હે પ્રભુ! વ્યતીત થયેલો મારો ભૂતકાળ તે મારી ભૂલોનો કાળ હતો. હું ભૂલ કરવામાં રહી ગયો અને તમે મોક્ષમાં પધારી ગયાં. આજ મારા ભૂતકાળની ક્ષમા માંગીને હે પ્રભુ! મારા અંદરની દરેક ગાંઠને છોડીને આ પર્વાધિરાજને સાર્થક કરવા માંગુ છું. ક્ષમાભાવના આવા અપ્રતિમ ભાવો સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજવાયેલો પર્વાધિરાજ પર્વનો સાતમો દિવસ હજારો હૃદયમાં ક્ષમા જળના પાવન છાંટણા કરી ગયો.
25 માસક્ષમણ અને 140 અઠ્ઠાઈ સાથે 275થી વધુ કરી તપશ્ચર્યા
સાત સાત દિવસથી સહનશીલતા, સ્વીકાર ભાવ, પ્રભુ ભક્તિ અને આત્મશુદ્ધિના બોધની અવિરત ગંગા વહાવી રહેલાં પરમ ગુરુદેવના શ્રીમુખેથી આજના દિને ક્ષમા ભાવનો બોધ પામીને નેમ દરબારના શામિયાળામાં ઉપસ્થિત હજારો ભાવિકો સાથે લાઈવ ટેલીકાસ્ટ, ટી. વી. ચેનલ્સ અને ઝૂમ લાઈવના માધ્યમે ભારતના ખૂણે ખૂણેથી તેમજ વિદેશના 140 દેશના ભાવિકો મળીને લાખો ભાવિકો પોતાના આત્માને ધન્યાતિધન્ય બનાવ્યો હતો.
એ લાખો ભાવિકોના આત્માને ધન્ય કરતાં પરમ વચનો ફરમાવતાં પરમ ગુરૂદેવે કહ્યું હતું કે, પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવે અને જાય અને એ પર્વના દિવસોમાં બહારની સંપત્તિ છૂટે, વસ્તુઓ છૂટે એને દાન કહેવાય. પરંતુ અંદરની રાગ-દ્વેષની ઘટનાઓની ગાંઠ છૂટે તેને ક્ષમાદાન કહેવાય છે. મનમાં રહેલી કોઈ વ્યક્તિ, કોઈ વાત કે ઘટના પ્રત્યેની ગાંઠ છોડીને જે સમાધાન કરે છે એના પર્વાધિરાજ વાસ્તવિકતામાં સાર્થક બનતા હોય છે.
પરમાત્મા કહે છે, “ત્યારે આમ બન્યું હતું, ત્યારે એમણે મારું આવું ઇન્સલ્ટ કર્યું હતું, એમણે મારી સાથે આમ કર્યું હતું” આવી અનેક પ્રકારની મનમાં રહેલી રાગ-દ્વેષની ગાંઠોને જે છોડી શકે છે એ જ પ્રભુના ચરણને પકડી શકતા હોય છે. કોઈપણ ઘટના ઘટી જાય, ગુસ્સો આવી જાય અને કર્મ બંધ થઈ જાય તે કદાચ પરિસ્થિતિ હોય પરંતુ દિવસોના દિવસો સુધી તે ઘટનાને મનમાંને મનમાં ઘૂંટી ઘૂંટીને રાગ-દ્વેષની ગાંઠને મોટી કરતા રહેવું તેવી મન: સ્થિતિ કર્મોને મલ્ટીપ્લાય કરીને કર્મોનું અનુબંધ કરાવી જાય છે. આ પર્વાધિરાજમાં એક સંકલ્પ કરીએ, બીજાની ભૂલોનો, બીજાના અવગુણોનો, બીજાના દુવ્ર્યવહારનો કચરો મગજમાં ભરીને મગજને ડમ્પીંગ ગ્રાઉન્ડ નથી બનાવવું પરંતુ બધું જ છોડીને બધું જ ભૂલીને ડિવાઇન બનાવી લેવું છે.
વિશેષમાં, ગત પર્વાધિરાજ પર્વમાં પરમ ગુરુદેવના શ્રીમુખેથી પ્રગટ થયેલા પ્રવચનોના અક્ષર આલેખન સ્વરૂપ “સ્પીડ બ્રેકર” પુસ્તિકાના વિમોચન સાથે પરમ ગુરુદેવની પ્રેરણાથી દર મહિને પ્રગટ થતાં માસિક “જૈન ક્રાંતિ”ના સપ્ટેમ્બર માસના અંકનું અનાવરણ કરવામાં આવતા સર્વત્ર હર્ષ હર્ષ છવાયો હતો.
ગિરનાર ધરા પરમ ગુરુદેવના સાંનિધ્યે સાધના-આરાધના, ભક્તિભાવના અને 50 ઉપવાસ, 45 ઉપવાસ, 25 માસક્ષમણ તપ, 25 ઉપવાસ, 21ઉપવાસ, ધર્મચક્ર તપ, સિદ્ધિ તપ, 11 ઉપવાસ, 9 ઉપવાસ અને 140થી વધુ અઠાઈ તપ આરાધકો મળીને અનેક તપસ્વીઓની સાધના સાથે એક અનેરો ઇતિહાસ સર્જીને પૂર્ણ થઈ રહેલાં પર્વાધિરાજ પર્વના આજે બપોરના 3 કલાકે “સંવત્સરી આલોચના” તેમજ સાંજના સમયે “સંવત્સરી પ્રતિક્રમણ” આરાધનાના વિશિષ્ટ આયોજન સાથે પર્વને વિરામ આપવામાં આવશે.
