રેસકોર્ષ મેદાનમાં મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે સાંજે 4:30 કલાકે ઉદઘાટન: સત્તાવાર રીતે તા.9 સુધી મેળો ધમધમશે, એક દિવસ વધે તેવા એંધાણ
સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટની ધરતી ઉપર મેહુલિયાની અમીધારા સાથે આવેલ પવિત્ર પર્વ કૃષ્ણ જન્માષ્ટમીનો ધબકાર એટલે રાજકોટનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રસરંગ લોકમેળો જેનો શુભારંભ પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાના વરદ્ હસ્તે તા. 05-09-2023ને મંગળવારના રોજ સાંજે 4:30 વાગ્યે રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે કરવામાં આવશે.
રસરંગ લોકમેળો 2023ના ઉદઘાટન સમારોહમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મેયર પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક અને સાંસદ રામભાઈ મોકરીયા, સર્વે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, સુશ્રી ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડીયા, મહેન્દ્રભાઈ પાડલીયા, જીતેન્દ્રભાઈ સોમાણી, દુર્લભજી દેથરીયા વગેરે ઉપસ્થિત રહેશે.
તા. 05 થી 09 સપ્ટેમ્બર, 2023 એમ પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા થઈ રહી છે. જે પૈકી રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 04 પ્લોટ, નાની ચકરડીના 48 પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવ્યા છે. જયારે ખાણીપીણીના 37 સ્ટોલ, યાંત્રિકના 44 પ્લોટ, આઈસ્ક્રીમના 16 પ્લોટ, ફૂટ કોર્ટના 03 પ્લોટ, 01 ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવ્યા છે. લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકમેળામાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે 03 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ., 81 પી.એસ.આઈ., 1067 પોલીસ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત 100 ખાનગી સિક્યોરીટી ગાર્ડ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે 18 વોચટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે રસરંગ લોકમેળાનો રૂ. 4 કરોડનો વીમો પણ લેવામાં આવેલ છે.
ચાર જગ્યાએ જાહેર શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજા માટે જુદી જુદી 17 જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવાની મંજુરી અપાશે. લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદીજુદી સમિતિઓ લોકમેળાના સુચારૂ આયોજન અને અમલીકરણની કામગીરી કરશે. લોકમેળા સમિતિ દ્વારા પ્રાદેશિક માહિતી કચેરીને પ્રદર્શન સ્ટોલ ફાળવાશે, જેમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. 13 જેટલી સંસ્થાઓને સમાજ ઉપયોગી માર્ગદર્શન માટે વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓ તથા નાના કારીગરોને રોજગારી તથા માર્કેટિંગનું પ્લેટફોર્મ પૂરું પાડવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા આર્થીક વિકાસ નિગમ અને ઇન્ડેક્સ્ટ-સી ને સ્ટોલ ફાળવાયા છે.
10 વાગ્યે માઇક અને લાઉડસ્પીકર ઉપર પ્રતિબંધ
આ લોકમેળામાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈન મુજબ 10 વાગ્યાથી માઇક અને લાઉડસ્પીકર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે તમાકુ ખાવા ઉપર તેમજ પ્લાસ્ટિકના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ લોકમેળા સમિતિ દ્વારા જણાવાયું છે.
રાઈડ સંચાલકો ફિટનેસ સર્ટી માટે મોડે મોડે જાગતા કમિટી ધંધે લાગી
રાઈડ સંચાલકો ફિટનેસ સર્ટિફિકેટ માટે મોડે મોડે જાગ્યા છે. તેઓએ મેળાને એક- બેદિવસ અગાઉ જ ફિટનેશ સર્ટી મેળવવા માટે અરજી કરી હોય 8 સભ્યોની કમિટીએ આજે રાતભર કામગીરી કરી ટેસ્ટિંગ હાથ ધરવું પડશે. આ કમિટીમાં પોલીટેક્નિક કોલેજના યાંત્રિક પ્રોફેસર, પોલીસના યાંત્રિક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ તેંજ સિંચાઈ વિભાગના ઇજનેરો સહિતનાનો સમાવેશ થાય છે.