શાળા નં.34માં બાંધેલા ઢોર પકડવાની કામગીરી હાથ ધરાતા મહિલાઓનું ટોળું એકત્રિત થઇ ગયુ: પોલીસ બોલાવવાની ફરજ પડી
રાજકોટમાં રખડતા-ભટકતા ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન સતત વધાી રહ્યો છે. ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે માથાકૂટ રોજીંદી બની જવા પામી છે. દરમિયાન આજે સવારે શહેરના વાણીયાવાડી વિસ્તારમાં ગીતા નગર શેરી નં.2/8માં શાળામાં નં.34ના ગ્રાઉન્ડમાં બાંધેલા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવતા જબ્બરી માથાકૂટ સર્જાઇ હતી. મહિલાઓએ હંગામો મચાવતા તાત્કાલીક મહિલા પોલીસની બોલાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ ત્રણ ભેંસને પકડી લેવામાં આવી હતી. જ્યારે દબાણ હટાવ શાખા દ્વારા અન્ય ચીજવસ્તુઓ કબ્જે લેવામાં આવી છે.
કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શહેરના વાણીયાવાડી વિસ્તારમાં ગાયત્રી નગર શેરી નં.2/8માં ભીમનાથ મહાદેવની બાજુમાં આવેલી શાળા નં.34 છેલ્લા ઘણા સમયથી બંધ હોય આ અવાવરૂં જગ્યાને માલધારીઓએ ઢોર ડબ્બો બનાવી દીધો હતો. અહિં કાયમી ધોરણે 40થી 50 જેટલા ઢોર બાંધવામાં આવતા હોવાની ફરિયાદ મળતા આજે સવારે કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી, જગ્યા રોકાણ શાખા, શિક્ષણ સમિતિના અધિકારીઓ અને વિજીલન્સ શાખાના કર્મચારીઓ ત્રાટક્યા હતા. શાળાના ગ્રાઉન્ડમાં બાંધેલા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવે તે પૂર્વે મહિલાઓનું એક મોટું ટોળું એકત્રિત થઇ ગયું હતું અને ઢોર પકડ પાર્ટીના સ્ટાફ સાથે માથાકૂટ કરવા લાગ્યું હતું. દરમિયાન 40 થી વધુ ઢોરને સગેવગે કરી દેવામાં આવ્યા હતા. મામલો વધુ ઉગ્ર બનતા તાત્કાલીક અસરથી વિજીલન્સની મહિલા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. અત્યંત બબાલ બાદ ત્રણ ભેંસને ઉપાડી લેવામાં આવી હતી. જ્યારે દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા માલધારીઓનું પરચુરણ સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
ઢોર પકડ પાર્ટીની કામગીરીમાં માલધારીઓ સતત વિક્ષેપ ઉભો કરે છે. છતાંય જૂજ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે.
જૂની શાળા નં.-34માંથી ઢોર વાડો હટાવાયો
ઢોર પકડ પાર્ટી દ્રારા 10 દિવસમાં રસ્તે રખડતા 200 પશુઓને પકડી લેવાયાં
રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે.છેલ્લા 10 દિવસ દરમ્યાન રાજકોટ શહેરના સીલ્વર ગોલ્ડ રેસીડેન્સી રોડ, સોરઠીયાવાડી સર્કલ રોડ, કુબલીયાપરા, કોઠારીયા કોલોની, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ, ગોકુલધામ ગેઈટ પાસે, આંબેડકર નગર, ગંજીવાડા મેઈન રોડ તથા આજુબાજુમાંથી 14 પશુઓ, મોરબી રોડ, સેટેલાઈટ ચોક, જય જવાન જય કિશાન સોસાયટી, લાલપરી, નવાગામ, છપ્પનીયા ક્વાર્ટર, અર્જુન પાર્ક પાછળ, મેલડી માં ના મંદિર પાસે, ક્રિષ્ના પાર્ક, નરસિંહનગર, કુવાડવા ચોકડી, હુડકો ક્વાર્ટર, બેડીપરા ચોરો, સંતકબીર રોડ, પ્રદ્યુમન પાર્ક, આજીડેમ સર્વિસ રોડ તથા આજુબાજુમાંથી 26 પશુઓ, મુંજકા ગામ, રૈયાગામ, ગોપાલ ચોક, નટરાજ નગર, રૈયાધાર, ડાંગર કોલેજ, વર્ધમાન નગર, કણકોટ રોડ, આલાપ ગ્રીનસીટી પાછળ, કૈલાશધારા પાર્ક તથા આજુબાજુમાંથી 15 પશુઓ, મારૂતિ સુઝુકી શોરૂમ પાસે, કટારીયા ચોકડી, પુનિતનગર, 80 ફૂટ રોડ, ન્યુ 150 ફૂટ રીંગ રોડ, મવડી એનિમલ હોસ્ટેલ આગળ તથા આજુબાજુમાંથી 10 પશુઓ, કોઠારીયા સોલવન્ટ, વ્રુંદાવન સોસાયટી, શીતળાધાર, હરીદ્વાર સોસાયટી, ગુલાબનગર, કોઠારીયા સ્વાતિ, સોમનાથ સોસાયટી, રામનાથ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તથા આજુબાજુમાંથી 23 પશુઓ, સરદાર હોસ્પિટલ દેવપરા, પલંગ ચોક, એસ.કે.ચોક મેઈન રોડ, ગાંધીગ્રામ, અક્ષરનગર આરએમસી પ્લોટ, પચ્ચીસ વારીયા, ચીથરીયા પીર દરગાહની પાછળનો વિસ્તાર તથા આજુબાજુમાંથી 17 પશુઓ, આર્યનગર, મૈસુર ભગત ચોક, હનુમાન મઢી, ભારતી નગર, રામનાથપરા ગરૂડ ગરબી ચોક, શીવનગર મેઈન રોડ, છપ્પન ન્યુ શક્તિ સોસાયટી, આર.ટી.ઓ. પાછળ તથા આજુબાજુમાંથી 15 પશુઓ, શિવમ સોસાયટી, લાતીપ્લોટ, જયનાથ પેટ્રોલ પંપ પાસે, બંસીધર પાર્ક, શાંતિનગરના ગેઈટ પાસે, રવિરત્ન પાર્ક તથા આજુબાજુમાંથી 14 પશુઓ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 200 પશુઓ પકડવામાં આવેલ છે.
તદુપરાંત આજરોજ રાજકોટનાં ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ જુની શાળાનં.-34ની અંદર સ્થાનિક પશુપાલકો પશુઓ રાખતા હોય, ત્યાં જોવા મળેલ 2 ભેંસ અને 1 પાડી પકડી અને દબાણ હટાવ શાખા દ્વારા કેબીન અને કાઉન્ટર જપ્ત કરી જુની શાળા નં.-34ની જગ્યા ખાલી કરાવેલ છે.