તા. 20/ 9 બુધવારે સવારના 9 કલાકે નેમ દરબારના પ્રાંગણે સેંકડો તપસ્વીઓનો પારણા અવસર યોજાશે. એ સાથે જ, આગામી તા. 24/ 9 રવિવારના દિને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 53મિ જન્મોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય માનવતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજિત કરવામાં આવેલાં દરેક અવસરોનો લાભ લઈને ધન્ય બનવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા પારસધામ ગિરનાર તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રસંત નમ્રમુનિની પ્રેરણાથી ઘાયલ પશુઓ-પંખીઓ માટે અનેક ક્ષેત્રોમાં દોડશે અર્હમ એનિમલ એમ્બ્યુલન્સ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી, સમસ્ત મહાજનના સહયોગથી “અર્હમ એનિમલ એમ્બ્યુલન્સ” લોન્ચ કરવામાં આવી હતી. એના જ અનુસંધાનમાં આ પર્વાધિરાજ પર્વમાં પરમ ગુરુદેવની પ્રેરણાએ ઉદારહૃદયા ભાવિકો દ્વારા બીજી 17થી વધુ એનિમલ એમ્બ્યુલન્સની અર્પણતા કરવામાં આવતાં હજારો અબોલ જીવોને શાતા – સમાધિ પમાડવાનું સત્કાર્ય હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં અર્હમ અનુકંપા પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈના અનેક ક્ષેત્રોમાં દોડી રહેલી અર્હમ એનિમલ એમ્બ્યુલન્સના માધ્યમે રસ્તે રઝળતાં ઘાયલ, બીમાર અને વેદનાથી તરફડી રહેલા 30,000થી વધુ અબોલ પશુઓને તાત્કાલિક સમયસરની સારવાર આપીને નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ હેઠળ એ પશુઓના ઓપરેશન કરીને એવમ જરૂરી એવી દરેક પ્રકારની ટ્રીટમેન્ટ આપીને એમને શાતા-સમાધિ પમાડીને નવજીવન આપવામાં આવ્યું હતું.
અબોલ જીવોને મળી રહેલી આવી શાતાને જોઈને અનેક ક્ષેત્રોના અનેક પ્રાણીપ્રેમી ભાવિકો દ્વારા જ્યારે એનિમલ એમ્બ્યુલન્સ માટે વિનંતીઓ આવી રહી છે ત્યારે આ પર્વાધિરાજમાં પરમ ગુરૂદેવની પ્રેરણાને ઝીલીને અનેક ઉદારહૃદયા ભાવિકોએ બીજી 17થી વધુ એનિમલ એમ્બ્યુલન્સની અર્પણતા કરતાં આગામી સમયમાં હજારો વેદનાગ્રસ્ત અબોલ જીવોને શાતા પમાડવાનું પારમાર્થિક સત્કાર્ય કરવામાં આવશે. આ જગતમાં માનવીઓ માટે જ્યાં હજારો લાખોની સંખ્યામાં એમ્બ્યુલન્સ દોડી રહી છે ત્યારે અબોલ પ્રાણીઓની વેદનાને પોતાની કરુણાની વાચા આપી રહેલા પરમ ગુરુદેવના આ એનિમલ એમ્બ્યુલન્સના પરમાર્થને સર્વત્ર બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને સહુ પરમ ગુરુદેવ પ્રત્યે અહોભાવિત બની રહ્યાં છે.
ગત વર્ષે અર્હમ એનિમલ એમ્બ્યુલન્સની ઉદાર હૃદયે અર્પણતા કરીને એસ.પી.એમ. પરિવાર, પુનડી – કચ્છ, જી.એન.દામાણી ચેરીટેબલ ટ્રસ્ટ, અરુણાબેન કિરીટભાઈ મહેતા પરિવાર – મુંબઈ, માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ પરિવાર – રાજકોટ, માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી – મુંબઈ, સોનલબેન અજમેરા , પારુલબેન, અમી, આરથી મેસન પરાગભાઇ મહેતા – યુએસએ પરિવાર ધન્ય બન્યા હતા. આ વર્ષે અવંતિભાઈ કાંકરીયા પરિવાર, પ્રવીણભાઈ પારેખ પરિવાર, કંચનબેન રમણીકભાઈ શેઠ પરિવાર, કાશ્મીરાબેન કાંતિભાઇ શેઠ પરિવાર, મીનાબેન રમેશભાઈ મકાતી પરિવાર, અરુણાબેન કિરીટભાઈ મહેતા પરિવાર, નીતાબેન અજયભાઇ મહેતા પરિવાર, બિપીનચંદ્ર રણછોડદાસ શાહ પરિવાર, નિર્મલાબેન ત્રંબકલાલ દેસાઈ પરિવાર, યુએસએ ઐશ્વર્યાબેન છેડા – બોસ્ટન, યુએસએ પરિવાર ધન્ય બન્યાં છે.