ભાજપે ૨૮ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી: દસાડામાં રમણભાઈ વોરા, મોરબીમાં કાંતીભાઈ અમૃતિયા, જામનગર દક્ષિણમાં આર.સી.ફળદુ, કેશોદમાં દેવાભાઈ માલમ, બોટાદમાં સૌરભભાઈ પટેલને ટિકિટ: ત્રીજી યાદીમાં પાટીદારો પર ભાજપ ઓળધોળ
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૯ ડિસેમ્બરે યોજાનારી ૮૯ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ત્યારે ભાજપે આજે ૨૮ ઉમેદવારોના નામની ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટ દક્ષિણના વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને રીપીટ કરવામાં આવ્યા છે. જયારે રાજકોટ પૂર્વ બેઠક પર મહાપાલિકાના શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણીને ટિકિટ આપવામાં આવી છે અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર લાખાભાઈ સાગઠીયાને ટિકિટ અપાય છે. ત્રીજી યાદીમાં પાટીદાર સમાજનો દબદબો જોવા મળ્યો છે. તમામ ઉમેદવારો આવતીકાલે પોતાનું નામાંકન પત્ર દાખલ કરશે.
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમીતી દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં અબડાસા બેઠક માટે છબીલભાઈ પટેલ, માંડવી બેઠક માટે વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર બેઠક માટે પંકજભાઈ મહેતા, દસાડા બેઠક માટે વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા, ધ્રાંગધ્રા બેઠક માટે જયરામભાઈ ધનજીભાઈ સોનાગરા, મોરબી બેઠક માટે કાન્તીભાઈ અમૃતિયા, રાજકોટ પૂર્વ બેઠક માટે રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ દક્ષિણ બેઠક માટે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
અનુસુચિત જાતિ માટે અનામત એવી રાજકોટ ગ્રામ્ય બેઠક પર વર્તમાન ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને કાપી નાખવામાં આવ્યા છે. તેઓની સામે સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ હોય તેઓની જગ્યાએ વર્ષ ૨૦૧૨માં ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર અને હવે ભાજપમાં ભળી ગયેલા લાખાભાઈ સાગઠીયાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર સાગઠીયા વર્સીસ સાગઠીયાનો જંગ જામશે. જામનગર દક્ષિણ બેઠક માટે પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ રણછોડભાઈ સી.ફળદુને ટિકિટ આપવામાં આવી છે. વિસાવદર બેઠક માટે કિરીટભાઈ પટેલ, કેશોદ બેઠક માટે દેવાભાઈ માલમ, કોડીનાર બેઠક માટે રામભાઈ વાઢેર, સાવરકુંડલા બેઠક માટે કમલેશભાઈ કાનાણી, તળાજા બેઠક માટે ગૌતમભાઈ ચૌહાણ, ગારીયાધાર બેઠક માટે કેશુભાઈ નાકરાણી, પાલીતાણા બેઠક માટે ભીખાભાઈ બારૈયા, બોટાદ બેઠક માટે પૂર્વ નાણામંત્રી સૌરભભાઈ પટેલ, જંબુસર બેઠક માટે છત્રસિંહ મોરી, ભરૂચ બેઠક માટે દુષ્યંતભાઈ પટેલ, કામરેજ બેઠક માટે વી.ડી.ઝાલાવાડીયા, સુરત ઉતર બેઠક માટે કાંન્તીભાઈ પટેલ, કરંજ બેઠક માટે પ્રવિણભાઈ ઘોઘારી, ઉધાના બેઠક માટે વિવેકભાઈ પટેલ,કતારગામ બેઠક માટે વિનુભાઈ મોરડીયા, ચોર્યાસી બેઠક માટે જંખનાબેન પટેલ, મહુવા બેઠક માટે મોહનભાઈ ડોડીયા અને વ્યારા બેઠક માટે અરવિંદભાઈ ચૌધરીના નામના જાહેરાત આજે ભાજપ દ્વારા ત્રીજી યાદીમાં કરવામાં આવી છે. આ તમામ ઉમેદવારો આવતીકાલે પોતાના ઉમેદવારી ફોર્મ ભરશે.
સ્ટેન્ડિંગ ચેરમેનપદ ગુમાવનાર અરવિંદ રૈયાણીને ધારાસભાની ટિકિટ !
વર્ષ ૨૦૧૫માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ પાતળી બહુમતી સાથે ફરી સત્તા‚ઢ થયું હતું. ત્યારે મહાપાલિકામાં સૌથી મજબૂત મનાતી સ્ટેન્ડિંગ કમીટીની બેઠક માટે વોર્ડ નં.૫ના કોર્પોરેટર અરવિંદભાઈ રૈયાણીનું નામ લગભગ ફાઈનલ માનવામાં આવતું હતું પરંતુ મોવડી મંડળે સ્ટે.કમીટીના ચેરમેન પદે પુષ્કરભાઈ પટેલના નામની જાહેરાત કરી હતી. પક્ષના આ નિર્ણયથી ભારોભાર નારાજ થયેલા અને તે સમયે કડવો ઘુટડો પી જનાર અરવિંદભાઈ રૈયાણીના ત્યાગની ભાજપે સવાઈ કદર કરી હોય તેવું લાગી રહ્યું છે. સ્ટે.ચેરમેનને બદલે શાસક પક્ષના નેતાનો હોદ્દો હસતા મોઢે સંભાળી લેનાર અરવિંદભાઈ રૈયાણીને ભાજપે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાજકોટ પૂર્વ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. ૨૦૧૨માં યોજાયેલી બેઠકમાં રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર કશ્યપભાઈ શુકલની કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ સામે નજીવા અંતરથી હાર થઈ હતી. આ વખતે પાટીદાર અનામત આંદોલન સહિતના ફેકટરને ધ્યાનમાં રાખી ભાજપે રાજકોટની ચાર બેઠકો પૈકી બે બેઠકો પર પાટીદારોને ટિકિટ આપી છે.
