, જામનગરના લીમડાલેન વિસ્તારમાં આવેલા ‘ફોન બુક’ નામના મોબાઈલ શોરૂમ ના સંચાલકને સ્માર્ટ રીતે વિજ ચોરી કરતાં પકડી પાડયો છે, અને તેને રૂપિયા એક લાખ સાત હજારનું વિજ ચોરીનું બિલ ફટકારવામાં આવ્યું છે.જામનગરના લીમડા લાઈન, અશોક બેકરીની બાજુમાં આવેલા ફોનબુક નામના મોબાઇલ શોરૂમના સંચાલકનું વીજમીટર અગાઉ પી.જી.વી.સી.એલ. ની કચેરી દ્વારા બદલાવવામાં આવેલું હતું.
જ્યારે જુના વીજમીટર ને વધુ તપાસણી અર્થે શહેર -૧ વિભાગીય કચેરી પીજીવીસીએલ ની લેબોરેટરીમાં લઈ જવામાં આવેલું હતું. આ લેબોરેટરીમાં ગત તારીખ ૧૬.૯.૨૦૨૩ ના શનિવારના રોજ નાયબ ઇજનેર શ્રીમતી ચોપડા તથા જુનિયર ઈજનેર શ્રી શર્મા ની ઉપસ્થિતિમાં વિશેષ ચકાસણી કરવામાં આવેલી હતી.
આ ચકાસણી દરમિયાન વીજ મીટરના પાછળના ભાગમાં નરી આંખે જોઈ ન શકાય તે રીતે કટ કરીને મીટર બોડીની નાની ડગરી કાઢીને તેની અંદર સ્માર્ટ રીતે મીટરના વાયરીંગ સાથે વધારાનું ડિવાઇસ જોડીને આ ડિજિટલ મીટરમાં નોંધાતો વીજ વપરાશ બંધ કરી શકાય તેવી કાયમી વ્યવસ્થા રાખી અને મીટર બોડીની આ ડગરી કોઈને સામાન્ય રીતે ખ્યાલ ન આવે તે રીતે ફરી પેકિંગ કરેલી હોય, તેવું ધ્યાનમાં આવ્યું હતું.
આ પ્રકારની સ્માર્ટ વીજચોરી પકડાયાના આધારે સેન્ટ્રલ ઝોન પે.વી.ના નાયબ ઇજનેર, અજય પરમાર દ્વારા સ્થળ તપાસણી કરાવતાં આ જગ્યા પર જૂના નામથી વીજ જોડાણ ચાલુ હતું, પરંતુ હાલમાં મોબાઈલની મોટી શોપ જેનું નામ ‘ફોનબુક’ હોવાનું જાણવા મળ્યું હતું.
આ જગ્યાના વપરાશ કર્તા રાહુલભાઈ તથા વિશાલભાઈના નામે વીજઅધિનિયમ ૨૦૦૩ ની કલમ હેઠળ વીજચોરીની ફરિયાદ વિજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે. અને વીજચોરી કરવા બદલ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરી દ્વારા રૂપિયા ૧,૦૭,૪૯૨, ૭૬ નું દંડ નું બિલ ઇસ્યુ કરાયું છે. આમ જામનગર પીજીવીસીએલના તંત્ર દ્વારા લેબોરેટરીમાં ઊંડાણપૂર્વકની તપાસના અંતે સ્માર્ટ રીતે કરાતી વીજ ચોરી સામે આવી ગઈ છે.