રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યા બમણી થઈ
શેરબજાર સાથે ગુજરાતીઓનો જૂનો સબંધ છે. હાલના સમયમાં પણ ગુજરાતીઓ માર્કેટમાં વધુ રસ લેવા લાગ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં શેરબજારમાં સક્રિય ગુજરાતીઓની સંખ્યા બમણી થઈને 31 લાખ થઈ ગઈ છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં સક્રિય ઈક્વિટી રોકાણકારોની સંખ્યા નાણાકીય વર્ષ 2023 માં બમણી થઈને 31 લાખ થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2020માં રાજ્યમાં માત્ર 15 લાખ સક્રિય રોકાણકારો હતા. વાસ્તવમાં, જ્યારે નિયમિત ટ્રેડિંગની વાત આવે છે ત્યારે રાજ્યના રોકાણકારો ભારતભરના રોકાણકારો કરતાં આગળ નીકળી ગયા છે. સમગ્ર ભારતમાંમાં વર્ષ 2023માં ઓછામાં ઓછા એક વખત વેપાર કરતા 36% રોકાણકારો સામે ગુજરાતમાં આવા 45% રોકાણકારો છે. ગુજરાતના રોકાણકારોને તેમના ઇક્વિટી ટ્રેડિંગમાં સક્રિય રહેવા માટે પ્રેરિત કરવાના મુખ્ય કારણોમાં સારી જાગૃતિ, ઉચ્ચ વળતર, નાણાં બચાવવાનું વધતું વલણ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઍક્સેસની સરળતા એ મુખ્ય કારણો છે.
આ અંગે સ્પષ્ટતા કરતાં, સ્ટોક બ્રોકિંગ ફર્મના ડિરેક્ટર વૈભવ શાહે જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળા પછી બજારોએ નવા વિક્રમી ઊંચાઈને સ્પર્શતા સૂચકાંકો સાથે સારો દેખાવ કર્યો છે. ઊંચા વળતર અને વધતી જાગૃતતાથી વધુ યુવા રોકાણકારોએ બજારમાં આગળ વધવાનું શરૂ કર્યું. માર્ચ 2020થી ડિમેટ એકાઉન્ટની સંખ્યામાં પણ જબરો ઉછાળો નોંધાયો છે.ઈન્વેસ્ટમેન્ટ ક્ધસલ્ટન્ટ્સે એમ પણ જણાવ્યું હતું કે મોબાઈલ એપ્સ અને વેબસાઈટ્સ દ્વારા એક્સેસની સરળતાને કારણે સંખ્યાબંધ છૂટક રોકાણકારોએ બજાર અને ટ્રેડિંગને સમજવાનું શરૂ કર્યું છે, જેના કારણે સક્રિય રોકાણકારોની સંખ્યામાં વધારો થયો છે.
એનએસઇ ડેટા દર્શાવે છે કે 7.25 કરોડ નોંધાયેલા પાન એકાઉન્ટમાંથી, 36% એટલે કે 2.62 કરોડ લોકોએ નાણાકીય વર્ષ 2023 શેરબજારમાં ટ્રેડિંગ કર્યું હતું. જ્યારે ગુજરાતમાં 69 લાખ રજિસ્ટર્ડ પાન એકાઉન્ટ્સ છે. જેમાં છેલ્લા નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા એક વખત ટ્રેડ કર્યા હોય તેવા 45 ટકા એટલે કે 31 લાખ લોકો છે.સ્ટોક બ્રોકિંગ ફર્મના ડિરેક્ટર ગુંજન ચોક્સીએ જણાવ્યું હતું કે, સક્રિય વેપારીઓની સંખ્યામાં સતત વધારો એ માત્ર ગુજરાતની ગતિશીલ નાણાકીય ઇકોસિસ્ટમ અને વધતી જતી નાણાકીય સાક્ષરતા દર્શાવે છે. મજબૂત રોકાણકાર આધાર સાથે, રાજ્યએ પહેલેથી જ પોતાની જાતને સ્થાપિત કરી છે. એનએસઇ એક્સચેન્જ પર એકંદર ટ્રેડિંગ વોલ્યુમમાં મુખ્ય ફાળો આપ્યો છે.