પાલિકા-પંચાયતના પદાધિકારીઓ પસંદ કરવા કાલથી ભાજપ દ્વારા સેન્સ લેવાશે
રાજયની છ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના વર્તમાન પદાધિકારીઓની મુદત આવતા મહિને પૂર્ણ થઇ રહી છે. સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પ્રથમવાર પાલિક અને પંંચાયતના પદાધિકારીઓની પસંદગી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ દ્વારા અલગ અલગ મહાનગર અને જિલ્લા માટે ત્રણ-ત્રણ નિરીક્ષકોની નિયુકિત કરવામાં આવી છે. દરમિયાન આવતીકાલથી સતત ચાર દિવસ નીરીક્ષકો રુબરુ જિલ્લા અને મહાનગરોમાં જઇ દાવેદારોને સાંભળશે. આ વખતે સેન્સ પ્રક્રિયા માત્ર નામ પુરતી નહી રહે. નિરીક્ષકો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કરી ભાજપ હાઇકમાન્ડ સમક્ષ રજુ કરશે. જેના આધારે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લોકસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી જ્ઞાતિ-જાતિના સમિકરણોના સોગઠા ગોઠવીને પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાતમ-આઠમના તહેવારો પૂર્ણ થતાંની સાથે જ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં નામો નકકી કરવામાં આવશે.
માત્ર દાવેદારો જ સંભળાશે એવું નહીં: પક્ષના જૂના જોગીઓ, પૂર્વ પ્રમુખ, મોરચાના હોદેદારો અને તમામ કોર્પોરેટરોની વાતને ઘ્યાનમાં લેવાશે
ભાજપ દ્વારા સ્થાનીક સ્વરાજયની ચુંટણી, લોકસભાની ચુંટણી અને વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવારો નકકી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. દરમિયાન વિધાનસભાની ચુંટણીના રેકોર્ડ બ્રેક પરિણામ બાદ ભાજપમાં ખટપટ વધી જવા પામી છે. વિવાદો સમવાનું નામ લેતા નથી. આવામાં લોકસભાની ચુંટણીના પરિણામો પર આ વિવાદો કોઇ પ્રકારની અસર ન કરે તે માટે ભાજપ દ્વારા પ્રથમ વાર એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદેદારોની નિયુુકિત કરતા પૂર્વ પ્રદેશ નીરીક્ષકોને જે તે મહાનગરો અને જિલ્લામાં મોકલી દાવેદારોની સેન્સ લેવામાં આવશે આ માટે ત્રણ ત્રણ નીરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે જેમાં એક મહિલા આગેવાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આવતીકાલથી સતત ચાર દિવસ સુધી નીરીક્ષકો જે તે મહાનગર અને જિલ્લામાં જઇ દાવેદારોને સંભાળશે.
આ વખતે સેન્સ પ્રક્રિયા માત્ર નામ પુરતી નહી રહે, નીરીક્ષકોએ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રજુ કરવાનો રહેશે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકા માટે સેન્સની એક અલગ જ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં નીરીક્ષકો મહાપાલિકામાં પાંચ પૈકી મહત્વ પૂર્ણ ગણ હોદાઓ મેયર, ડે.મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદ માટે જયારે જિલ્લા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન પદે માટે દાવેદારોને સાંભાવશે.
કાલથી ચાર દિવસ પ્રદેશ નિરીક્ષકો તમામ મહાનગરો અને જિલ્લામાં રૂબરૂ જઇ દાવેદારોને સાંભળશે: સાતમ અને આઠમના તહેવાર બાદ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટી બોર્ડની બેઠક
ત્યારબાદ નિરિક્ષકો સ્થાનીક એવા નેતાઓ કે જે પ્રદેશ ભાજપના હોદેદારો છે તેનો ઉપરાંત સ્થાનીક સંગઠનના પદાધિકારીઓ, અલગ અલગ મોરચાના પ્રમુખ, વિધાનસભાની ગત ચુંટણીમાં ભાજપના પ્રતિક પરથી ચુંટણી લડેલા નેતાઓ, ચુંટાયેલા કોર્પોરેટરો, ચારથી પાંચ સીનીયર કાર્યકર્તાઓ ઉપરાંત મહાનગર અને જિલ્લાના તત્કાલીન પ્રમુખને સાંભળશે અને હવે પછી કોને હોદાદાર બનાવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી મેળવશે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવશે. નીરીક્ષકો દ્વારા અપાયેલા રિપોર્ટના આધારે પાર્લામેન્ટરી બોર્ડમાં તમામ મહાનગર અને જિલ્લામાં લોકસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી જ્ઞાતિ-જાતિના સમિકરણોના આધારે પદાધિકારીઓની નિયુકતી ખુબજ મહત્વ પૂર્ણ બની રહેશે.
સાતમ-આઠમના તહેવાર પૂર્ણ થતાની સાથે જ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવવામાં આવશે બે તબકકે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં પ્રથમ તબકકાની બેઠકમાં મહાનગરપાલિકા માટે પદાધિકારીઓની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે. જયારે બીજા તબકકામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગર પાલિકાના પદાધિકારીઓ માટે પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તમામ નામોની જાહેરાત બોર્ડ બેઠકમાં એકાદ કલાક અગાઉ જ કરવામાં આવશે.