એટ્રોસિટીની ફરિયાદમાં ધરાર સમાધાન કરવાનુ કહી ત્રણ શખ્સો તૂટી પડ્યા
શાપર વેરાવળમાં ગઇ કાલે રાત્રીના પાનની દુકાને ફાકી ખાવા ઉભેલા બે મિત્રો પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા બંને મિત્રોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભૂતકાળમાં થયેલી એટ્રોસિટીની ફરિયાદમાં ધરાર સમાધાન કરી લેવાનું કહી હુમલો કર્યાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુંદાસરા ગામે રહેતા અને શાપરમાં મજૂરીકામ કરતા રાજેશભાઈ વિરજીભાઈ ઘુસડા (ઉ.વ.૨૮)એ બે વર્ષ પહેલા રવિરાજસિંહ નામના શખ્સ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ટેબલ પર આવતા અને ફરિયાદીના પક્ષમાં નિર્ણય આવશે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
જેથી ગઇ કાલે રાજેશભાઈ અને તેમના મિત્ર પ્રદીપભાઈ ભીખાભાઈ પરમાર (ઉ.વ.૩૧) બંને શાપરમાં પાર્થ સીએનજી પંપ પાસે ફાકી ખાવા ઊભા હતા. તે દરમિયાન રવિરાજસિંહના મિત્ર યુવરાજસિંહ સહિતના ત્રણ શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા અને રાજેશભાઈને એટ્રોસિટીની ફરિયાદમાં સમાધાન કરી લેવા જણાવ્યું હતું. પરંતુ રાજેશભાઈએ સમાધાનની ના કહેતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ બંને મિત્રો પર છરીથી હુમલો કર્યાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.