શહેરના અલગ-અલગ વોર્ડમાં ડીઆઇ પાઇપલાઇનના નેટવર્ક માટે રૂ.49.30 કરોડ, ડ્રેનેજ નેટવર્ક માટે રૂ.33.36 કરોડ અને બિલ્ડીંગ બનાવવા માટે રૂ.7.25 કરોડનો ખર્ચ મંજૂર
રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.104 કરોડના વિકાસકામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ચેરમેન તરીકેના કાર્યકાળની પોતાની અંતિમ સ્ટેન્ડિંગ બેઠકમાં પુષ્કરભાઇ મન મૂકીને વરસ્યા હતા. સંકલન બેઠકમાં ભાજપના કોર્પોરેટરોનો અઢી વર્ષ સુધી સાથ-સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથોસાથ કોઇ ભૂલ થઇ હોય તો માફી પણ માંગી હતી. 76 દરખાસ્તો પૈકી 15 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી. જ્યારે બે અરર્જન્ટ બિઝનેશ દરખાસ્તને પણ મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
આગામી 12મી સપ્ટેમ્બરના રોજ કોર્પોરેશનના વર્તમાન પદાધિકારીઓની અઢી વર્ષની મુદ્ત પૂર્ણ થઇ રહી છે ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠકમાં ચેરમેન પુષ્કરભાઇ પટેલે શહેરના વધુ વિકાસ માટે એક સુદ્રઢ રોડ મેપ તૈયાર કરી દીધો હતો. અલગ-અલગ વિકાસકામો માટે રૂ.104 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. વોર્ડ નં.4માં બાકી રહેતા વિસ્તારોમાં અમૃત-2 હેઠળ ડીઆઇ પાઇપલાઇનના નેટવર્ક માટે રૂ.1.12 કરોડ, વોર્ડ નં.4માં જ હરસિધ્ધિ, રિધ્ધિ-સિધ્ધી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડીઆઇ પાઇપલાઇનના નેટવર્ક માટે રૂ.1.27 કરોડ, વોર્ડ નં.16માં ખોખળ દળ નદીથી કોઠારિયા રોડ દેવપરા મેઇન રોડના કોર્નર સુધીના વિસ્તારમાં 50 મીમી ડાયા મીટરની પાઇપલાઇન નાંખવા રૂ.3 કરોડ, વોર્ડ નં.4માં અલગ-અલગ વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક માટે રૂ.85 લાખ, વોર્ડ નં.18માં ખોડલધામ સોસાયટી તથા આસપાસના વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇન માટે રૂ.1.83 કરોડ અને વોર્ડની બાઉન્ડ્રી ુસુધી બાકી રહેતા વિસ્તારોમાં 400 મીમીની ડાયા પાઇપલાઇન નાંખવા રૂ.2.83 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. વોર્ડ નં.13માં ગુરૂકુળ હેડવર્ક્સ હેઠળ આવતા ગોંડલ રોડ સાઇટના બાકીના રહેતા વિસ્તારમાં હાઉસ કનેક્શન સાથે ડીઆઇ પાઇપલાઇન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે રૂ.38.38 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
76 પૈકી ભરતી-બઢતીના નિયમો નક્કી કરવા અને લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ અંતર્ગત કપાતનું વળતર ચુકવવાની દરખાસ્તો પેન્ડિંગ: બે અરજન્ટ બિઝનેશ દરખાસ્તની પણ મંજૂરીની મહોર
આ ઉપરાંત ડ્રેનેજના કામો માટે પણ રૂ.33.36 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. જેમાં વોર્ડ નં.9માં મુંજકા વિસ્તારમાં સુએરજ નેટવર્ક માટે રૂ.33 કરોડથી પણ વધુનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. રસ્તાકામ માટે રૂ.8.30 કરોડ, સ્ટ્રોમ વોટર ડ્રેઇનના કામો માટે રૂ.2.35 કરોડ, ઝૂ અને એનીમેલ હોસ્ટેલના કામો માટે 2.14 કરોડ, નવા બિલ્ડીંગ બાંધવા માટે રૂ.7.25 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. મોટા મવા રોડને પહોળો કરવા માટે કપાતમાં જતી મિલકતધારકોને વળતર ચૂકવવાની દરખાસ્ત વધુ એક વખત પેન્ડિંગ રાખવામાં આવી છે અને સમિતિની રચના કરાઇ છે. આ ઉપરાંત કોર્પોરેશનની અલગ-અલગ શાખાઓમાં ભરતી અને બઢતીના નિયમો નક્કી કરવાની અને અલગ-અલગ જગ્યાઓ ઉભી કરવાની 14 જેટલી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે.
