એમેઝોન અને માસ્ટર ગાર્ડ દ્વારા ટોન ટેગ પ્રોજેક્ટ લોન્ચ કરાયો
દિન પ્રતિદિન ભારત ડીજીટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે. એકસમયે બાર્ટર પદ્ધતિમાં થતો વ્યવહાર પછી હૂંડી અને ત્યારબાદ રોકડમાં થવા લાગ્યો હતો અને હાલ નાણાકીય વ્યવહાર ડિજિટલી થવા લાગ્યા છે પણ હવે વાહનમાં ઇંધણ પુરાવવા માટે સ્માર્ટફોન, ક્રેડિટ-ડેબિટ કાર્ડ જે સ્માર્ટ વોચની પણ જરૂર નહીં રહે તેવો પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ થઇ ચુક્યો છે. જેની હેઠળ વાહનમાં ઇંધણ પુરાવવા માટે કોઈ જ માધ્યમની જરૂર નહીં રહે. કાર પોતે જ ઇંધણ પુરાવી શકે તેવો પ્રોજેક્ટ ટોનટેગ લોન્ચ કરવામાં આવ્યો છે.
એમેઝોન અને માસ્ટરકાર્ડ સમર્થિત ટોનટેગ લોન્ચ કરવામાં આવ્યો છે. જે ચુકવણી કરવા માટે નવીનતમ મોડ છે. યુપીઆઈને કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે લિંક કરીને આ સેવાનો લાભ લઇ શકાશે. જેના લીશે કારધારક સ્માર્ટફોન વિના ડિજિટલ રીતે ચૂકવણી કરી શકે છે.
ચુકવણીની માહિતી પ્રસારિત કરવા માટે ધ્વનિનો ઉપયોગ કરવામાં નિષ્ણાત પેમેન્ટ કંપનીએ એમજી હેક્ટર અને ભારત પેટ્રોલિયમ સાથે ભાગીદારીમાં આ ટેક્નોલોજીનો પ્રયોગ હાથ ધર્યો હતો.
પેટ્રોલ પંપ પર કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પર ફ્યુઅલ ડિસ્પેન્સર નંબર બતાવવામાં આવે છે અને સાઉન્ડબોક્સ ફ્યુઅલ સ્ટેશન સ્ટાફને ગ્રાહકના આગમનની સૂચના આપે છે. ગ્રાહકો પછી રકમ દાખલ કરે છે – જે સાઉન્ડબોક્સ દ્વારા ઉચ્ચારવામાં આવે છે અને પેમેન્ટ થયાં બાદ ધ્વનિ મારફત પેમેન્ટ થયાનું પણ ઉચ્ચારણ કરવામાં આવે છે.
કંપનીના જણાવ્યા મુજબ અન્ય એપ્લિકેશન્સમાં કારના ફાસ્ટેગને રિચાર્જ કરવાનો સમાવેશ થાય છે, જેમાં બેલેન્સ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે.
અગાઉ ટોન ટેગએ આરબીઆઈના સેન્ડબોક્સ હેઠળ કોઈપણ ફોન દ્વારા ઑફલાઇન વૉઇસ-આધારિત ચુકવણી વિકસાવવા માટેના પડકારનો સફળતાપૂર્વક અમલ કર્યો હતો.