ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજ્યના 100 તાલુકામાં 1થી 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હજુ 4 દિવસ ભારેથી અતિભાગે વરસાદની આગાહી છે. રાજ્યમાં ખરાબ પરિસ્થિતિ વચ્ચે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો ખડકાઈ છે. પંચમહાલ અને ગોધરા શહેરની હાલત ખરાબ થઈ ગઈ છે. રાજ્યમાં નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજ્યના 207 જળાશયોમાં 89.79 ટકા પાણીનો સંગ્રહ થયો છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 6.16 લાખ ક્યુસેક અને જાવક 5.94 લાખ ક્યુસેક છે. ધીરેધીરે પૂરની સ્થિતિ ઓસરી રહી છે. હાલમાં સરદાર સરોવર ડેમના 23 દરવાજા 3 મીટર સુધી ખુલ્લા છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ છલકાયો છે.
નર્મદા નદીના રોદ્ર સ્વરૂપથી જળબંબાકાર: ડેમના 23 દરવાજા 9.70મીટર સુધી ખોલાયા: નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
રવિવારે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ગુજરાતના 87 જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મુકાયા છે, જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. 26 જળાશયો એલર્ટ ઉપર મુકાયા છે, જ્યાં 80થી 90 ટકા વચ્ચે પાણી છે, 22 જળાશયોમાં વોર્નિંગ અપાઈ છે, અહીં 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ છે. 71 જળાશયોમાં કોઈ સિગ્નલ નથી, અહીં સંગ્રહ ક્ષમતાના 70 ટકાથી ઓછું પાણી સંગ્રહાયેલું છે.ઉપરવાસના હથનુર ડેમમાંથી શનિવારે છોડાયેલા પાણીન કારણે ઉકાઇ ડેમની સપાટી સવારે સાત વાગ્યે જ 340 ફૂટને પાર કરી ગઇ હતી. જેને પગલે સત્તાવાળાઓએ ડેમના દરવાજા ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત ખોલીને 16 હજાર કયુસેક પાણી છોડવાનું શરૃ કર્યું હતુ.
ત્યારબાદ સતત પાણીનો હેવી ઇનફલો આવતા દર કલાકે પાણી છોડવાનું વધારતા જ ગયા હતા. અને સવારે સાત વાગ્યાથી લઇને બપોરે બે વાગ્યા સુધીના આઠ કલાકમાં આઠ વખત પાણી છોડવાનુ વધારતા ગયા હતા. બપોરે 2 વાગ્યે ઉકાઇ ડેમના સાત દરવાજા 10 ફૂટ અને આઠ દરવાજા 9 ફૂટ મળીને 15 દરવાજા ખોલીને 2.47 લાખ કયુસેક પાણી છોડવાનું આરંભ્યુ હતુ. તે સતત ચાલુ જ રાખ્યુ છે.
ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીથી તાપી નદી બે કાંઠે
ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીથી તાપી નદી બે કાંઠે વહેતી થઇ હતી. તાપી નદીના પ્રવાહમાં યુવક તણાયા હોવાની આશંકા છે.
નાવડી ઓવારા પાસે મંદિરના મહારાજ ફસાયા હતા જેમનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું. ઉકાઈ ડેમમાંથી 2.97 લાખ ક્યુસેક પાણી છોડાયુ છે.
ધરોઈ ડેમમાં પાણીની ભારે આવક
ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં પાણીની ભારે આવક થઇ રહી છે. ડેમના બે દરવાજા બે ફુટ ખોલી પાણી છોડાઈ રહ્યુ છે. ધરોઈ ડેમમાં હાલ 96 હજાર 100 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ધરોઈ ડેમમાંથી 6887 ક્યુસેક પાણીની જાવક છે. ધરોઈ ડેમની હાલની જળસપાટી 619.97 ફુટ છે. નવા પાણીની આવકથી ધરોઈ ડેમ 92 ટકા ભરાયો હતો.
રાજ્યના 30 જળાશયો ઓવરફ્લો સૌરાષ્ટ્રના 13 ડેમ સંપૂર્ણ છલકાયા
ગુજરાતમાં 30 જળાશયો ઓવરફ્લો થયા છે એટલે કે 100 ટકા ભરાયાં છે. સરદાર સરોવર ડેમ ઉપરાંત સૌરાષ્ટ્રના 13 ડેમ સંપૂર્ણ છલકાયા છે. મધ્ય ગુજરાતમાં 8 જળાશયો, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છ જિલ્લામાં 2 જળાશયોમાં 100 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં અત્યારે 79.06 ટકા પાણીનો સંગ્રહ થયો છે, એ જ રીતે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.89 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 78.48 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 89.61 ટકા, કચ્છના 20 જળાશયોમાં 59.62 ટકા એમ એકંદરે ગુજરાતના 207 જળાશયોમાં 89.79 ટકા પાણીનો સંગ્રહ થયો છે.