ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્ર બન્યા બાદ આંગડીયા દ્વારા મોરબી બે લાખ મંગાવ્યા એ 25 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યાના સુરતના સોની વેપારીના આક્ષેપથી પોલીસબેડામાં ખળભળાટ
શહેરના ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ હરદેવસિંહ રાયજાદાએ સુરત રાંદેર વિસ્તારના સોની વેપારી સાથે રુા.2.25 લાખની છેતરપિંડી કર્યાના આક્ષેપ સાથે પોલીસ કમિશનર અજય તોમરને કરાયેલી રજૂઆતના પગલે પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્ર બનેલા રાંદેરના સોની વેપારી પુનિત લાલવાણી પાસેથી બે લાખ આગડીયા દ્વારા મોરબી મગાવ્યા હતા અને 25 હજાર ઓન લાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. ફોજદાર રાયજાદાએ થોડા સમય માટે લીધેલી રકમ પરત ન આપી છેતરપિંડી કર્યાની આક્ષેપ કરવામાં આવ્યા છે.
રાંદેરના રામનગર સિન્ધી કોલોનીમાં રહેતો પુનિત લાલવાણી જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. તેઓ છેલ્લાં એક વર્ષથી ઇન્સ્ટા. મારફત રાજકોટ ભક્તિ નગર પોલીસ મથકના સબ ઇન્સપેક્ટર હરદેવસિંહ રાયજાદા સાથે સંપર્કમાં આવ્યા હતા. ગત 10મી ઓગસ્ટે બપોરે આ સબ ઇન્સપેક્ટરે ફોન કરીને આ યુવાનને રમી ઇન્ટરનેશનલ હોટેલમાં આવવા જણાવ્યું હતું. અહીં થોડોક સમય મળી ઘરે ગયેલાં આ યુવાનને ફરીથી સબ ઇન્સપેક્ટર રાયજાદાએ ફોન કર્યો હતો અને પોતાને અર્જન્ટ બે લાખની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. આ નાણાં બીજાં દિવસે પરત આપી દેવાની બાંહેદરી આપી હતી. જોકે તે સમયે પૂરતા રૂપિયા નહિ હોઇ આ વેપારીએ બેન્કમાંથી બે લાખ ઉપાડી પી. એમ. આંગડીયા પેઢી મારફત આ સબ ઇન્સપેક્ટરના કહેવા પ્રમાણે મોરબી આંગડીયું મોકલી આપ્યું હતું.
બીજા દિવસે આ નાણાં પરત આપવાને બદલે રાત્રે ફોન કરી પોતાના બાતમીદારને 25 હજાર રૂપિયા આપવાના છે તેમ કહી એક મોબાઇલ ફોન નંબર આપ્યો હતો અને તેમાં 25 હજારનું ઓનલાઇન પેમેન્ટ કરાવ્યું હતું. જોકે ઓગસ્ટ મહિનામાં આપેલાં આ નાણાં પરત આપવામાં સતત આનાકાની કરતાં આ સબ ઇન્સપેક્ટર નાણાં આપતો નહિ હોઇ આ જ્વેલર્સ પોતાની સાથે છેતરપિંડી થયાના આક્ષેપ સાથે પોલીસ કમિશનર કચેરી તથા રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ સબ ઇન્સપેક્ટર વિરૂદ્ધ ગુનો નોંધવાની માંગણી કરી હતી.
નેટથી બે લાખ ટ્રાન્સફર કર્યાનું ખોટો જ.જ. મોકલ્યો સબ ઇન્સપેક્ટર હરદેવસિંહ રાયજાદાને હું ઇન્સ્ટા ઉપર ફોલો કરતો હતો. તેમની સાથે એક વર્ષથી માત્ર ઇન્સ્ટા ઉપર જ મિત્રતા હતી. રૂબરૂ મળ્યા બાદ બાતમીદારને તથા અંગત જરૂરિયાત માટે નાણાંની જરૂર હોવાનું જણાવતાં મેં તેમને મદદરૂપ થવાની ભાવનાથી આ નાણાં આપ્યા હતા. પરંતુ તેમાંથી તેમણે માત્ર એક જ રૂપિયો ઓનલાઇન પરત કર્યો હતો. એક વખત તો બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાનો ખોટો એસ.એસ. પણ વોટ્સએપથી મોકલ્યો હોવાના પુનિત લાલવાણીએ આક્ષેપ કર્યા છે.