મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હોમટાઉન રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૧૧૬ ઉમેદવારો મેદાનમાં

સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં રાજકોટમાં સૌથી વધુ ઉમેદવારો ઉભા રહેતા હોય છે અને રાજયના તમામ જિલ્લામાં રાજકોટ ૨૦૧૨ની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યામાં સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબરે રહ્યું હતું જયારે રાજયમાં ત્રીજા નંબરે હતું. ૨૦૧૭માં મંગળવારે છેલ્લા દિવસે ભરાયેલા ફોર્મની સંખ્યા જોતા પણ રાજકોટ ૧૧૬ ફોર્મ સાથે નંબર વન છે. કુલ ફોર્મ અને પરત ખેંચાયેલા ફોર્મની સંખ્યા શુક્રવારે સ્પષ્ટ થશે. આ વખતે પણ રાજકોટ પશ્વિમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેદવારી નોંધાવી છે અને તેમની સામે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજયગુરુ ચેલેન્જ કરીને હરીફ તરીકે ઉભા રહ્યા છે તેના કારણે સમગ્ર જિલ્લામાં રાજકીય ધમધમાટ હોવાના કારણે જિલ્લાભરની બેઠકો પર જંગી સંખ્યામાં છે. રાજકોટમાં આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોની સામે બે બેઠકો ધરાવતા પોરબંદર જિલ્લામાં ફક્ત ૨૦૧૨માં ૨૦ ઉમેદવાર જ મેદાનમાં હતા.

૨૦૧૭ની ચૂંટણીમાં પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર આવી જાય છે અને ૨૧મીએ નવેમ્બરે જ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે પરંતુ ૨૪મી સુધી ઉમેદવારી પરત ખેંચી શકાય છે. તેથી કેટલાક નાની પાર્ટી કે અપક્ષ ઉમેદવારોને સમજાવટથી, દબાણથી કે પૈસા આપીને બેસાડી દેવામાં આવશે તેથી શુક્રવારે જ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો છેવટે ચૂંટણી જંગમાં રહે છે. રાજકોટ જિલ્લામાં કુલ ૧૨૦ ઉમેદવારમાંથી ૫૦ ટકા જેટલા એટલે કે ૬૭ ઉમેદવારો તો અપક્ષ હતા તે જોતા ૨૦૧૭માં ચૂંટણીનો જંગ કેવો હશે તે સ્પષ્ટ છે. ૨૧મીએ નવા જિલ્લાઓ દેવભૂમિ દ્વારકામાં ૩૧, મોરબીમાં ૪૧, ગીર સોમનાથમાં ૫૪ અને બોટાદમાં ૩૫ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

સૌરાષ્ટ્રની બેઠકમાં ઉમેદવારોની સંખ્યાનું ગણિત એટલા માટે મહત્વ રાખે છે કે, અહીં પાટીદાર, કોળી પટેલ અને ક્ષત્રિય-દરબાર ફેકટરનું નિર્ણાયક મહત્વ છે. આ જ્ઞાતિઓના ઉમેદવારો નાની પાર્ટી કે અપક્ષ તરીકે ઉભા રહે છે અને જો તેમનું સમાજમાં થોડુ-ઘણું પણ ઉપજતું હોય અને સારી એવી સંખ્યામાં મત ખેંચી જાય તો હાર-જીતમાં મહત્વનો ભાગ ભજવી નાખે છે. એટલે બુધવારથી ભાજપ અને કોંગ્રેસ જેવી મોટી પાર્ટીઓના નેતાઓ વિધાનસભા મત વિસ્તારની યાદી લઇને બેસશે અને બે મુખ્ય પક્ષ સિવાયના કયા ઉમેદવારો છે જેમના કારણે ચૂંટણીના ગણિતમાં ફાયદો કે નુકસાન થઇ શકે છે તેનું વિશ્લેષણ કરીને પોલિટીકલ ઓપરેશનમાં વ્યસ્ત થઇ જશે. જેથી તેમના ફોર્મ પરત ખેંચાવીને ચૂંટણીમાં ફાયદો લઇ શકાય.

પાટીદાર આંદોલનને જોતા અને જે રીતે હાર્દિક ગ્રામ્ય વિસ્તારમાં પણ ધમધમાટ સભાઓ કરી રહ્યો છે તે જોતા પાટીદાર મતદારોનો રૂખ અગત્યનો બનવાનો છે. ટિકિટમાં તેની મારામારી પણ જોઇ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.