સિધ્ધનાથ, વિશ્વનાથ, ભીડભંજન મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં દર્શનાર્થીઓની ભીડ
’છોટી કાશી’ના ઉપ નામથી નવાજવામાં આવે છે તેવા જામનગર શહેરમાં અનેક નાના મોટા શિવાલયો આવેલા છે, ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના ત્રિજા સોમવારે પણ પ્રત્યેક શિવાલયો માં હર હર મહાદેવનો નાદ ગુંજયો હતો. શહેરના નાના મોટા શિવાલયોમાં વહેલી સવારથી જ ભોળાનાથને રિઝવવા માટે અને દર્શનનો લાભ લેવા માટે શિવભક્તો કતાર બંધ જોડાયા હતા.
જામનગર શહેરમાં આજે શ્રાવણ માસના ત્રિજા સોમવારે પણ ભગવાન ભોળાનાથ ના ચરણોમાં વંદન કરવા માટે અનેક દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
જામનગર શહેરની મધ્યમાં આવેલા ભીડ ભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, ગૌરી શંકર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર સહિતના શહેરના નાના મોટા પ્રત્યેક શિવાલયો માં આજે
રુદ્રાભિષેક- જલાભિષેક- સહિતની પૂજા કરવા માટે શીતળ જળ, દૂધ, બિલિપત્ર, ફૂલ સહિતની પૂજા સામગ્રી સાથે દર્શનાર્થે કતાર બંધ જોડાયા હતા. અને પ્રત્યેક શિવાલયોમાં ભોળાનાથ ના દર્શન નો લાભ લીધો હતો, જેથી આજે પણ તમામ શિવાલયમાં હર હર મહાદેવ નો નાદ ગુંજી ઉઠ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના તમામ મંદિરોના આસપાસના વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી રહી છે,. જ્યારે પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા ના ભાગરૂપે તેમજ કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ એવી રહે, અને ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે પોલીસ – હોમગાર્ડ અને સિક્યુરિટીના જવાનો બંદોબસ્ત માં મૂક્યા છે.