રાજકોટ શહેરમાં હાર્ટ અટેકનો યથાવત રહ્યો છે કોરોનાના સમયગાળા બાદ નાની ઉંમરમાં હાર્ટ ફેલ થઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે શહેરમાં છેલ્લા એક જ દિવસમાં વધુ ત્રણ યુવાનોને હૃદય રોગના હુમલા જીવલેણ નીવડ્યા છે. જેમાં જુદા જુદ ત્રણ સ્થળોએ રહેતા યુવકોને આવેલા હાર્ટ એટેકના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોઠારીયા રોડ પરના યુવકને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ પહોંચ્યા અને પ્રાણ પંખેરું ઉડી ગયું
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રાજેન્દ્રસિંહ ગજુભા વાળા નામના 38 વર્ષના યુવાનને આજ સવારે છાતીમાં દુખવા લાગતા પોતે સારવાર માટે પરિવારજનો સાથે હોસ્પિટલે ગયા હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા જ યુવાને હાર્ટ એટેક આવી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. યુવકના આકસ્મિક મોતથી બે પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
જ્યારે અન્ય બનાવમાં કેન્સર હોસ્પિટલ પાછળ આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા અને એચડીએફસી બેન્કમાં કેશિયર તરીકે નોકરી કરતા કિશનભાઇ કિરીટભાઈ ધાબલીયા (ઉ.વ.૨૫) નામના યુવાનને સવારે ૮ વાગે પોતાના ઘરે હૃદય રોગનો હુમલો આવતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી કિશનભાઇ ધાબલીયાને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાયો છે. મૃતક કિશનભાઇ ને નાની ઉંમરે હૃદય રોગ નો હુમલો જીવલેણ ની વળ્યો હતો પરંતુ ભૂતકાળમાં પણ તેમને એકવાર હાર્ટએટેક આવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
તિરુપતિ સોસાયટીના યુવાનને બીજો હૃદય રોગનો હુમલો આવતા મોત: અવધ હાઉસિંગ સોસાયટીમાં દિવ્યાંગ યુવાનનું હાર્ટ ફેલ
ત્રીજા બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં યુવાનોને હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી થયો છે. ત્યારે રાજકોટમાં કાલાવડ રોડ પર અવધ હાઉસિંગ સોસાયટીમાં રહેતા દિવ્યાંગ મહેન્દ્રભાઈ નાથાભાઈ પરમાર નામના ૩૫ વર્ષીય યુવાનને ગઇ કાલે પોતાના ઘરે છાતીમાં દુખાવો થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. જે અંગે યુનિવર્સિટી પોલીસ મથકને જાણ થતાં ભગીરથસિંહ ખેર સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મહેન્દ્રભાઈ પોલિયોગ્રસ્ત હતા. મૃતકના લગ્ન થઈ ગયાં હતા અને તેમને સંતાનમાં કોઈ ન હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ શહેરમાં છેલ્લા દસ દિવસમાં યુવાવસ્થામાં હાર્ટ એટેકના બનાવોમાં ધમખર વધારો થયો છે. દસ દિવસમાં શહેરમાં હાર્ટ એટેકના કારણે છ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.