કાલાવડ રોડ પહોળો કરવા કપાતના અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની દરખાસ્ત પેન્ડિંગ: કમિટીની રચના
રાજકોટ શહેરની હદમાં સમાવિષ્ટ મોટા મવા ગામતળથી શરૂ કરી મહાપાલિકાની હદ સુધીના હયાત 30 મીટર રોડને પહોળો કરી 45 મીટર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કપાતમાં જતી મિલકતો માટે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી છે. જેમાં 67 મિલકતધારકોને કપાતમાં જતી જમીનના બદલવામાં વળતર ચૂકવવાની દરખાસ્ત ફરી એક વખત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પેન્ડિંગ રાખવામાં આવી છે. સાથોસાથ કમિટીની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ તરીકે વર્તમાન મેયર ડો.પ્રદિપ ડવ રહેશે. જ્યારે સભ્ય તરીકે મનિષ રાડીયા, અશ્ર્વિન પાંભર અને નિરૂભા વાઘેલાની નિયુક્તી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરતી-બઢતીના નિયમો નક્કી કરવાની દરખાસ્ત પણ પેન્ડિંગ રાખવામાં આવી છે. ગત સ્ટેન્ડિંગમાં આ માટે પણ એક કમિટીની રચના કરાઇ છે. જે હજુ સુધી પોતાનો રિપોર્ટ આપી શકી નથી.
સેક્રેટરીનો ચાર્જ સમીર ધડુકને સોંપાયો ડેપ્યૂટી સેક્રેટરી તરીકે ધવલ જેસડીયાની નિયુક્તી
કોર્પોરેશનના સેક્રેટરી હરીશ રૂપારેલીયાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર તરીકે નિયુક્તી થઇ છે. હાલ તેઓ લીયન પર છે. દરમિયાન આજે કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઇન્ચાર્જ સેક્રેટરી તરીકે આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનર સમીર ધડુકની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યૂટી સેક્રેટરી તરીકે વોર્ડ નં.2ના વોર્ડ ઓફિસર ધવલ જેસડીયાને ચાર્જ આપવામાં આવ્યો છે. વિપુલ ઘોણીયા હવે મેયરના પી.એ. તરીકે ફરજ બજાવશે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પી.એ. તરીકે હિમાંશુ મોલીયાની નિયુક્તી કરવામાં આવી છે.
શહેરમાં વધુ 100 ઇલેક્ટ્રીક બસ દોડશે
રાજકોટના રાજમાર્ગો પર 150 ઇલેક્ટ્રીક બસ દોડાવવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હાલ શહેરમાં 27 ઇલેક્ટ્રીક બસ દોડી રહી છે. આગામી સોમવારે વધુ 22 ઇલેક્ટ્રીક બસને મુખ્યમંત્રી દ્વારા લીલીઝંડી આપવામાં આવશે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે રાજકોટને વધુ 100 ઇલેક્ટ્રીક બસની ફાળવણી કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઇલેક્ટ્રીક બસ માટે સરકાર દ્વારા પ્રતિ કિલોમીટર રૂ.22ની સહાય ચૂકવવામાં આવે છે. દરમિયાન વધારાનો ખર્ચ થશે તો તે ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે તેવી દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હવે આ દરખાસ્ત રાજ્ય સરકાર સમક્ષ મોકલવામાં આવશે. રાજ્ય સરકાર કેન્દ્રમાં આ દરખાસ્તને મોકલશે ત્યારબાદ રાજકોટને વધુ 100 ઇલેક્ટ્રીક બસ ફાળવવા અંગે નિર્ણય લેવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે સંભવત: લોકસભાની આગામી ચૂંટણી પહેલા કેન્દ્ર દ્વારા રાજકોટને આ બસની ફાળવણી કરી દેવામાં આવશે.
ઇન્ડોર સ્ટેડિયમમાં લીકેજની સમસ્યા બનશે ભૂતકાળ
શહેરના રેસકોર્ષ સંકુલમાં આવેલા વિર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણી લીકેજ થતું હોવાની સમસ્યા સર્જાઇ છે. જેના કાયમી નિરાકરણ માટે સેલ્ફ સર્પોટેડ રૂફ ફિટીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 43 મીટર વિસ્તારમાં આ કામ માટે રૂ.69.50 લાખના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. દરમિયાન આ કામ 8.88 ટકાની ઓન સાથે પાંભર દર્શન કાંતિલાલ નામના કોન્ટ્રાક્ટરે કરી આપવાની તૈયારી દર્શાવી હતી. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઇન્ડોર સ્ટેડિયમમાં સેલ્ફ સર્પોટેડ રૂફ ફિટીંગ કરવા માટે રૂ.75.67 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.