રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન સામાન્ય બાબતે છરી વડે હુમલા અને હત્યાની કોશિસના ગુનામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઇ કાલે સાંજે પણ કોર્પોરેશન ચોક પાસે આવો એક બનાવ સામે આવ્યો છે. જેમાં રજપૂતપરા બોડિંગમાં રહી અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ પર ગઇ કાલે મોડી રાત્રીના ઘાતક હથિયાર વડે ટોળાએ હુમલો કરતા વાતાવરણમાં તંગદીલી સર્જાઈ હતી. મારામારીની ઘટનાના પગલે રજપૂતપરામા ટોળા એકઠા થઈ જતા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને એ ડિવિઝન પોલીસ મથકના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે એસઆરપી બંદોબસ પણ ગોઠવી દેવામાં આવ્યું હતું.
રજપૂતપરામાં ટોળા એકઠા થતા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને એ ડિવિઝન પોલીસના ધાડેધાડા ઉતારાયા: એસઆરપીનો બંદોબસ્ત ગોઠવાયો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ ગઢડા તાલુકાના ગઢાડી ગામે રહેતા અને રાજકોટમાં રજપૂતપરામાં આવેલી બોડિંગમાં રહી અભ્યાસ કરતા યુવરાજસિંહ વાસુદેવસિંહ ગોહિલ (ઉ.વ.22) ગઇ કાલે રાત્રીના આરએમસી ચોક પાસે હતા ત્યારે દસથી બાર શખ્સોના ટોળાએ ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં છોડાવવા વચ્ચે પડેલા તેના મિત્ર કુલદીપ સિંહ જાડેજા (ઉ.વ.21)ને પણ માર માર્યો હતો. જેમાં ઘવાયેલા યુવરાજ સિંહને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવરાજ સિંહે જણાવ્યું હતું કે ગઈ કાલે મોડી રાત્રીના પોતે આરએમસી ચોક પાસે આવેલા ખોડીયાર કોમ્પલેક્ષ પાસે હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સ એક યુવાનને માર્યો હતો જેમાં યુવરાજસિંહ છોડાવવા પડતા હુમલાખોર શખ્સે ફોન કરી પોતાના સાગરીતોને બોલાવી લીધા હતા. ફોન પરથી આવેલા ટોળાએ ઘાતક હથિયારો વડે યુવરાજસિંહ પર તૂટી પડતા હતા અને તેને છોડાવવા વચ્ચે પડેલા કુલદીપસિંહને પણ માર માર્યો હતો.
જ્યારે બીજી તરફ મોડી રાત્રીના ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆરપી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથધરી છે.