રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂક માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં 24622 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. પ્રાથમિક વિભાગમાં ફોર્મ ભરવા માટેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યા બાદ વધુ 6 હજાર જેટલા ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. આમ, હવે પ્રાથમિકમાં ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થતાં ભરતી માટેની કાર્યવાહી હાથ ધરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ અગાઉ માધ્યમિક વિભાગમાં ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં 19 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં પ્રાથમિક સ્કૂલોમાં કરાર આધારિત સહાયકની નિમણુંક માટે 1 હજારથી વધુની અરજી આવી
રાજ્યમાં પ્રાથમિક જ્ઞાન સહાયક માટે સૌથી વધુ બનાસકાંઠામાંથી 2 હજાર કરતા વધુ ઉમેદવારોના ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકોની જોગવાઈ રદ કરી તેના બદલે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરવા માટેની જાહેરાત કરી હતી. જ્ઞાન સહાયક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં પાસ થયેલા ઉમેદવારો જ જ્ઞાન સહાયક બની શકે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. જેના આધારે સૌપ્રથમ માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક બનવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક બનવા માટે 19050 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. દરમિયાન, પ્રાથમિક વિભાગમાં ફોર્મ ભરવા માટે 2 સપ્ટેમ્બરથી કાર્યવાહી શરૂ થઈ હતી અને 11 સપ્ટેમ્બર સુધીની મુદ્દત આપવામાં આવી હતી. જોકે, 11 સપ્ટેમ્બરના રોજ મુદ્દત પુર્ણ થવા સુધીમાં પ્રાથમિક વિભાગમાં 18598 જેટલા ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયક બનવા માટેની મુદ્દતમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો અને 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાની તક આપવામાં આવી હતી. આમ, 17 સપ્ટેમ્બરના રોજ ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 25145 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે પૈકી 24622 ઉમેદવારોએ ફોર્મ સબમીટ કર્યા હતા.
કયા જિલ્લામાંથી કેટલા ઉમેદવારોના ફોર્મ ભરાયા
પ્રાથમિકમાં જ્ઞાન સહાયક બનવા માટે રાજ્યમાંથી 24622 જેટલા ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. જેમાં ગીર સોમનાથમાં 1356, દેવભૂમિ દ્વારકામાં 293, સાબરકાંઠા 1146, પાટણ 1034, કચ્છ 657, અમરેલી 560, બોટાદ 346, પોરબંદર 405, મહિસાગર 511, મહેસાણા 1706, જૂનાગઢ 1152, ભાવનગર 1610, અરવલ્લી 826, ભરૂચ 309, આણંદ 459, બનાસકાંઠા 2112, દાહોદ 549, પંચમહાલ 499, ડાંગ 148, જામનગર 526, રાજકોટ 1065, ખેડા 482, વલસાડ 480, સુરેન્દ્રનગર 994, નર્મદા 187, તાપી 592, વડોદરા 339, છોટા ઉદેપુર 162, ગાંધીનગર 483, મોરબી 608, નવસારી 650, સુરત 1076 અને અમદાવાદ 1300 ઉમેદવારોના ફોર્મ ભરાયા છે.