531 જગ્યાઓ ખાલી પડી હોવાથી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ
રાજ્યમાં જુદી જુદી ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યાઓ માટે પહેલા તબક્કામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જોકે, પહેલા તબક્કામાં અનેક કોલેજો એવી હતી કે જેમાં ઉમેદવારો હાજર થયા નહોતા અથવા તો ઉમેદવારોને હાજર કરવામાં આવ્યા નહોતા. આ સ્થિતિમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડી હતી. જેના કારણે હવે જુદા જુદા વિષયોની 531 બેઠકો માટે ઉમેદવારો પાસેથી 2જી ઓક્ટોબર સુધી અરજીઓ મગાવવાની જાહેરાત કરવામાં આવી છે. જુદી જુદી યુનિવર્સિટી સાથે જોડાયેલી ગ્રાન્ટેડ કોલેજોમાં છેલ્લા કેટલાય વર્ષોથી ખાલી પડેલી અધ્યાપકોની જગ્યાઓ માટે બે વર્ષ પહેલા ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ હતી. કોરોના પછી લાંબા સમય સુધી ભરતી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી.
જોકે, પ્રક્રિયા પૂર્ણ થઇ ત્યારે કેટલી બેઠકો ખાલી હતી અને આ ખાલી બેઠકોની હવે પછી ભરતી કરાશે કે નહીં તે સહિતની કોઇ સ્પષ્ટતા કરાઈ નહોતી. લાંબા સમય પછી હવે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આર્ટ્સ, કોમર્સ, હોમ સાયન્સ, લો, રૂરલ સ્ટડીઝ, બીપીએડ, પત્રકારત્વ અને શિક્ષણ વિદ્યાશાખાઓમાં મળીને કુલ 531 જગ્યાઓ ખાલી પડી હોવાથી ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવવામાં આવી છે. આ જગ્યાઓ પર કેન્દ્રીય ધોરણે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. ઉમેદવારો બીજી ઓક્ટોબર સુધી ઓનલાઇન અરજીઓ કરી શકશે. ભરતીના નિયમો, લાયકાત સહિતની વિગતો વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે.અગાઉ કરાયેલી ભરતી પ્રક્રિયા પ્રમાણે જ આ તમામ અધ્યાપક સહાયકની જગ્યા ભરાશે. કોલેજો દ્વારા જે જગ્યાઓ ભરવા માટે સંમતિ આપવામાં આવી છે તે જગ્યાઓ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભરતી અંગેની કોઇપણ પ્રકારની સૂચના માટે ઉમેદવારોને વેબસાઇટ જોતા રહેવા તાકીદ કરવામાં આવી છે. અગાઉ જે કોલેજમાં જગ્યાઓ ખાલી પડી હતી અને તેમાં ઉમેદવારો મોકલ્યા પછી પસંદ થયા નથી અથવા તો અન્ય કારણોસર જગ્યાઓ ખાલી રહી છે તેવી કોલેજોની જગ્યાઓને પણ આ ભરતી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી છે કે નહીં તેની પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.