રાજકોટમાં બે પાટીદારોને ટિકિટ ભાજપે એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા
સામાન્ય રીતે વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો જાતિ-જ્ઞાતિના ગણીતો માંડી ઉમેદવારોની પસંદગી કરતી હોય છે. છેલ્લા બે વર્ષથી રાજયમાં પાટીદાર સમાજ અનામતની માંગને લઈ ભાજપથી થોડો દૂર ધકેલાયો છે. વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને ફરી પોતાની પડખે કરવા માટે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદીમાં છુટા હાથે પાટીદારોને ટિકિટની ફાળવણી કરી છે. રાજકોટની ચાર બેઠકો પૈકી બે બેઠકો પર પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પૂર્વ બેઠક પર મહાપાલિકાના શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો છેલ્લી ઘડી સુધી જેને રીપીટ કરવામાં નહીં આવે જ તેવું કાર્યકરો માનતા હતા તે વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને રાજકોટ દક્ષિણ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપથી નારાજ પાટીદાર સમાજને ફરી કમળ તરફ આકર્ષવા માટે આજે ઉમેદવારોની ત્રીજી યાદીમાં પક્ષે માસ્ટર સ્ટ્રોક લગાવ્યો હોય તેમ ૨૮ પૈકી ૧૪ બેઠકો પર પાટીદાર સમાજને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નામની જાહેરાત શુક્રવારે કરવામાં આવી હતી. બાકીની ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત ન કરાતા જે નામો ચાલતા હતા તેમાં છેલ્લે ફેરફાર થાય તેવી અટકળો પણ ચાલી રહી હતી. આ અંગે શનિવારે જ ‘અબતક’ દૈનિકે અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો જે સચ્ચોટ સાબીત થયો છે. રાજકોટ પૂર્વ, દક્ષિણ અને ગ્રામ્ય માટે જે નામો ફાઈનલ મનાતા હતા તેની જગ્યાએ પક્ષે અલગ નામોની જ જાહેરાત કરી છે.
છેલ્લી ઘડી સુધી ફાઈનલ મનાતા ધનસુખ ભંડેરી અને કશ્યપ શુકલ કેમ કપાયા ?
રાજકોટ પૂર્વ બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે કશ્યપભાઈ શુકલ અને રાજકોટ દક્ષિણ બેઠક માટે મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનું નામ લગભગ ફાઈનલ જેવું માનવામાં આવતું હતું. જો કે આ બન્નેના નામ છેલ્લી ઘડીએ કેમ કપાયા તે અંગે કાર્યકરોમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યાં છે. વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને રીપીટ કરવામાં ન આવે તેવી પ્રબળ સંભાવના જણાતી હતી. છતાં ભાજપે તેને રીપીટ કર્યા છે અને સામાકાંઠે પણ પાટીદાર ચહેરો જ મેદાનમાં ઉતાર્યો છે. રાજકોટની ચાર બેઠક માટે ભાજપના ઉમેદવારો જાહેર થઈ ચૂકયા છે. જયારે કોંગ્રેસ માત્ર બે જ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કદાવર નેતા મનાતા ધનસુખ ભંડેરી અને કશ્યપ શુકલનું પત્તુ શા માટે કપાયું તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.
અનુસુચિત જાતિ માટે અનામત એવી રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર તરીકે વિશાળ નેટવર્ક ધરાવતા લાખાભાઈ સાગઠીયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં લાખાભાઈ કોંગ્રેસના પ્રતિક પરથી વિધાનસભાની ચૂંટણી લડયા હતા. ગુજરાત પરિવર્તન પાર્ટીના કારણે તેઓએ હારનો સામનો કરવો પડયો હતો અને ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા વિજયી બન્યા હતા. થોડા સમય પહેલા લાખાભાઈ સાગઠીયાએ કોંગ્રેસના પંજાને બાય-બાય કરી કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો. ૨૦૧૫માં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પાટીદાર ફેકટરના વાવાઝોડા અને કોંગ્રેસની આંધી વચ્ચે લાખાભાઈ સાગઠીયા ભાજપના ઉમેદવાર તરીકે લોધીકા તાલુકા પંચાયતમાં પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ થયા હતા. વિશાળ નેટવર્કને ધ્યાનમાં રાખી ભાજપે રાજકોટ ગ્રામ્ય બેઠકના વર્તમાન ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના સ્થાને લાખાભાઈ સાગઠીયાને ટિકિટ આપી છે.