સ્લીપર બસમાં દરેક સીટ પર હથોડી, એકઝીટ પર રેટ્રો-રિફ્લેકટીવ ટેપને ફરજીયાત બનાવાશે
કોઈપણ આકસ્મિક સંજોગોમાં મુસાફરોને ઝડપથી બહાર કાઢવા માટે તમામ નવી સ્લીપર કોચ બસોની તમામ બારીઓ ટફન ગ્લાસના અને તમામ સીટ પર હથોડી હોવી જરૂરી બનાવવાનું વાહન વ્યવહાર મંત્રાલય વિચારી રહ્યું છે. નવા ધારાધોરણો જે આગામી ત્રણ મહિનામાં લાગુ થશે તેમાં એરક્રાફ્ટમાં જેવા તમામ એક્ઝિટ સુધી સીટ અને બર્થમાંથી રેટ્રો-રિફ્લેકટીવ ટેપની ફરજિયાત ઇન્સ્ટોલેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
માર્ગ પરિવહન મંત્રાલયે ધોરણોના પાલન માટે સૂચનાઓ જારી કરી છે અને મહારાષ્ટ્રમાં નાગપુર-મુંબઈ સમૃદ્ધિ મહામાર્ગ પર તાજેતરની બસમાં લાગેલી આગને પગલે 25 લોકો જીવતા ભૂંજાયા હતા. જે બાદ આ સુધારો કરવાની વિચારણા કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આગ જેવી કટોકટીની સ્થિતિમાં મુસાફરોને બચવા માટે થોડો સમય મળે તેને ધ્યાનમાં રાખીને સ્લીપર કોચમાં ફેરફાર કરવામાં આવ્યા છે. દરેક બર્થ પર હથોડીની ઍક્સેસ અને સખત કાચ મુસાફરોને કાચ તોડવા અને આગ કે અન્ય કોઈ અકસ્માતના કિસ્સામાં બહાર આવવા માટે ઝડપી મદદરૂપ બનશે. મોટા ભાગના કિસ્સાઓમાં મુસાફરો ગૂંગળામણને કારણે મૃત્યુ પામે છે. હાલ આ નિર્ણય ફકત સ્લીપર બસ માટે લેવામાં આવ્યો છે પરંતુ આગામી સમયમાં કદાચ આ નિર્ણય તમામ વાહનો માટે ફરજીયાત બનાવવામાં આવે તો સહેજ પણ નવાઈ નથી.