સુરતમાં પાસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટા હાથે મારામારી: પાસે ૬ ટિકિટ માંગી હતી છતાં કોંગ્રેસે ૩ ટિકિટ આપતા ભડકો: ધોરાજીમાં લલિત વસોયા અને જૂનાગઢમાં અમિત ઠુંમરને ઉમેદવારી ફોર્મ ન ભરવા પાસની ચીમકી

પાટીદાર સમાજને અનામત આપવાની માંગણી સાથે છેલ્લા બે વર્ષથી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ગુજરાતમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે આ આંદોલન ચૂંટણીલક્ષી બની ગયું છે અને આંદોલન થકી રાજકીય કારકિર્દી ઘડવાના સપના નિહાળતા પાસના આગેવાનો કોંગ્રેસ તરફ સરકયા છે. કોંગ્રેસે ગઈકાલે પ્રથમ તબકકાના મતદાન માટે ૭૦ ઉમેદવારોના નામની યાદી જાહેર કરતાની સાથે જ પાસ અને કોંગ્રેસ વચ્ચે ઉંડી ખાઈ પડી ગઈ છે. કોંગ્રેસે પાસના નેતાઓને વિશ્ર્વાસમાં લીધા વિના જ ક્ધવીનરોને ટિકિટ ફાળવી દીધા હોવાના આક્ષેપ સાથે પાસના કાર્યકરોએ ગઈકાલે મોડીરાતના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના નિવાસ સ્થાને હંગામો મચાવ્યો હતો.

પાટીદાર અનામત આંદોલન સમિતિએ કોંગ્રેસ પાસે પ્રથમ યાદીમાં ૬ જેટલી ટિકિટ માંગી હતી પરંતુ કોંગ્રેસે પહેલી યાદીમાં બે થી ત્રણ ટિકિટો આપતા પાસ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી પહેલા જ ભડકો થઈ ગયો છે. ગઈકાલે મોડીરાત્રે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહસોલંકીના ઘરે પહોંચેલા પાસના નેતા દિનેશ બાંભણીયાએ કોંગ્રેસને ચીમકી આપતા જણાવ્યું હતું કે, ધોરાજીથી લલિત વસોયા અને જૂનાગઢથી અમિત ઠુંમર જે પાસના નેતા છે તેને કોંગ્રેસે ટિકિટ આપી છે પરંતુ અમને વિશ્ર્વાસમાં લેવામાં આવ્યા નથી અને મનમાની કરી ટિકિટ ફાળવી દેવામાં આવી છે. પાસના આ બંને નેતાઓ જો કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે તો અમે જાહેર કરીએ છીએ કે અમે તેને હરાવીશું. કોંગ્રેસ જો આ ટિકિટ રદ નહીં કરે તો પાસ અન્ય બેઠકો પર પણ કોંગ્રેસને નુકસાન પહોંચાડશે. જયાં સુધી કોંગ્રેસ અને પાસ વચ્ચે સહમતી ન થાય ત્યાં સુધી અમારી જાણની બહાર કોઈ પણ નેતાને ટિકિટ આપવામાં ન આવે તેવું બાંભણીયાએ જણાવ્યું હતું. સાથે-સાથે ઉમેર્યું હતું કે, હવે ભરતસિંહ સોલંકી અમારા ફોન ઉપાડતા નથી અને જયાં સુધી અમારી સાથે બેસી ચર્ચા નહીં કરે ત્યાં સુધી સપોર્ટ અાપવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. પાસના અન્ય એક નેતા અલ્પેશ કથિરીયાએ તો ત્યાં સુધી આક્ષેપ લગાવ્યો હતો કે કોંગ્રેસે બે લુખ્ખાઓને ટિકિટ આપી છે તે કયારેય ચલાવી લેવાશે નહીં. પાસનો ઝઘડો કોંગ્રેસે તેમણે માંગેલી ટિકિટ આપી નથી એ નથી પરંતુ જે વ્યકિત માટે ટિકિટ માંગવામાં આવી હતી તેણે ટિકિટ આપવામાં આવી નથી તે બાબતનો છે.

