રદ્દ થયેલો કાયદો તેની અમલવારીથી નિષ્ક્રિય ગણાય : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં અદાલતે નોંધ્યું છે કે, જે કાયદો ગેરબંધારણીય જાહેર કરીને રદ્દ કરવામાં આવ્યો હોય તે કાયદા હેઠળ નોંધાયેલા ગુન્હા પણ રદ્દ બાતલ ઠરે છે અને આરોપીનો છુટકારો પણ થઇ શકે છે. સુપ્રીમે આ ચુકાદો દિલ્લી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ,1946 મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે સોમવારે કહ્યું હતું કે, વર્ષ 2014 દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946ની કલમ 6એને ગેરબંધારણીય જાહેર કરી દેવામાં આવ્યો હતો જેનો અર્થ એ છે કે કલમ 6એ જે તારીખે દાખલ કરવામાં આવી હતી તે તારીખથી જ તેની અમલાવરી રદ્દ બાતલ ગણાય. હવે જો અમલવારીથી જ કાયદો રદ્દ ગણાય તો તેની હેઠળ નોંધાયેલા કેસો પણ આપોઆપ રદ્દ બાતલ ઠરે છે.
ડીપીએસઈ એક્ટની કલમ 6એ નિર્ધારિત કરે છે કે એ જોઈન્ટ સેક્રેટરી અને તેનાથી ઉપરના સ્તરના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવા માટે પૂર્વ પરવાનગી મેળવવી આવશ્યક છે. સુબ્રમણ્યમ સ્વામી વિ. યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં 2014ના ચુકાદામાં આ જોગવાઈને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી હતી.
જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એએસ ઓકા, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.કે. મહેશ્વરીની હાલની બંધારણીય બેંચ સમક્ષ આ મુદ્દો 2014ના ચુકાદાની પૂર્વવર્તી અસર અંગેનો હતો.
બેન્ચ વતી મૌખિક રીતે ચુકાદો સંભળાવનારા જસ્ટિસ વિક્રમ નાથે નિષ્કર્ષમાં કહ્યું, ડીએસપીઈ એક્ટની કલમ 6એ પ્રક્રિયાનો માત્ર એક ભાગ છે અને તે કોઈ નવો ગુનો બનતો નથી. બંધારણની કલમ 20(1) કલમ 6એની માન્યતાને લાગુ પડતી નથી.
બંધારણીય ખંડપીઠ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પાછલી અસરથી લાગુ થશે. કલમ 6એ તેના નિવેશની તારીખથી એટલે કે 11મી સપ્ટેમ્બર, 2003 થી અમલમાં છે તેવું માનવામાં આવશે.
નોંધનીય છે કે કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં આ મહત્વપૂર્ણ મુદ્દા પર દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.