાવ મૂકે છે. અનામત બેઠકો રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ મતવિસ્તારોને અનુક્રમે ફાળવવામાં આવી શકે છે. આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ બાદ મહિલાઓ માટે અનામત ખતમ થઈ જશે.
સંસદમાં હાલ મહિલાઓની સંખ્યા કેટલી છે?
હાલમાં લોકસભામાં સાંસદોની સંખ્યા 543 છે. આ સાથે મહિલા સાંસદોની સંખ્યા 82 થઈ ગઈ છે. જયારે રાજ્યસભામાં 250 સાંસદોમાંથી માત્ર 31 મહિલાઓ છે. મોદી કેબિનેટમાં મહિલાઓની ભાગીદારી લગભગ 15 ટકા છે.
બીજી તરફ એસેમ્બલીમાં ડિસેમ્બર 2022માં કાયદા મંત્રી કિરેન રિજિજુએ સંસદમાં મહિલાઓની ભાગીદારી અંગેનો એક ડેટા રજૂ કર્યો હતો. જે મુજબ આંધ્ર પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 1 ટકા છે, જ્યારે 9 રાજ્યોમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 10 ટકાથી ઓછી છે. આ રાજ્યોમાં લોકસભાની 200થી વધુ સીટ છે અને બિહાર, યુપી, હરિયાણા, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 10 ટકાથી વધુ પરંતુ 15 ટકાથી ઓછી છે.