કોંગ્રેસે ૭૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે જ પાસના કાર્યકરોએ રાજયભરમાં ભારે વિરોધ દર્શાવવાનું શરૂ કરી દીધું હતું. પાસના કાર્યકરોએ ભરતસિંહ સોલંકીના ઘેર હોબાળો મચાવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મોડીરાત સુધી આ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. સવારે પણ કોઈ નિવેડો ન આવતા પાસના આગેવાનો અને કાર્યકરોનું વલણ કોંગ્રેસ વિરોધી હોય તેવું દેખાઈ રહ્યું છે.

ગુજરાતમાં ૨૨ વર્ષના લાંબા અંતરાળ બાદ સતાના સપના નિહાળતી કોંગ્રેસ પાસ અને ઓબીસીના સથવારે ચૂંટણી જીતવા ઈચ્છી રહી છે. પાસના નેતા હાર્દિક પટેલ અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર સાથે હાથ મિલાવ્યા બાદ હાલ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ બાવાના બેય બગડયા હોય તેવી થઈ જવા પામી છે. સતાવાર રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યા બાદ હવે અલ્પેશ ઠાકોરે પેટમાં જઈ પગ પહોળા કરવાની નીતિ અપનાવી લીધી હોય તેમ કોંગ્રેસ હાઈકમાન્ડને વિશ્ર્વાસમાં લીધા વિના જ મન ફાવે તે રીતે અલગ-અલગ બેઠકો માટે પોતે ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. જેના મૂળ કોંગી નેતાઓમાં પણ ભારોભાર નારાજગી વ્યાપી જવા પામી છે તો બીજી તરફ પાસ પણ ઉમેદવારોના નામની જાહેરાત બાદ આડુ ફાટતા કોંગ્રેસની હાલત કફોડી થઈ જવા પામી છે. અનેક બેઠકો પર સંભવિતોના નામ પર કાતર ફેરવી પાસના નેતાઓને ટિકિટની લ્હાણી કરી દેવામાં આવતા કોંગ્રેસના સમર્થકો અને કાર્યકરોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે તો બીજી તરફ એનસીપી અને જેડીયુ સાથેનું ગઠબંધન પણ કોંગ્રેસ માટે સાપે છછુંદર ગળ્યા જેવું બની ગયું છે. હળવદ બેઠક માટે નવા જ નામની જાહેરાત થતા હળવદમાં પણ કાર્યકરોમાં ભારે વિરોધ ફાટી નિકળ્યો છે અને કાર્યકરો રીતસર રસ્તા પર ઉતરી ગયા હતા અને ચકકાજામ કર્યું હતું.

એક તરફ કોંગ્રેસ ગુજરાતમાં બેઠી થવાના પ્રયાસો કરી રહ્યું છે તો બીજીતરફ વિધાનસભાની ગત ચૂંટણીમાં ઉંડે હાલ હારેલા નેતાઓને ફરી ટિકિટ આપવામાં આવતા કાર્યકરોના મન ચકરાલે ચડયા છે. લોકસભાની ચૂંટણીમાં હારેલા ચાર પૂર્વ સાંસદને કોંગ્રેસે આ વખતે વિધાનસભાની ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. પ્રથમ યાદીમાં જે ૭૭ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં માંડવી, અંજાર, ગાંધીધામ, દશાળા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, વાંકાનેર, રાજકોટ પશ્ર્ચિમ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, કાલાવડ, જામનગર ગ્રામ્ય, પોરબંદર, કુતિયાણા, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર, ઉના, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા, તળાજા, ગારીયાધાર અને પાલિતાણા બેઠક માટે નામ જાહેર કરવામાં આવ્યા છે.

મહુવા બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીનું નામ જાહેર કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે વિરોધ ફાટી નિકળ્યો છે. સ્થાનિક કાર્યકરને ઉમેદવાર બનાવવાની માંગણી સાથે કાર્યકરોએ તુષાર ચૌધરીના પૂતળાનું દહન કર્યું હતું. આ રીતે ભાવનગર, સુરત સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો સામે વિરોધ વંટોળ શરૂ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.