પ્રવેશની વિસ્તૃત વિગતો રજિસ્ટ્રેશન સમયે જાહેર કરવામાં આવશે
દેશમાં આગામી વર્ષ 2024-25માં લેવાનારી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન આગામી 24મી જાન્યુઆરીથી અને બીજા તબક્કાની જેઇઇ-મેઇન 1લી એપ્રિલથી લેવામાં આવશે. પ્રવેશની વિસ્તૃત વિગતો રજિસ્ટ્રેશન સમયે જાહેર કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ એજન્સી દ્વારા કરવામાં આવી છે. ધો.12 સાયન્સ એ અને બી ગ્રુપ પાસ થનારા વિદ્યાર્થીઓએ ઇજનેરી અને મેડિકલમાં પ્રવેશ માટે જુદી જુદી પરીક્ષાઓ આપવી પડે છે.
આજ રીતે હવે દેશની જુદી જુદી સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રોફેસર બનવા માટે લેવાતી નેટનું આયોજન પણ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા કરવામાં આવે છે. આગામી વર્ષે આ તમામ પરીક્ષાઓ કયારે અને કઇ તારીખે લેવામાં આવશે તેની અગાઉથી જાહેરાત નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા કરી દેવામાં આવી છે. વર્ષ 2024-25માં લેવનારી આ પરીક્ષાઓની જાહેર કરવામાં આવેલી તારીખ પ્રમાણે જોઇન્ટ એન્ટ્રન્સ એકઝામ આગામી 24મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીએ લેવામાં આવશે. આજ રીતે બીજા તબક્કાની જેઇઇ મેઇન 1લી એપ્રિલ અને 15મી એપ્રિલના રોજ લેવામાં આવશે.
જેઇઇ વર્ષમાં બે વખત લેવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે બન્ને પરીક્ષાઓ કયારે લેવાશે તેની જાહેરાત કરવામાં આવી છે. આ બન્ને તબક્કાની પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત રહેશે. આજ રીતે નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પેન અને પેપર અથવા ઓએમઆર આધારિત લેવાતી હોય છે જે આગામી 5મી મેના 2024ના રોજ લેવામાં આવશે. આ ઉપરાંત કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ક્યૂટ-યુજી કોમ્પ્યુટર આધારિત પરીક્ષા 15મી મેથી લઇને 31મી મે દરમિયાન લેવામાં આવશે. કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ પી.જી. 11મી માર્ચથી 28મી માર્ચ 2024 વચ્ચે લેવામાં આવશે.