પોલીસે એક શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી, ડીવાયએસપી ઘટના સ્થળે, સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો

સાળંગપુરમાં એક વ્યક્તિએ વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર લગાવ્યા બાદ કેટલાક ચિત્રોને ખંડિત કર્યા છે. જો કે પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા આ શખ્સની પૂછપરછ કરાઈ છે. હાલ પોલીસે બેરિકેટ લગાવીને વિસ્તારને કોર્ડન કર્યો છે. તો ઘટનાની જાણ થતા ડીવાયએસપી મંદિરે પહોંચ્યા છે. પ્રાથમિક તપાસમાં ચારણકી ગામના હર્ષદ ગઢવીએ કલર લગાવ્યા હોવાનો આરોપ છે.

સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજી સહજાનંદ સ્વામીની સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં નજરે પડી રહ્યા છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નિલકંઠવર્ણી એક આસન પર બેઠેલા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે બે હાથ જોડીને નિલકંઠવર્ણીને નમસ્કાર કરતા હોય તેવું દર્શાવાયું છે. આ ચિત્રો પરથી જ સોશિયલ મીડિયામાં અનેક લોકોએ સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા હોવાનો દાવો કરી આક્રોશ વ્યક્ત કરાયો છે. ભક્તોની લાગણી દુભાઈ હોવાનો પણ આરોપ લગાવાયો છે. આ પ્રકારના ભીંતચિત્રો બનાવવા પાછળનો શું ઉદ્દેશ્ય છે તેવા પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ પહેલા નૌતમ સ્વામીએ આ વિવાદિત ભીંતચિત્રો પર કહ્યું હતું કે આખો સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આનાં સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયનાં કોઈ વ્યક્તિએ જરૂર નથી. આ ઉપરાંત વધુમાં તેણે કહ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે જે લોકો નથી માનતા એ લોકોને આનાથી તકલીફ થઈ રહી છે

સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.