સિતારે લાખો હોતે હૈ, ચાંદ જૈસા નહિં….!
પર્વ અનેક હોતે હૈ, પર્યુષણ જૈસા નહિ…!!!
તપની તેજસ્વીતાને આત્માની ઓજસ્વીતા ઝળકાવવાને
કરોડો ભવના સંચિત ચીકણા-ગાઢ કર્મોને ક્ષય કરવાની
પાવન પ્રેરણા લઇ પર્વાધિરાજ પર્વ પધાર્યા…આજે પર્વનો
ચોથો દિવસ તપ-દાન-વ.ના ભાવો લઇ આવી ચુક્યો
વિભાવભાવથી ખસવું…સ્વભાવમાં વસવુ તે પર્યુષણ પર્વ
તપની તેજસ્વીતા અને આત્માની ઓજસ્વીતા ફેલાવવી
ક્ષમા વીરસ્ય ભૂષણમ્ સોનેરી સૂત્ર હૃદ્યસ્થ કરવું
તપથી જન્મજન્માંતરના કર્મો ખપાવવા માટે છે
તપ ધર્મની આરાધના કરી તનને હળવું ને કર્મના બોજનો ભાર
ઉતારવા માટે પર્યુષણ પર્વ શ્રેષ્ઠોત્તમ છે. આત્મા ઉપર રહેલા
ચીકણા ગાઢ કર્મને ભસ્મીભૂત કરે છે તપરૂપી આગ દરેક ધર્મમાં
તપધર્મની મહતા બતાવી છે.
ગીતામાં પણ ત્રણ પ્રકારના તપ કહ્યા છે-
(1) સાત્વિકતપ – કોઇપણ ફળના આશા વિના કરાતું તપને સાત્વિકતપ એકાંત કર્મ નિર્જરાને આત્માની શુધ્ધિ માટે થાય છે.
(2) રાજસિકતપ – માન સન્માનની ઇચ્છાથી કરાતું તપ તે રાજસિક તપ લોકો મારી વાહારી કરે, મને પૂજે-સન્માને તે માટે કરાતું તપ
(3) તામસિકતપ – બીજાને પરેશાન-પીડા આપવા તથા પછાડવા કરાતુ તપ તે તામસિક તપ
ભૌતિક સિધ્ધિ તપ વિના શક્ય નથી. ચક્રવતી પણ છ ખંડ સાધવા 13 અઠ્ઠમ (ત્રણ ઉપવાસ- અઠ્ઠમ) કરે ચોવીસ કલાક ધ્યાનમાં બેસે ત્યારે ચક્રવર્તીની પદવી પામે છે.
જેમ સુવર્ણને શુધ્ધ થવા અગ્નિમાં તપવું પડે ત્યારે સોનુ શુધ્ધ બને છે. તેમ મલીન આત્માને શુધ્ધ થવા તપરૂપી અગ્નિમાં તપવું પડે છે.
તપથી જ જૂના કર્મોની નિર્જરા (નાશ) થાય છે.
અજ્ઞાની જીવ સો કરોડો ભવમાં જે કર્મ ખપાવે છે, જ્ઞાની મન, વચન કાયાને ગોપવીને અંત:મુહુર્તમાં તે કર્મનો ક્ષય કરે છે.
આગમકારે તપનાં બાર પ્રકાર કહ્યા છે
6 અભ્યંતર + 6 બાહ્ય = 12
અનશન, ઉણોદરી, વૃતિસંક્ષેપ, રસપરિત્યાગ કાયકલેશ પ્રતિસંલીનનું આ છ બાહ્યતપ
પ્રાયશ્ર્ચિત વિનય વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન કાઉસગ્ગ- આ છ આભ્યંતર તપ કહ્યા છે.
તપસ્યા એક અમૃત પ્યાલા હૈ
ઇસે પીનેવાલા કિસ્મતવાલા હૈ
પીયા હૈ શાંતિપૂર્વક જિસને ઇસે,
ઉસને જીવન કા સાર નિકાલા હૈ
“તપ: કર્મ વિનાશાય” આ સુત્ર સફળ કરી પર્યુષણ પર્વ
ના પાવન દિવસોમાં આપણે પણ તપથી તનની તેજસ્વીતા
અને આરાધનાથી આત્માની ઓજસ્વીતા ફેલાવીએ.
તપ-ત્યાગનું મહત્વ બતાવતા પાવનપર્વમાં
હે પ્રભુ ! અમને આપજે સત્વ જેથી તપની કેડીએ ભવોભવ
ના એકત્રિત થયેલ કર્મોને ખપાવીએ.
ધન્ના અણગાર જેવું તપોબળ આપજે…
ગજસુકુમાર જેવી સહનશીલતા આપજે
અરે..વર્તમાનમાં પણ આપણે સાંભળ્યુ કે માત્ર 7 વર્ષના
બાળકે 1-2-3 નહિ પણ 30 ઉપવાસ (માસખમણ)ની
આરાધના કરી….વિભુ ! અમારામાં પણ એવું શૌર્ય પ્રગટાવજે
જેથી આત્મ મનોબળ કેળવી માનવભવની અતિ કિંમતી
પળ-ક્ષણને આરાધનામાં તપધર્મમાં સાર્થક કરીએ….
– અજરામર સંપ્રદાયનાં
બા.બ.શ્રી ગીતાકુમારીજી મહાસતીજી