હિમાચલના ડુંડી, લાહૌલ-સ્પીતી અને ઉત્તરાખંડના બદ્રીનાથમાં પણ બરફ વર્ષા થઈ

જમ્મુ-કાશ્મીરના પીર પંજાલમાં જોરદાર બરફ વર્ષા થઈ છે. જેના કારણે પુંછથી શોપિયાંને જોડતા ઐતિહાસિક મુગલ રોડને શુક્રવારથી બંધ કરી દેવામાં આવ્યો છે. આ બાજુ હિમાચલના ડુંડી, લાહૌલ-સ્પીતી અને ઉત્તરાખંડના બદ્રીનાથમાં પણ બરફ વર્ષા થઈ છે. કાશ્મીર અને હિમાચલમાં સતત ચાર દિવસથી બરફ વર્ષા થઈ રહી હોવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.ટ્રાફિક પોલીસના ઓફિસરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, કાશ્મીરના સોનમર્ગ, જોજિલા, મીનમાર્ગ અને દ્રાસમાં શનિવારે ફરીથી બરફ વર્ષા થઈ છે. આ કારણે લદ્દાખને કાશ્મીર સાથે જોડતો હાઇવે શનિવારે પણ બંને તરફથી ટ્રાફિક બંધ છે.ટ્રાફિક ઓફિસરના જણાવ્યા મુજબ, શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર ગાડીઓની અવર-જવર શરૂ કરી દેવામાં આવી છે. આ રોડ પર નાના વાહનો બંને બાજુએથી જ્યારે મોટા વાહનો માત્ર એક તરફથી જ પસાર થઈ શકશે. આ રોડ કાશ્મીર ઘાટીને દેશના બાકીના હિસ્સા સાથે જોડે છે.હિમાચલ પ્રદેશના કુલ્લુ, ચંબા, કિન્નોર અને લાહૌલ સ્પીતિની ઊંચી ટેકરીઓ પર છેલ્લા ૪ દિવસથી થઈ રહેલી બરફ વર્ષાના કારણે દિવસના ટેમ્પરેચરમાં ઘટાડો થયો છે. વાદળ, ધૂમાડા અને ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટીમાં ઘણો ઘટાડો થયો છે. ન્યૂઝ એજન્સી મુજબ, શુક્રવારે અહીંયા સડકો પર એક ફૂટ સુધી બરફના થર જામી ગયા હતા. હવામાન ખાતાના એક ઓફિસરે કહ્યું કે, કેલોન્ગ ડિસ્ટ્રીક્ટ હેડક્વાર્ટરમાં શુક્રવારે સવારે ૩ સેન્ટીમીટર બરફ વર્ષા થઈ છે. લેડી કેલોન્ગ, સેવન સિસ્ટર્સ હિલ્સ, ગૌશાળા હિલ્સ અને બારાલાચામાં મીડિયમ બરફ વર્ષા નોંધાઈ છે. છેલ્લા ૪ દિવસથી અહીં બરફ પડી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.