કંપનીઓનું રશિયામાં રૂ.44,700 કરોડનું રોકાણ, તેમાંથી મળેલા ડિવિડન્ડના નાણા ભારત લાવી શકાય તેમ ન હોય ક્રૂડ ખરીદતી ભારતની કંપનીઓને લોન પેટે આપી વટક વાળવાની વિચારણા
રશિયા – યુક્રેન યુદ્ધની અસર ભારતીય પેટ્રોલિયમ કંપનીઓ પર પડી રહી છે. દેશની અગ્રણી પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ઓઈલ ઈન્ડિયા લિમિટેડ અને ઓએનજીસીના આશરે રૂ. 4900 કરોડ રશિયામાં ફસાયેલા છે. અને હવે કંપનીઓ આ અટવાયેલા નાણાંને કેવી રીતે બહાર કાઢવા તે શોધવાના પ્રયાસમાં વ્યસ્ત છે.
રિપોર્ટ અનુસાર, ભારતની ટોચની ચાર પેટ્રોલિયમ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનું એક એકમ, ઓઈલ ઈન્ડિયા લિમિટેડ અને ઓએનજીસી રશિયન તેલ અને ગેસમાં તેમના રોકાણોમાંથી મળેલી ડિવિડન્ડની આવક લાવવામાં સક્ષમ નથી. તે નાણાં રશિયામાં તેમના બેંક ખાતામાં પડ્યા છે, પરંતુ યુક્રેન યુદ્ધ પછી પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધોને કારણે આ રકમ ભારતમાં લાવી શકાઈ નથી. ભારતની કુલ ક્રૂડ ઓઈલની ખરીદીમાં રશિયાનો હિસ્સો 33 ટકાથી વધુ છે.
કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક વિકલ્પ એ છે કે રશિયન બેંકોના ખાતામાં પડેલા નાણાંને ક્રૂડ ઓઈલ ખરીદનારી કંપનીઓને લોન તરીકે આપી શકાય. અને તે પછી આ કંપનીઓ ભારતમાં લોનની ચુકવણી કરી શકશે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારી કંપનીઓમાં આઈઓસી અને બીપીસીએલ પણ સામેલ છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, અમે આ પગલાને લઈને કાયદાકીય અને નાણાકીય જોગવાઈઓની તપાસ કરી રહ્યા છીએ. અમે પ્રતિબંધો પ્રત્યે સભાન છીએ અને અમે એવું કંઈ કરવા માંગતા નથી જે કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન કરે.
ભારતની સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ રશિયામાં ચાર અલગ-અલગ મિલકતોમાં હિસ્સો ખરીદવા 44700 કરોડનું રોકાણ કર્યું છે. તેમાં કોર્નેફ્ટ ઓઇલ અને ગેસ ફિલ્ડમાં 49.9 ટકા હિસ્સો અને ટીએએએસ -યુરાખ નેફ્ટેગાઝોડોબીચા ફિલ્ડમાં 29.9 ટકા હિસ્સો સામેલ છે. તેઓ આ ક્ષેત્રોનું સંચાલન કરતા ક્ધસોર્ટિયમને તેલ અને ગેસના વેચાણમાંથી નફામાં હિસ્સો મેળવે છે.