દરરોજ દોઢ લાખ ઘરો સુધી પહોંચવાનો લક્ષ્યાંક, ત્રણ વર્ષમાં 20 કરોડ ઘરો એર ફાઇબર સેવાનો લાભ લેતા થઈ જશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ તેની 46મી વાર્ષિક સામાન્ય સભા યોજી હતી. જેમાં જીઓ વપરાશકર્તાઓ ઘણા મહિનાઓથી જેની રાહ જોઈ રહ્યા હતા તે જિયો એર ફાઇબરની સેવાને ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. તેવી જાહેરાત મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવી હતી.
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે જીઓ એર ફાયબર 5 જી નેટવર્ક અને શ્રેષ્ઠ વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તે ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે. જીઓ ફાયબર સાથે, અમે દરરોજ 1.5 લાખ કનેક્શન સાથે આ વિસ્તરણને સુપરચાર્જ કરી શકીએ છીએ. જીઓનું ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર ભારતમાં 15 લાખ કિલોમીટરમાં ફેલાયેલું છે. સરેરાશ, વપરાશકર્તાઓ ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ કરીને દર મહિને 280 જીબી કરતાં વધુ ડેટાનો ઉપયોગ કરે છે. આ માથાદીઠ મોબાઈલ ડેટા વપરાશ કરતાં 10 ગણો વધુ છે. અંબાણીના જણાવ્યા મુજબ, આગામી ત્રણ વર્ષમાં એડ્રેસેબલ માર્કેટને 20 કરોડથી વધુ ઘરો સુધી વિસ્તૃત કરાશે.
મુકેશ અંબાણી 5 વર્ષ ચેરમેન તરીકે યથાવત રહેશે: ઈશા, આકાશ, અનંતને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાવાયા
એજીએમમાં જાહેરાત કરવામાં આવી હતી કે રિલાયન્સના ચેરમેન પદે મુકેશ અંબાણી આગામી 5 વર્ષ સુધી યથાવત રહેશે. નીતા અંબાણીએ બોર્ડ ઓફ ડિરેક્ટરના પદેથી રાજીનામું આપી દીધું છે. જે બોર્ડે સ્વીકારી લીધું છે, સાથે જ રિલાયન્સનું સુકાન નવી પેઢીને સોંપવામાં આવ્યું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ
ડિરેક્ટર તરીકે નિમણૂક મંજૂરી આપી છેઆકાશ અને ઈશાએ જિયો અને રિટેલમાં નેતૃત્વની ભૂમિકા ભજવી છે. તેઓ શરૂઆતથી જ રિલાયન્સના ક્ધઝ્યુમર બિઝનેસ સાથે સંકળાયેલાં છે. તેમણે કહ્યું હતું કે અનંત પણ નવી ઊર્જા વ્યવસાયમાં જોડાયો છે અને તે મોટા ભાગનો સમય જામનગરમાં વિતાવે છે.
ત્રણ વર્ષમાં રિલાયન્સ રિટેઇલનું મૂલ્ય બમણું થઈ ગયું
મુકેશ અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે રિટેલ બિઝનેશ આગામી દિવસોમાં સૌથી ઝડપથી વિકસતો સેગમેન્ટ હશે . રિલાયન્સે છેલ્લા બે વર્ષમાં રિટેલ બિઝનેસના વિસ્તરણ માટે 10 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.રિલાયન્સ રિટેલમાં સોવરિન વેલ્થ ફંડ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા તાજેતરના રોકાણના આધારે, બિઝનેસનું મૂલ્યાંકન રૂ. 8.28 લાખ કરોડને સ્પર્શ્યું છે. સપ્ટેમ્બર 2020 માં મૂલ્યાંકન રૂ. 4.28 લાખ કરોડ હતું, એમ તેમણે જણાવ્યું હતું. ત્રણ વર્ષથી ઓછા સમયમાં, રિટેલનું મૂલ્યાંકન લગભગ બમણું થઈ ગયું છે.
દર મહિને જીઓનો અધધધ 1100 કરોડ જીબી ડેટા વપરાય છે
હવે જાણે દેશને જીઓની આદત પડી ગઈ હોય તેમ જીઓ વગર ચાલે તેમ નથી. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે સરેરાશ જીઓ વપરાશકર્તા હવે દરરોજ 25જીબી ડેટા વાપરે છે. દર મહિને જીઓનો 1,100 કરોડ જીબી ડેટા વપરાય છે.
દેશના છેવાડાના વિસ્તારોમાં જ્યાં 5G નથી પહોંચ્યું ત્યાં 2023ના અંત સુધીમાં પહોંચશે
કંપનીના જણાવ્યા મુજબ, જીઓ 5G દેશના 96% થી વધુ વસ્તીગણતરી નગરોમાં પહેલેથી જ હાજર છે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે અમે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં સમગ્ર દેશને આવરી લેવાના ટ્રેક પર છીએ. આનાથી જીઓ 5G એ વિશ્વમાં ક્યાંય પણ આ સ્કેલનું સૌથી ઝડપી 5G રોલઆઉટ છે, અંબાણીએ જણાવ્યું હતું.