8 જિલ્લા અરવલ્લી, મહીસાગર, ડાંગ, છોટાઉદેપુર, તાપી, બોટાદ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં મેડિકલ કોલેજની સ્થાપના કરાશે: મંત્રી ઋષિકેશ પટેલ
રાજ્યમાં આગામી પાંચ વર્ષ પછી દર વર્ષે 8 હજારથી વધુ તબીબો મળે તેવું આયોજન કરાયું હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું. આગામી સમયમાં બાકી 8 જિલ્લા અરવલ્લી, મહીસાગર, ડાંગ, છોટાઉદેપુર, તાપી, બોટાદ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં મેડિકલ કોલેજની સ્થાપના પણ કરવામાં આવશે. વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં ધારાસભ્યોના સવાલના જવાબમાં માહિતી આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટાપાયે તબક્કાવાર મેડિકલ કોલેજ સ્થપાઇ રહી છે.
રાજ્યમાં હાલ 40 મેડિકલ કોલેજમાં એમબીબીએસની 6950 અને પીજીની 2650 મેડિકલ બેઠક ઉપલબ્ધ છે. વર્ષ 2027 સુધીમાં પીપીપી મોડલ ઉપર 10 નવી મેડિકલ કોલેજમાં અંદાજિત 1500 યુજીની વધુ બેઠકો ઉપલબ્ધ બનશે. રાજ્યમાં એમબીબીએસ અંદાજીત 8500 બેઠકો અને પી.જી. તબીબોની 5000 જેટલી બેઠકો ઉપલબ્ધ બનશે.બોટાદ, ગીરસોમનાથ અને દેવભૂમિ દ્વારકા ખાતે નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે અરજદારો પાસેથી અરજી મંગાવાઇ છે.
અરવલ્લી, ડાંગ, છોટા ઉદેપુર, મહીસાગર, આણંદ અને ખેડા ખાતે બ્રાઉન ફીલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવા કાર્યવાહી પ્રગતિ હેઠળ હોવાનું પણ જણાવ્યું હતું. મોડાસા ખાતે 121 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાની આધુનિક હોસ્પિટલ તૈયાર કરાશે.