ગુજરાત પર લો પ્રેશરની સિસ્ટમ બનતી હોવાથી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં દોઢ મહિનાના લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં પણ વરસાદ ન વરસતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે બુધવારે બપોર બાદ રાજુલા પંથકના વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત રાજકોટના ગોંડલ અને લોધીકામાં પણ વરસાદના ઝાપટાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. અમરેલીના રાજુલામાં 35 મીમી, ભરૂચમાં 18 મીમી, લોધીકા અને ગોંડલમાં 5 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.
ગુજરાત પર લો પ્રેશરની સિસ્ટમ બનતી હોવાથી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે. 3 દિવસ બાદ એટલે કે 16 અને 17 સપ્ટેમ્બર એમ બે દિવસ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. કાલથી બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ-નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં વરસાદની આગાહી છે.
અમરેલી સહિત ગુજરાતમાં છેલ્લા એક-દોઢ મહિનાથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો પર ચિંતાના વાદળો છવાયા છે. ચોમાસાના પ્રારંભે સારા વરસાદ બાદ વાવેતર કરી ચૂકેલા ખેડૂતો હાલ આકાશ તરફ મીટ માંડીને વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે રાજુલા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ખેતરો પર કાચા સોનારૂપી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી
કાલથી બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, સોમનાથ અમરેલી અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ-નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલી વરસાદની આગાહી આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે પણ 17મી સપ્ટેમ્બરથી રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.