મેળામાં પ્રશાસન દ્વારા શ્રેષ્ઠ પશુને અપાશે ચેમ્પિયન ઓફ ધ શો એવોર્ડ
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે યોજાતો વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ મેળો આ વર્ષે આગામી તા.18થી 21 સપ્ટેમ્બર 2023 સુધી યોજાશે. આ મેળાનાં સૂચારૂ આયોજન સંદર્ભે તરણેતર ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અઘ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેળાના આયોજન સાથે સંબધિત અધિકારીઓ/પદાધિકારીઓ સાથે દરેક મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરતા કલેકટરે આ ભાતીગળ મેળો પોતાની ઓળખ સાચવે એ દિશામાં પ્રયત્ન કરવા અને લોકો ખરા અર્થમાં મેળો માણે એ રીતે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા વિસ્તૃત માર્ગદર્શન સુચના આપ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મેળો સ્થાનિક પરંપરાઓ, કળા અને કલાકારો માટે એક ઉત્તમ મંચ બની રહે અને સાચા અર્થમાં લોકમેળો બની રહે તે પ્રકારનાં ક્ષતિરહિત આયોજન અને અમલીકરણ માટે પ્રત્યેક વિભાગના અધિકારીઓએ સાથે મળીને કાર્ય કરવાનું છે.
કલેક્ટરે મેળાને ધ્યાનમાં રાખીને તરણેતર સુધીના વિવિધ રસ્તાઓની સ્થિતી, રસ્તાઓ પર સાઈન બોર્ડ ગોઠવવા સહિતની કામગીરી, મેળાનાં દિવસો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, બસનાં રૂટ અને પાર્કિંગ સ્થળો, કાયદો અને વ્યવસ્થા, તળાવ-મેળાનાં મેદાનની સફાઇ, સ્ટેજ રીનોવેશન, વીજ વ્યવસ્થા, પીવાનાં પાણી-શૌચાલયની વ્યવસ્થા, આરોગ્યની ટીમ-એમ્બ્યુલેન્સની સુવિધા, મેળામાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો સહિતની વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવતા તેમણે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ.
આ ઉપરાંત, મંદિરમાં દર્શનાર્થીઓ માટેની વ્યવસ્થા, કુંડમાં નહાતા સમયે દુર્ઘટના નિવારવા માટે બેરિકેટિંગ અને તરવૈયા સહિતની વ્યવસ્થા, વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની બાબતો અંગે સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. તરણેતરનાં મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સ્ટોલધારકો સાથે સંકલન કરી સચોટ વ્યવસ્થા ગોઠવવા તેમણે જણાવ્યું હતુ.
થાનગઢ તરણેતર ગ્રામ પંચાયતે તરણેતર મેળાના આયોજન અંગે કલેક્ટર કે.સી.સંપટની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જિલ્લાના એસપી, જિલ્લાના જિલ્લા પંચાયતના ટીડીઓ અને જિલ્લાના તમામ સરકારી એજન્સીના અધિકારી જોડાયા હતા. આ પ્રસંગે મેળામાં 20 સપ્ટેબરે મુખ્યમંત્રી આવવાના હોવાની જાણ કરાઇ હતી. તરણેતરના મેળા દરમિયાન પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું હતું. આ સમયે જિલ્લાના એસપી સમક્ષ સૌથી મોટી ટ્રાફિક સમસ્યા હોવાથી મેળાના રસ્તા પોળા કરવાનો પ્લાન તૈયાર કર્યો હોવાનું જણાવાયું હતું.
અહીના ભાતીગળ લોકમેળામાં દેશભરના સહિત વિદેશી પર્યટકો પણ મહેમાન બનતા હોય છે. આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક, રાસ-ગરબા, પશુમેળો, પૌરાણિક હરિફાઈઓ અને ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે, 3 દિવસ માટે કુંડમાં ગંગાજીનું અવતરણ થતું હોવાની માન્યતાના પગલે અવસાન પામેલા લોકોના અસ્થિ પણ વિસર્જન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે.
તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે યોજાનાર છે. લોકમેળા દરમિયાન ત્રણ દિવસ માટે રાજ્યના પશુપાલન ખાતાદ્વારા ભવ્ય પશુપ્રદર્શન હરીફાઇનું આયોજન કરાયું છે
આ પશુ પ્રદર્શન હરીફાઈમાં ગુજરાત રાજ્યના પશુપાલકોને ગીર, કાંકરેજ ગાયવર્ગ અને જાફરાબાદી, બન્ની ભેંસવર્ગના શુધ્ધ ઓલાદના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પશુઓને મેળામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવશે. પશુ પ્રદર્શનમાં આવેલ પશુઓની ઓલાદ મુજબ ઉચ્ચ ગુણવત્તાની હરીફાઈ યોજી વિજેતા પશુઓને પ્રથમ, દ્વિતીય, તૃતિય અને આશ્વાસન કેટેગરીમાં ઈનામો આપવામાં આવશે. દરેક વર્ગ પૈકી કોઈ પણ એક વર્ગમાંથી એક શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા પશુને “ચેમ્પિયન ઓફ ધ શો”નું ઈનામ આપવામાં આવશે.
આ અંગે વધુ માહિતી માટે રાજ્યની પશુપાલન નિયામકની કચેરી અથવા વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકની કચેરી, રાજકોટ અથવા આપની નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.
મેળા સાથે જોડાયેલી આસ્થા
આ મેળા સાથે એવી માન્યતા રહેલી છે કે ત્રણ દિવસ માટે કુંડમાં ગંગાજીનું અવતરણ થાય છે. માટે અહીં મૃત્યુ પામેલા લોકોના અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. આ માટે પણ અહીં વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી. મેળાને લઈને તંત્ર દ્વારા તડામાર ત્યારીઓ શરૂ કરવામાં આવી છે.
તરણેતર લોકમેળો : 2023 મેળા દરમિયાન ત્રણ દિવસ પશુપ્રદર્શન હરીફાઇ યોજાશે