માનવ ઉપરાંત ચાલુ વર્ષે ૩૦૫ પશુધનના મૃત્યુ પણ વીજ કરન્ટ લાગતા નોંધાયા છે
વીજ કરંટ લાગવાના અને તેના લીધે થતી મૃત્યુના પ્રમાણમાં ગત વર્ષની સરખામણીએ ૧૮% અને ૨૦૧૬ના પ્રમાણમાં ૨૯% જેટલો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ચાલુ વર્ષે વીજ કરંટના લીધે ૧૪૫ વ્યક્તિઓને જીવ ગુમાવવા પડ્યા છે, જ્યારે કે ૩૦૫ પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. આ સમગ્ર મામલે ઊર્જા ક્ષેત્રના નિષ્ણાત કે.કે. બજાજે બે વર્ષના ડેટાનો અભ્યાસ કરીને ગુજરાત વીજ પંચ (જર્ક) સમક્ષ રજૂઆત કરીને તાકીદના પગલાં લેવા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રાજ્યની ચારેય પ્રમુખ સરકારી વીજ કંપનીઓ અને ખાનગી કંપનીઓના ચોમાસાના ત્રણ મહિનાના ગાળાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના આધારે એવું તારણ સામે આવ્યું હતું કે,સરકારી કંપનીઓની બેદરકારીના પરિણામે કુલ ૧૨૫ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે કે ખાનગી કંપનીઓની દુર્ઘટનામાં ૨૦ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. ૨૦૧૫માં સરકારી કંપનીઓમાં વીજ કરંટ લાગવાની ઘટનાઓમાં કુલ ૯૫ અને ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં ૧૦૭ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા હતા. જેમાં ૧૮% જેટલો વધારો ચાલુ વર્ષે નોંધાયો છે. એવી જ રીતે ખાનગી કંપનીની ઘટનામાં વર્ષ ૨૦૧૫માં ૧૬, ૨૦૧૬માં ૧૬ અને ચાલુ વર્ષ ૨૦ વ્યક્તિઓ મૃત્યુ પામી છે. આ દુર્ઘટનાઓ વરસાદના જુલાઇથી સપ્ટેમ્બર માસ સુધીમાં નોંધવામાં આવી છે.
આ સમગ્ર અભ્યાસમાં કે.કે.બજાજે જણાવ્યું છે કે,સેફ્ટી એડવાઇઝરી કમિટીના સભ્ય તરીકે છેલ્લા ૧૦ વર્ષોથી અમે આ મુદ્દો ઉપાડી રહ્યા છીએ. પરંતુ સરકારી વીજ કંપનીઓ દ્વારા કોઇ મજબૂત પગલાં લેવામાં આવ્યા નથી. એટલું જ નહીં, ટેરિફ પરની સુનાવણી દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોવા છતાંય કોઇ હકારાત્મક પરિણામો સામે આવ્યા નથી. જ્યાં સુધી અમારી જાણકારી છે આ દુર્ઘટનાઓ માટે ગુજરાતના ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર મોનિટરિંગ અધિકારી છે અને ક્યાંકને ક્યાંક તેમની જવાબદારી બને છે.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું છે કે,સરકારી વીજ કંપનીઓ કૃષિ ક્ષેત્રને વીજળીની ફાળવણી કરવા માટે ખુલ્લા મેદાનોમાં ટ્રાન્સફોર્મર્સ લગાવે છે. વરસાદમાં ટ્રાન્સફોર્મર્સની ફરતે ઘાસ ઊગી નીકળે છે અને જ્યારે તેને પશુઓ ખાય છે તો તેમને વીજ કરંટ લાગતા તેમના મોત થાય છે. ગાય, બકરી કે ભેંસ માટે ૨૫ વોટ્સનું કરંટ પણ તેમના મોતનું કારણ બની રહે છે. તેથી અમે અવારનવાર યોગ્ય અર્થિંગની વ્યવસ્થા ગોઠવવાની રજૂઆત પણ કરી છે.