આજથી આશરે 2650 વર્ષ પૂર્વે બિહારના ક્ષત્રિયકુંડનગરમાં રાજા સિધ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃધ્ધિ થતા વર્ધમાન નામ અપાયું હતુ તેવા અહિંસાના અવતાર અને જૈનધર્મમાં 24મા તીર્થકર પદે બિરાજમાન થયેલા પ્રભુ મહાવીર સ્વામીના નામથી કોણ અજાણ હોય શકે !
પ્રભુ મહાવીર સ્વામીના આત્માએ નયસાર સુથારના ભવમાં ભૂલા પડેલા સંતને ભોજન વહોરાવી સમકિત (સાચી સમજણ)ને પ્રાપ્ત કરી ભવકટીની શરૂઆત કરતા 27 ભવમાં પ્રભુના જન્મ-મરણનો અંત આવ્યો? આપણા ભવભ્રમણનો અંત કયારે? વિચારજો. પ્રભુ મહાવીરના જ સંદેશને જીવનમાં અપનાવવા પ્રયત્નશીલ બનવાનું ભૂલશો નહિ
પ્રભુનોપ્રથમ સંદેશ
મા-બાપના દિલને કદી દુભવશો નહિ. પ્રભુએ ગર્ભમાં પણ માતાને ઠેસ ન પહોચે તે માટે જ્ઞાનવડે જાણીને હલનચલન શરૂ કરી માતાના ભાવોની પૂર્તિ કરી હતી. આજની પેઢીનો સૂર સંભળાય છે કે મા-બાપનો સ્વભાવ સારો નથી. પણ વિચારજો મા-બાપે જન્મ આપ્યો છે. તોસંતાનોનું અસ્તિત્વ છે.
પ્રભુનો બીજો સંદેશ
તમારા સુખમા બીજાને ભાગીદાર બનાવો સુખનો ભોગવટો તમે એકલા ન કરો. તમારા પરિવારને, સાધર્મિકને હાથ લાંબો ન કરવો પડે એવા ઉદાર બનો.પ્રભુ મહાવીર સ્વામીએ દીક્ષા પૂર્વે એક વર્ષમાં 3 અબજ, 88 કરોડ, 80 લાખ સોના મહોરનું વર્ષીદાન કરેલ લોભવૃત્તિ અને પરિગ્રહની આસકિતને છોડવા માટે દાન અતિ જરૂરી છે.
પ્રભુનો ત્રીજો સંદેશ
શકિતનું પ્રદર્શન ફરશો નહિ જીવનમાં પૂણ્યના ઉદયે પૈસો પ્રાપ્ત થાય છે. માટે પૈસો કે પાવર બતાવવો નહિ શકિતનું પ્રદર્શન કરનારા રાવણ અને કૌરવો રાખમાં રોળાઈ ગયા. સિકંદર જેવા ને પણ ખાલી હાથે જ જવું પડયું !
પ્રભુનો ચોથો સંદેશ
નિરાશ કદી બનશો નહિ શુભે યથાશકિત પ્રયત્નીયમ્ વિકટ પરિસ્થિતિમાં પણ નિરાસાને ખંખેરીને મનોબળ મજબૂત બનાવવું સંકલ્પથી સિધ્ધિની પ્રાપ્તી થાય છે. આવો આપણે સહુ માનવભવને સફળ બનાવવા પ્રભુ મહાવીરના ચીંધ્યા રાહે ચાલવા પા પા પગલી ભરીએ. પ્રભુના ત્રણ સિધ્ધાંમાં 1. આચારે અહિંસા, 2. વિચારે અનેકાંત અને 3. વ્યવહારે અપરિગ્રહની ભાવનાને સધ્ધર બનાવીએ. પ્રભુનો ધર્મ ગુણપ્રધાન છે. વ્યકિત પ્રધાન નથી તેથી જ કહેવાય છે કે જૈનધર્મ જે પાળે તેનો ધર્મ
‘જીના મરના બડા નહીં હૈ, કુછ કર જાના જીવન હોતા સૌરભ યશ ફૈલા જિસકા, ધન્ય ધન્ય વહ જીવન બનતા.’