પીન જનરેટ કરી આપવાના બહાને બે ગઠીયાનું કૃત્ય: સીસીટીવી ફૂટેજ આધારે તપાસ
શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર ત્રિમૂર્તિ બાલાજી મંદિર પાસે આવેલા એસ.બી.આઈ. બેંકના એ.ટી.એમ.માં નવા આવેલા ડેબીટ કાર્ડના પીન જનરેટ કરવા ગયેલા યુવકને વિશ્વાસમાં લઈ બે શખ્સોએ પાસવર્ડ લઈ એ.ટી.એમ. કાર્ડ બદલાવી લઈ તેના ખાતામાંથી રૂા.40 હજાર ઉપાડી ઠગાઈ કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વિગતો મુજબ રૈયા રોડ નજીક સોમનાથ સોસાયટી- 3માં રહેતાં અને પ્લંબરનું કામકાજ કરતા નિતેશભાઈ કરમશીભાઈ નકુમ (ઉ.વ.40) એ પોલીસને જણાવ્યું કે, તેનું જોડીયા તાલુકામાં એસ.બી.આઈ. બેંકમાં ખાતું છે. ગઈકાલે બપોરે બેંક ખાતામાં પૈસા હોય અને એ.ટી.એમ. કાર્ડની વેલીડીટી પુરી થઈ જતા નવા આવેલા કાર્ડનો પીન જનરેટ કરવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એસ.બી.આઈ.ના એ.ટી.એમ. ખાતે ગયા હતા. એ.ટી.એમ. સેન્ટરમાં ચાર મશીન હોય ત્યાં અન્ય લોકો પણ પૈસા ઉપાડવા અને જમા કરાવવાનું કામ કરતા હતા.
તે પીન જનરેટ કરવા જતા પાછળથી બે અજાણ્યા શખ્સોએ તેની પાસે આવી ઝડપથી તમારો પીન જનરેટ કરી આપવાનુ કહી તેને એ.ટી.એમ. કાર્ડ ને મોબાઈલમાં આવેલ પીન આપ્યા હતા. આ સમયે બંનેએ તેનું ધ્યાન ચુકવી એ.ટી.એમ. કાર્ડ બદલી કરી લીધુ હતું અને બદલેલું એ.ટી.એમ. કાર્ડ મશીનમાં રહેવા દીધું હોય તેને ખબર પડી ન હતી. ત્યારબાદ બન્ને શખ્સો કાર્ડ બદલી ત્યાંથી જતા રહ્યા હતા. તે મશીનમાંથી કાર્ડ કાઢી ખીચ્ચામાં નાખી રહ્યા હતા ત્યારે આ કાર્ડ બીજુ હોવાનું તેને જાણ થતા બેંકમાં જઈ ખાતુ બ્લોક કરાવી નાખ્યુ હતું. પરંતુ બુકમાં એન્ટ્રી કરાવતા રૂા.10 હજારના ચાર ટ્રાન્ઝેકશન મળી કુલ રૂા.40 હજા2 ઉપડી ગયાનું અને આ બધી રકમ બાજુના એ.ટી.એમ.માંથી ઉપડી ગયાનું જાણવા મળ્યું હતું. હાલ ગાંધીગ્રામ પોલીસે નિતેશભાઈની ફરિયાદ પરથી બંને શખ્સો સામે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથધરી છે.