કાંટે કી ટક્કર મેચમાં શ્રીલંકાના સ્પિનરો પાકના ખેલાડીઓને હંફાવવા મેદાને ઉતરશે
ભારતે શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે, પરંતુ હવે શ્રીલંકા કે પાકિસ્તાન બેમાંથી કઈ ટીમ ફાઈનલમાં પહોંચે છે તે આજે નક્કી થઈ જશે. પાકિસ્તાને ગ્રુપ મેચ અને સુપર-4માં ધમાકેદાર શરુઆત કર્યા બાદ હવે ભારત સામે હાર થયા પછી ઘણી અડચણો ઉભી થઈ રહી છે. કારણ કે ભારતે પાકિસ્તાન બાદ શ્રીલંકા સામે પણ પોતાની બીજી સુપર-4 મેચ જીતી લીધી છે. આવામાં હાલ ભારત પોઈન્ટ ટેબલ પર ટોપ પર છે.
બીજી તરફ બાંગ્લાદેશ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. નેટ રનરેટ અને કોલંબોનું હવામાન આજની મેચમાં મહત્વની ભૂમિકા ભજવશે. ત્યારે જે સ્થિતિ ઉદ્ભવી થાય છે તેમાં લડખડાયેલી અને લંગડાયેલી પાકિસ્તાન ટીમ નવોદિત શ્રીલંકાને હરાવી ફાઇનલમાં પહોંચવા માટે મેદા ને ઉતરશે તો બીજી તરફ શ્રીલંકાના યુવા સ્પીનરો પણ પાકના ખેલાડીઓને હંફાવવા મેદાને ઉત્તરશે.
આ બન્ને ટીમો વચ્ચે પણ મેચ કોલંબોના આર પ્રેમાદાસ સ્ટેડિયમમાં જ રમાવાની છે. ભારત અને શ્રીલંકા વચ્ચે આ મેદાન પર અંતિમ મેચ યોજાઈ હતી ત્યારે પિચમાં હલચલ જોવા મળી હતી જેના કારણે બેટ્સમેનોને સ્પિનરો સામે ટકવું મુશ્કેલ બની ગયું હતું. હવે આજે ભારત સામેની હાર બાદ ફરી એકવાર ટક્કર આપવા માટે ટીમ આજની મેચ જીતવા માગશે જ્યારે શ્રીલંકા પણ પોતાના દેશમાં મેચ રમાઈ રહી હોવાથી એશિયા કપના ફાઈનલમાં પહોંચવા માગશે. જોકે, આ બન્ને દેશોની મેચમાં વરસાદ મહત્વનો ભાગ ભજવી શકે છે.
એશિયા કપમાં દરેક ટીમે 2-2 મેચ રમી છે, જેમાં ભારતે બન્ને મેચ જીતી છે અને 4 પોઈન્ટ અને +2.690 નેટ રનરેટ સાથે ટોપ પર છે, જ્યારે શ્રીલંકા 2 પોઈન્ટ અને -0.200 સાથે બીજા સ્થાને પર છે, જ્યારે પાકિસ્તાન 2 પોઈન્ટ અને -1.892 નેટ રનરેટ સાથે ત્રીજા નંબરે છે. બાગ્લાદેશે બન્ને મેચ ગુમાવી છે અને તે પોઈન્ટ ટેબલ પર અંતિમ સ્થાન પર છે. હવે આજની મેચમાં પાકિસ્તાન અને શ્રીલંકામાંથી જેની જીત થશે તે ટીમ ભારત સામે ફાઈનલ રમશે.
પાકિસ્તાન ટીમમાં જનૂનનો અભાવ : સોએબ અખ્તર
પાકિસ્તાનના ઝડપી ફાસ્ટ બોલર સોયબ અખતરે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે હાલ પાકિસ્તાન ટીમમાં જનુનનો અભાવ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં શ્રીલંકાના ખેલાડીઓ દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે નવોદિત ખેલાડીઓને ખરા અર્થમાં વધાવવા જોઈએ. નહીં હાલ જે ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે કે ભારત પાકનો મેચ ફિક્સ હોય અને શ્રીલંકા સામે લો સ્કોરિંગ મેચમાં ભારત સમયાઈ ગયું તેવી ચર્ચા ખરા અર્થમાં અયોગ્ય છે. ભારતની ટીમે પાકિસ્તાન સામે ખરા અર્થમાં સારો દેખાવ કર્યો હતો જ્યારે શ્રીલંકાના સ્પીનરોએ ભારતના બેટમેનોને હંપાવ્યા હતા તો તેની પ્રશંસા થવી જરૂરી છે.